Showing posts with label V Balsara. Show all posts
Showing posts with label V Balsara. Show all posts

Sunday, June 7, 2020

વી બલસારા - આબાદ રહો….

હિંદી ફિલ્મોનાં વિસારે પડેલાં ગીતોને યાદ કરવાના આપણા પ્રયાસોમાં 'રખે આપણે ભૂલીએ' શ્રેણી એક નવું સોપાન ઉમેરવાનો ઉપક્ર્મ છે. આ શ્રેણીમાં એવા સંગીતકારોનાં ગીતોને એક છત્ર હેઠળ લાવવાનો પ્રયસ રહેશે જેમના નામે પાંચ પંદર ફિલ્મો જ બોલતી હોય. આ પ્રયાસને આકાર આપવાનું શક્ય બન્વ અપાછળ ફિલ્મ સંગીતના મરજીવા સમાન એવા ચાહકોનું યોગદાન છે જેમણે આવાં લગભગ અશ્મિભૂત થઈ ગયેલ જણાતાં ગીતોને શોધીને ઇન્ટરનેટ પર ડીજિટલ સ્વરૂપે મુકવાની જહેમત ઉઠાવી છે.

પ્રસ્તુત રખે, આપણે ભુલીએ' શ્રેણીનો પ્રાંરંભ વી બલસારાનાં ઇન્ટરનેટ મળેલાં આવાં અન્યથા અપ્રાપ્ય ગીતોને યાદ કરીને કરીશું. જૂન ૨૦૧૭માં આ બ્ળોગ પરની 'વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો" શ્રેણીમાં "વી બલસારાઃ સુનાયે હાલ-એ-દિલ ક્યા હમ હમારા" શીર્ષક હેઠળ વી બલસારાનાં સંગીતના કેટલાક અંશોને યાદ કર્યા હતા. એટલે આજના લેખમાં તે સિવાયનાં ગીતોને આવરી લીધાં છે.

વી બલસારા (મૂળ નામ વિસ્તષ્પ અરદેશર બલસારા ) - જન્મ ૨૨ જૂન ૧૯૨૭ । અવસાન ૨૪ માર્ચ, ૨૦૦૫) ની

વધારે ઓળખ વાદ્યવૃંદ સંગીત રચનાઓના અદ્‍ભૂત સર્જક તરીકે છે તેમાં તેમણે ૩૨ જેટલી બંગાળી ફિલ્મો અને ડઝનેક હિંદી ફિલ્મોમાં સંગીત દિગ્દર્શન કર્યું હતું એ વાત ક્યારેક દબાઈ જતી હોય તેમ જણાય. આ ઉપરાંત તેમણે હિંદી અને બંગાળીમાં ખુબ જ અલગ ભાત પાડતાં ગૈર ફિલ્મી ગીતો પણ રેકર્ડ કરેલ છે. તેમની વાદ્યસંગીતની ૨૦૦થી રચનાઓ રેકર્ડ્સ સ્વરૂપે પ્રકાશિત થઈ હશે, જે પૈકી ઘણી રચનાઓ યુ ટ્યુબ પર પણ અપલોડ થયેલી છે. તેમનો જન્મ મુંબઈનાં એક પારસી કુટૂંબમાં થયો હતો, એ હિસાબે તેઓએ હિંદી ફિલ્મ જગતમાં અનોખાં યોગદાન આપનારાંઓ અનેક હસ્તીઓની પ્રતિષ્ઠાને પણ વધુ વિકસિત કરવામાં પોતાનું યોગદાન નોંધાવ્યું છે .

તેમની કારકીર્દીની જે કંઈ વિગતો દસ્તાવેજિત થઈ છે તેના થકી આપણે હવે જણીએ છીએ કે વી બલસારાની હિંદી ફિલ્મની કારકીર્દીની શરૂઆત 'બાદલ (૧૯૪૩)'માં ઉસ્તાદ મુસ્તાક઼ હુસૈનના સહાયક તરીકે થઈહતી. તે પછી તેમણે થોડો સમય રફીક઼ ગઝનવી, દત્તા કોરેગાંવકર, ગુલામ હૈદર, એમ એ રઊફ, ખેમચંદ પ્રકાશ, મદન મોહન અને હેમંત કુમાર જેવાં અલગ અલગ સંગીત શૈલી ધરાવતા સંગીતકારો સાથે સહાયક તરીકે કામ કર્યુ હતું..

સ્વતંત્ર સંગીતકાર તરીકે વી બલસારાની પહેલી ફિલ્મ 'સર્કસ ગર્લ (૧૯૪૩) હતી, જેમાં તેમણે વસંત કુમાર નાયડૂ સાથે સંગીત દિગ્દર્શન સંભાળ્યું.તેમાણે એક તો ફિલ્મો હોય બી ગ્રેડની હોય અને પછી સફળ ન થાય, એટલે તેનાં બધાં નિશાન રેતીમાં દોરાયેલી રેખાઓ જેમ સમયની થપાટ સાથે વિલિન થઈ જ જાય એ હિંદી ફિલ્મોની નિયતિ રહી છે. પરિણામે, સંગીતબધ્ધ કરેલી ડઝનેક ફિલ્મોમાંથી બહુ થોડી જ ફિલ્મોનાં ગીતો ઈન્ટરનેટના ક્યારે પણ હાર ન માનનાર મરજીવાઓ ખોળી શક્યા છે. આ બધાં ગીતો આ મિત્રોના ફિલ્મ સંગીત માટેના આટલા હૃદયપૂર્વકના પ્રેમ અને ઇન્ટરનેટની સુવિધા મળવાને કારણે જ આપણે સાભળી શકીએ છીએ,

આ ઉપરાંત તેમણે ભાગતા ભૂત, જીના શીખાઓ જેવી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ સંગીત અને 'રંગમહલ' જેવી ફિલ્મમાં નૃત્ય સંગીતની જવાબદારી પણ સંભાળી હતી.

તેમણે સંગીતબધ્ધ કરેલ હિંદી ફિલ્મોમાંથી જે કંઈ ગીતો યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે તે પૈકી વી બલસારા પરના આ પહેલાંના લેખમાં જે ગીતો નથી આવરી લેવાયાં તે ગીતો અહી યાદ કરેલ છે. ગીતોની સંખ્યા ભલે બહુ મોટી નથી, પણ વી બલસારાનાં સંગીત કૌશલ્યનો પૂરતો પરિચય મળી રહે એટલું વૈવિધ્ય ગીતોનાં ભાવમાં જરૂર છે. આજનાં ગીતોને આપણે મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ સૉલો અને યુગલ ગીતો એક સાથે રાખ્યાં છે અને અન્ય ગાયકોના સ્વરમાં ગવાયેલ ગીતોને અલગથી રાખેલ છે. ગીતોના ભાવનં વૈવિધ્ય ઉપરાંત જે તે સમયની આવ્શ્યકતા અનુસાર ગાયકની પસંદગી અનુરૂપ ધુન બનાવવા પર પણ વી બલસારાએ ખાસ ધ્યાન રાખ્યું છે તેમ જણાઈ આવે છે. મુખ્ય ધારાનાં ગાયકોની સાથે સથે તેમણે નવાં ગાયકો પાસે પણ ગીતો ગવડાવીને પોતાની પ્રયોગશીલતાને મોકળાશ આપવામાં પાછી પાની નથી કરી.

આ ગીતોને જાણીતાં ગીતો કદાચ નહી કહી શકાય, પરંતુ આટલાં વર્ષો પછી પણ આ ગીતો સાંભળવા જરૂર ગમશે. ગીતોને ફિલ્મની રજૂઆતનાં વર્ષના ક્રમમાં રજૂ કરેલ છે.

ઉન્હેં દેખતે હૈં તો વો મુંહ ફેર કરકે મુસ્કરાતે હૈં - મદમસ્ત (૧૯૫૩) - એસ ડી બાતિશ, મહેન્દ્ર કપૂર – ગીતકાર: મધુકર રાજસ્થાની

ગીતને કવ્વાલીની શૈલીમાં રજૂ કરાયું છે. કવ્વાલીની ગાયન શૈલીમાં પરંપરાગત રીતે હાર્મોનિયમનો ઉપયોગ કરાતો હોય છે. હાર્મોનિયમના ટુક્ડાઓનો અંતરામાં અને કાઉન્ટર મેલોડીમાં વી બલસારાએ બહુ જ રસપ્રદ રીતે પ્રયોગ કર્યો છે.


કબ બીત ગયી જીવનકી સુબહ, યે જાન ન મૈં પાયી રે - મદમસ્ત (૧૯૫૩) - લતા મંગેશકર - ગીતકાર: મધુકર રાજસ્થાની

અહીં પણ વી બલસારાએ હાર્મોનિયમનો પૂર્વાલાપમાં ગીતના ભાવનો ઉપાડ કરવામા માટે ખુબ માર્મિકપણે પ્રયોગ કર્યો છે. આખાંય ગીતમાં વાદ્ય વૃંદનો હળવો સ્પર્શ ગીતના ભાવને ઘેરો બનાવે છે. 


બીચ બજરીયા પાંવ પકડ કે બોલા - મદમસ્ત (૧૯૫૩) - આશા ભોસલે - ગીતકાર: મધુકર રાજસ્થાની

પાશ્ચાત્ય ધુન અને વાદ્યસજ્જા આપણને પણ ગીતની મસ્તીમાં ઝૂમતાં કરી મૂકે છે.


તુને જિંદગીમેં અગર એક બાર પી લી - મદમસ્ત (૧૯૫૩) - બહાદુર (સોરાબજી) નાનજી - ગીતકાર: મધુકર રાજસ્થાની

ગીતની ક્રેડીટમાં પારસી ગાયક અને વાદ્યવાદક / એરેન્જર બહાદુર નાનજીનું નામ જોવા મળે છે. તેમના સ્વરથી બહુ પરિચિત નથી, પણ શિશિર કુમાર વર્મા સાથેના તેમના તેમના એક ઇન્ટરવ્યુની ક્લિપમાં તેઓએ આ ગીત ગાઈ બતાવ્યું છે, એટલે, બહાદુર નાનજીની ગાયકીને દાદ આપીને, યુટ્યુબ પર મોહમ્મદ રફીના સ્વરની નોંધને આપણે અવગણીશું. 

આંગન આયબ જબ રસિયા….સુનો સુનો રસિયા - વિદ્યાપતિ (૧૯૬૪) - લતા મંગેશકર – ગીતકાર: પ્રહલાદ શર્મા

અહીં વી બલસારા લોકગીતની ધુનનો પ્રયોગ કરે છે. ગીતના અંતમાં પુરુષ સ્વર પણ સાંભળવા મળે છે, પણ ક્રેડીટમાં તેની નોંધ લેવાઈ નથી. 


સુલગ રહી હૈ હુસ્નકી સિગડી આજા પકાયે પ્રેમકી ખીચડી - મદમસ્ત (૯૧૫૩) - મોહમ્મદ રફી - ગીતકાર: મધુકર રાજસ્થાની

ગીતના ઉપાડના પૂર્વાલાપથી જ ગીતનો ઉપાડ મજાકીયાં ગીત તરીકે જ થતો અનુભવાય છે. મોહમ્મદ રફી બહુ હળવાશથી તેમની હરકતોને ગીતમાં ભેળવી લે છે. 

મોહબ્બતકી આંખોંસે આજ પહલા આંસુ ઢલકા હૈ - વોહી લડકી (૧૯૬૭) - મોહમ્મદ રફી, આરતી મુખર્જી – ગીતકાર: પ્રહલાદ શર્મા

ગીતનો તાલ અને વાદ્યસજ્જાની શૈલી પરથી એમ જણાય છે કે ગીત શેરીમાં ગવાતાં ગીતના પ્રકારનું હશે. આ પ્રકારનાં ગીતોને એક ખાસીયત એ હતી કે શેરીમાં ગીત ગાતાં મૂળ ગાયકો જાણે ફિલ્મનાં પાત્રોના ભાવ કહેતાં હોય તેવું લાગે !

આધી રાહમેં સાથ છોડ કર ગયે કિનારા - પ્યાર (૧૯૬૯) - મોહમ્મદ રફી – ગીતકાર: પ્રહલાદ શર્મા

કરૂણ ભાવનાં ગીતને ઊંચા સુરમાં સ્વરબધ્ધ કરવાનો પ્રયોગ સફળ રહ્યો છે. બન્ને અંતરામાં વાદ્યસજ્જા અલગ જ ગોઠવી છે. ધુન ઘણી અઘરી છે. 


અકડ કે કહાં ચલે મેરી જાન, કરોના ઈતના હાયે ગુમાન - પ્યાર (૧૯૬૯) - મોહમ્મદ રફી – ગીતકાર: પ્રહલાદ શર્મા

હિંદી ફિલ્મોમાં છેડછાડનાં ગીત પછી પ્રેમિકા માની જાય તે બહુ સફળ પ્રથા રહી છે. પ્રસ્તુત ગીત સાંભળતાં જ ખ્યાલ આવી જાય છે કે પ્રેમિકા અક્ડાઈને એક એક ડગલું ભરતી હશે અને દિલફેંક નાયક ડગલે ડગલે એક શબ્દ વડે વખાણનાં ફુલ વેરતો જાય છે. 


યે ઠંડી હવા યે રંગીન સમા, નસ નસમેં પ્યાર સમાયા - પ્યાર (૧૯૬૯) - મોહમ્મદ રફી, ચંદ્રાણી મુખર્જી – ગીતકાર: પ્રહલાદ શર્મા

પ્રેમના એકરારનો ઇજ઼્હાર કરતું યુગલ ગીત છે, પણ ધુન લોક ગીત પર આધારિત હોવા છતાં બહુ જ અલગ પ્રકારની છે, અને છતાં મોહમ્મદ રફીને તેમની હરકતો કરવાની જગ્યા મળી ગઈ છે.

રૂઠ કર જાતે કહાં સનમ, આશીકાના હૈ યે મૌસમ - જય બાબા બૈદ્યનાથ (૧૯૭૯) - મોહમ્મદ રફી – ગીતકાર: પ્રહલાદ શર્મા 


આ ફિલ્મ કોઈ કારણસર અટવાઈ ગઈ હોય અને પછીથી મોડે મોડે રજૂ થઈ હોય એવી શક્યતા વધારે લાગે છે. ખેર, વી બલસારા મોહમ્મદ રફી સાથે રુસણાં-મનામણાંના ગીતના પ્રકાર પર હાથ અજમાવી લે છે. 


ફિલ્મોમાં ધારી સફળતા ન મળવાને કરણે વી બલસારા એચ. એમ.વી.ના સંગીત વિભાગમાં જોડાયા. અહીં તેમણે ગૈર ફિલ્મી ગીતો પર તેમનો હાથ અજમાવ્યો. તેમનૂં આ દિશામાં થયેલું કામ પણ મહદ અંશે ઈન્ટરનેટ પણ નથી જોવા મળી શક્યું., પણ જેટલું પણ કંઈ ડીજિટાઈઝ થયું છે તેના વડે આપણને વી બલસારા નાં સંગીતનાં માધુર્યનો અસલી પરિચય થાય છે.

વી બલસારા પરના આ પહેલાંના અંકમાં આપણે તેમણે રચેલાં મન્ના ડેનાં બે ખુબ જાણીતા રહેલાં બે ગૈર ફિલ્મી ગીતો - યે આવારા રાતેં યે ખોયી સી બાતેં અને નઝારોંમેં હો તુમ ખયાલોમેં હો તુમ- ને સાંભળ્યાં હતાં . શ્રી ભગવાન ભાઈ થાવરાનીની’ હુસ્ન પહાડીકા’ શ્રેણીંનો ઉઘાડ જ 'નઝારોંમેં હો તુમથી થયો હતો.

આજે આપણે વી બલસારાની મુકેશના સ્વરની ગૈરફિલ્મી રચનાઓ સંભળીશું.

આબાદ રહો આબાદ રહો, મેરે દિલકો જલાનેવાલે - મુકેશ - ગીતકાર મધુકર રાજસ્થાની

મુકેશના સ્વાભાવિક સ્વરને ઉજાગર કરતી રચનાને વી બલસારાએ પિયાનોના મંદ મંદ ટહુકા વડે સજાવી છે. 

આજ ભી ઉનકી મુહબ્બતકા તસ્સવુર હૈ વહી - મુકેશ - ગીતકાર મધુકર રાજસ્થાની

મુકેશના સ્વરમાં સંભળતામ ગીત જેટાલું મીઠું લાગે છે તેટલી ગીતની બાંધણી સહેલી નથી !

હોઠ પર હોય ખામોશી જબાં નહિ શબ્દ એક કહેતી

છતાંયે આંખ તો દિલનાં હઝારો ભેદ દઈ દેતી

- મુકેશ - ગીતકાર દારા એમ પ્રિંટર


વી બલસારાએ ગુજરાતી ગીત પર મુકેશના સ્વરનો સફળ પ્રયોગ કર્યો છે. અહીં પણ પિયાનોનું પ્રાધાન્ય વી બલસારાની આગવી પહેચાન સ્વરૂપે અછતું નથી રહેતું.


માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો

ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે


- મુકેશ - ગીતકાર દારા એમ પ્રિંટર


મુકેશનાં ગુજરાતી ગૈર ફિલ્મોમાં સૌથી વધારે જાણીતા ગીતોમાં સ્થાન મેળવતી રચનામં વી બલસારાએ પાશ્ચાત્ય ધુનનું બહુ જ સ્વાભાવિક સ્થાનિકીકરણ કર્યું છે.

અઘરી ધુન પણ આટલી કર્ણપ્રિય બની શકે તેમ જે ન માનતાં હોય તેમણે આ ગીત એક જ વાર સાંભળવું પુરતું થઈ રહેશે. 


વી બલસારા હાર્મોનિયમ અને પિયાનો ઉપરાંત યુનિવોક્ષ , મેલોડીકા જેવાં બીજાં અનેક વાદ્યો પર એટલા જ નિપુણ હતા. તે ઉપરાંત તેઓ વાદ્યવૃંદની રચનાઓ કરવામાં એટલા જ પ્રવિણ હતા. તેમની અનેક વાદ્યવૃંદ રચનાઓ ઑલ ઈન્ડીયા રેડીયો અને રેડીયો સિલોનના કાર્યક્રમોમાં 'ફીલર' ટુકડાઓ તરીકે વર્ષો સુધી સાંભળવા મળતી હતી. તેમની આવી બસોએક જેટલી રચનાઓની રેક્રર્ડ્સ ખુબજ સ્ફળતાને વરી હતી. તેમાંની ઘણી રચનાઓ યુ ટ્યુબ પર સાંભળવા મળે છે. તેમની વાદ્ય સંગીતરચનાઓ એક અલગ ચર્ચાનો વિષય છે જેને ન્યાય પણ એ બાબતનું પુરતું જ્ઞાન આપનાર જ કરાવી શકે. અહીં તેમની આ રચનાઓના આસ્વાદની આચમની રૂપ બે રચનાઓ રજૂ કરેલ છે.

આ બન્ને રચનાઓ પંડીત જ્ઞાન પ્રકાશ ઘોષ (હાર્મોનિયમ પર) અને વી બલસારા (પિયાનો પર)ની જુગલબંધી સ્વરૂપે રજૂ થયેલ છે. તબલાં પર સંગત પંડિત શ્યામલ ઘોષ કરે છે.

લોક ગીત પર આધારિત ધુન (આલ્બમ - રાગ ઑન કીબૉર્ડ – જુગલબંધી)

રાગ મિશ્ર પિલુ પર આધારિત ધુન (આલ્બમ - મૉર્નિંગ ટુ મિડનઈટ રાગ્સ – વોલ્યુમ ૩)

૧૯૫૩/૫૪ના અરસામાં જ્ઞાન પ્રકાશ ઘોષ તેમને એક કાર્યક્રમ માટે કલકત્તા લઈ આવ્યા. તે પછી વી બલસારાને કલકત્તા એટલું ગોઠી ગયું કે તેમની કારકીર્દીની બીજી ઇનિંગ્સ તેમણે કલકત્તામાં ખીલવી . અહીં તેમણે ૮૫થી વધુ જેટલી ફિલ્મોમાં સંગીત એરેન્જરની ભૂમિકા સુપેરે નિભાવી. તે ઉપરાંત ગૈર ફિલ્મી ગીતો પણ રચ્યાં. યુટ્યુબ પરની કંઈ કેટલીય ક્લિપ્સમાં વી બલસારાનું સવાયા બંગાળી સ્વરૂપ દેદીપ્યમાન થયેલ જોવા મળે છે. રવિન્દ્ર સંગીતને અભિનવ સ્વરૂપે વાદ્યસંગીતમાં રજૂ કરવાનું તેમનું યોગદાન રવિન્દ્ર સંગીતના ઈતિહાસમાં એક સોનેરૂં પ્રકરણ ગણાય છે.

ફિલ્મ સંગીતની પરિભાષામાં સફળ ન ગણાય એવા આ એક વીરલ સંગીતકારે કહ્યું છે - "જો મને કોઈ એક ચીજ વરદાનમં માગવાનું કહેવામાં આવે તો હું એટલું જ ગણગણી શકીશ કે'મને એવાં લયબધ્ધ અને સૌંદર્યસભર જીવન જીવવાની શક્તિ મળો જેમાં સ્વપ્નઓનું કદી મૃત્યુ ન હોય.'


વી બલસારાના જૂન ૨૦૧૭ના લેખ 'વી બલસારાઃ સુનાયે હાલ-એ-દિલ ક્યા હમ હમારા' અને આજના આ 'વી બલસારા - આબાદ રહો'એ બન્ને લેખો એક સાથે સંકલિત સ્વરૂપે 'વી બલસારા - જહાંમે તુમ હી તુમ' પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાય છે


Sunday, June 11, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જુન, ૨૦૧૭



વી બલસારાઃ સુનાયે હાલ-એ-દિલ ક્યા હમ હમારા
'૭૦ના દાયકામાં મારે જ્યારે મારાં વ્યાવસાયિક કામે મુંબઈ જવાનું થાય ત્યારે કાલાઘોડા પર રિધમ હાઉસની ઊડતી મુલાકાત લેવાનું બહાનું હું શોધી જ લેતો. એવી એક સરસરી મુલાકાત વખતે મેં મન્ના ડેનાં ગૈર ફિલ્મી હિંદી ગીતોની રેકર્ડ્સની પૂછા કરી. મને બે એક રેકર્ડસ બતાવવામાં આવી. એક રેકર્ડ પરનાં આ ગીતો સાવ ન સાંભળેલાં હતાં:
યે આવારા રાતેં યે ખોયી ખોયી સી બાતેં
નઝારોંમેં હો તુમ ખયાલોંમેં હો તુમ, નઝ઼રમેં જિગરમેં તુમ જહાંમેં તુમ હી તુમ

બે ચાર પંક્તિઓ સાંભળતાં જ એ રેકર્ડ તો મેં ખરીદી લીધી. રસ્તામાં મેં કવર પર સંગીતકારનું નામ વાંચી જોયુ. વી. બલસારા જેવું નામ પણ સાંભળ્યું નહોતું. ઘરે આવીને થોડા દિવસો સુધી એ રેકર્ડ જ સાંભળતો રહ્યો. મારો મિત્ર પણ પોતાને ઘરે સંભળાવવા એ રેકર્ડ લઈ ગયો.
જ્યારે એ રેકર્ડ પાછી આપવા આવ્યો ત્યારે તેના પિતાજીએ મન્ના ડેવાળી રેકર્ડ સાંભળ્યા પછી વી. બલસારાની ઇન્સ્ટ્રુમેન્ટ્લ્સ ધુન પરની એક એલપી રેકર્ડ ખરીદી હતી તે પણ મૂકી ગયો.
એ રેકર્ડમાં સિતાર પર આ પાશ્ચાત્ય ધૂનો વગાડવામાં આવેલ:
લારા'સ થીમ
કમ સપ્ટેમ્બર થીમ
બસ. અમે તો આટલામાં જ વી. બલસારાના દિવાના થઈ ગયા હતા. એ પછીથી ઇન્સ્ટ્રુમેન્ટ્લ્સની ઘણી રેકર્ડ્સ અમે ખરીદી હતી. 
આપણી વિસરાતી યાદોમાં સદા યાદ રહેતાં ગીતોની આ શ્રેણી માટે જુન મહિનાના લેખ માટેનો વિષય શોધતાં મારા ધ્યાનમાં આવ્યું કે આ તો વી બલસારાના જન્મનો મહિનો છે (૨૨ જુન, ૧૯૨૨) એટલે આ મહિનાનો લેખ તો તેમનાં ગીતોની યાદમાં જ રજૂ થવો જોઈએ. તે સાથે મનમાં શંકાઓ પણ જાગી પડી કે ૧૯૪૩ની તેમની પહેલવેલી ફિલ્મ 'સર્કસ ગર્લ'થી લઈને ઓ પંછી, રંગમહલ, મદમસ્ત, તલાશ, ચાર દોસ્ત કે પ્યાર જેવી જાણીઅજાણી ફિલ્મોનાં ગીતો નેટ પર મળશે ખરાં? આપણા નેટીઝન મિત્રોની પહોંચ બાબતે શંકા સામાયન્તઃ અસ્થાને જ હોય છે. આ કિસ્સામાં પણ એવું જ થયું છે. વી. બલસારાનાં ઘણાં હિંદી ગીતો આપણને યુટ્યુબ પર સાંભળવા મળી શકે છે. એમાનાં કેટલાંક ગીતો આજના આ અંકમાં વી. બલસારા (વિસ્તાપ અરદેશર બલસારા)ની વીસરાતી યાદને તાજી કરવા માટે સાદર રજૂ જરેલ છે.

રૂઠી હુઈ તક઼દીર કો અબ કૈસે મનાઉં - મુકેશ (ગૈરફિલ્મી ગીત)- ગીતકાર મધુકર રાજસ્થાની
જ્યાં સુધી ફિલ્મોમાં બહુ કામ ન મળતું થયું ત્યાં સુધીમાં વી બલસારાનાં સંગીતને ચાહકો સુધી પહોંચાડવામાં આ પ્રકારનાં ગૈર ફિલ્મી ગીતોનો ફાળો બહુ મોટો રહ્યો. મુકેશનાં બીજાં પણ બે એક ગૈરફિલ્મી ગીતો છે જે યુટ્યુબપર સાંભળવા મળી શકે છે.
યે હવા યે ફીઝા યે નઝારે હમ યહાં તુમ વહાં - ગીતા રોય (દત્ત) (ગૈરફિલ્મી ગીત)
ગીતા દત્ત પરના દસ્તાવેજોમાં એવી નોંધ જોવા મળે છે કે તેમનાં ગૈરફિલ્મી ગીતોની સંખ્યા પચીસેક ગીતોથી વધારે નથી. આપણાં નસીબ સારાં કે એ પૈકી એક વી. બલસારાએ સંગીતબધ્ધ કરેલ છે...
૧૯૫૩ની 'મદમસ્ત'નાં ઘણાં ગીતો વી બલસારાની સંગીત પહેચાન કરવા માટે આપણને હાથવગાં થઈ પડે છે.
ચાલ અનોખી ઢંગ નીરાલે, તડપ ઉઠે હય અજી દેખને વાલે - મદમસ્ત (૧૯૫૩) - આશા ભોસલે - ગીતકાર મધુકર રાજસ્થાની 
કિસી સે ઝુલ્મ કી તસ્વીર હૈ - મહેન્દ્ર કપૂર, ધાન ઈન્દોરવાલા - ગીતકાર માનવ
મે, ૨૦૧૭ના આ શ્રેણીના સ્નેહલ ભાટકર પરના અંકમાં આપણે મહેન્દ્ર કપૂરનાં સૌથી પહેલાં સૉલો ગીતને સાંભળ્યું હતું. પ્રસ્તુત ગીતના ફાળે હિંદી ફિલ્મોમાં મહેન્દ્ર કપૂરનાં સર્વપ્રથમ ગીતનું માન જાય છે. મરફી સ્પર્ધામાં મહેન્દ્ર કપૂર પહેલા રહ્યા અને એના કારણે એમને ચાંદ છૂપા ઔર તારે ડૂબે રાત ગજ઼બ કઈ આયી જેવાં ગીતોથી મહેન્દ્ર કપૂર પ્રકાશમાં આવ્યા તેનાથી બહુ પહેલાંનાં આ ગીતો છે.
મૈં લાલ પાન કી બેગમ હૂં, બેગમ બેગમ બેગમ હું, મૈં લાલ પાન કી બેગમ, મૈં બાદશાહ હૂં કાલેકા, મૈં બાદશાહ હૂં કાલે કા શમસાદ બેગમ, એસ ડી બાતિશ – ગીતકાર: જે સી પન્ત
સુનાયે હાલ-એ-દિલ ક્યા હમ હમારા - લતા મંગેશકર
લતા મંગેશકરના સ્વરની ખૂબીઓને પૂરેપૂરી અજમાયશ કરતું ગીત.
જો કે તે પછી ૧૯૬૪ની 'વિદ્યાપતિ'નું લતા મંગેશકરનું ગીત આ દૃષ્ટિએ વધારે મુશ્કેલ ગીત  કહી શકાય. હિંદી ફિલ્મ સંગીતની નિયતિની વિચિત્રતાઓના ભોગ બનવાનું પણ આ ગીતને ફાળે જ આવ્યું.
મોરે નૈના સાવન ભાદોં - લતા મંગેશકર – ગીતકાર: પ્રહલાદ શર્મા
આ જ મુખડા આ જ રાગ પર આધારીત ગીત જ આપણી યાદમાંથી બહાર આવી જશે ! પણ આ ગીતને સાંભળતાં વેંત આપણા દિલો દિમાગ પર એ છવાયેલું રહે છે.
ચુભ ગયા કાંટા. ઊઈ કૈસે મૈં અબ ઘર જાઉં - પ્યાર (૧૯૬૯) - આરતી મુખરજી - ગીતકાર પ્રહ્લાદ શર્મા
ધુન, ગાયન શૈલી કે ગાયકની પસંદગી જેવાં કોઈ પણ પરિમાણ પર શ્રોતા આ પ્રકારનાં ગીતને 'બહુ વધારે પડતું પ્રયોગાત્મક' છે એવો પ્રતિસાદ આપશે એવી પરવા કર્યા સિવાય ગીતને રજૂ કરાયું છે.

વી. બલસારા પરના કોઈ પણ લેખનો અંત તેમની જૂદાં જૂદાં વાદ્યો પરની નિપુણતા અને તેમાંથી નિપજતી પ્રયોગાત્મકતાનું પ્રતિનિધિત્વ કરતી રચનાઓને સાંભળ્યા સિવાય તો ના જ કરાય !
કલકત્તા દૂરદર્શન પરના એક ઈન્ટરવ્યૂમાં વી બલસારાએ  હિંદી ફિલ્મો સાથેનાં વાદ્યોની અનોખી રજૂઆત કરનાર કલાકાર તરીકેનાં હિંદી ફિલ્મ જગત સાથેના સંબંધોને યાદ કર્યા છે. જેમકે ઘણી વાર તેઓએ પિયાનો ઍકોર્ડીઅન જેવી જ અસર હાર્મોનિયમથી જ ઊભી કરી હતી -
યાદ કિયા દિલને કહાં હો તુમ
 અય મેરે દિલ કહીં ઔર ચલ
મેરા જૂતા હૈ જાપાની

આ એમનો છેલ્લો પિયાનો કન્સર્ટ ગણવામાં આવે છે.રોબર્ટ ડે એ તેની રજૂઆતને વી બલસારાનાં બંગાળી ફિલ્મ સંગીત સાથેનાં તેમનાં કામના દસ્તાવેજ સમી કક્ષાની કરી આપી છે.
આ ઉપરાંત કેટલીક અન્ય રચનાનો નમૂનો -
મધુમતી (૧૯૫૮)નું આજા રે પરદેસી
આ શ્રેણીના દરેક અંકની સમાપ્તિ મોહમ્મદ રફીના ગીતથી કરવની પરંપરા આગળ ચલવવા માટે આજે આપણે વી બલસારાનાં મોહમ્મદ રફીના સ્વરમાં રજૂ થયેલાં બે સાવ જ અલગ ભાતનાં બે ગીતો સાંભળીશું :
દૂર ગગનકે ચંદા, કહીયો સાજન સે સંદેશ.......મો સે રૂઠ ગયો બનવારી, જારી ગયો મધુબન, સુખી જમુના ગલી ગલી દુખીયારી - વિદ્યાપતિ (૧૯૬૪) - ગીતકાર પ્રહ્લાદ શર્મા
રફીની ઊંચા સ્વરમાં મુખડાની શરૂઆત કરવી પછીથી એકદમ નીચે આવી જવું અને આગળ જતાં ઊચાનીચા સ્વરની સાથે ખૂબ આસાનીથી પેશ કરી શકવાની હથોટીને દરેક સ્તરે અજમાવતું ગીત  
 

રહો ગે કબ તક હમસે દૂર, પ્યાર કા તો ઐસા દસ્તૂર ઈશ્ક પૂકારેગા તુમકો, આના હી હોગા રે આના હી હોગા - વોહ લડકી (૧૯૬૭) - ગીતકાર પ્રહ્લાદ શર્મા
પોતાની (ભાવિ !) પ્રેમિકા સાથે મીઠી છેડછાડ કરતા નાયકના ભાવને અલગ અલગ અંદાજમાં રજૂ કરવાની ફિલ્મી પરંપરાની મશાલને આગળ ધપાવતું ગીત 





આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……