Showing posts with label Male-Male Duets. Show all posts
Showing posts with label Male-Male Duets. Show all posts

Sunday, July 24, 2022

મુકેશનાં અન્ય પુરુષ ગાયકો સાથેનાં ગીતો

 

મુકેશની ૯૯મી જન્મતિથિ (૨૨ જુલાઈ, ૧૯૨૩ - ૨૭ ઓગસ્ટ,૧૯૭૬)ની યાદમાં

આપણી ફિલ્મોનો, સામાન્યતઃ, વિષય છોકરા અને છોકરીના પ્રેમની આસપાસનો જ હોય. પ્રેમના જુદા જુદા તબક્કાઓ અને સામાજિક સંજોગોના રંગોની તેમાં મેળવણી થાય એટલે દરેક ફિલ્મની એક આગવી ભાત ઉપજે. આ પ્રકારના વિષયમાં પાત્રના મનના ભાવોને, દરેક સ્તરનાં પ્રેક્ષકો સહેલાઈથી સમજી અને માણી શકે એવું કરવા માટે ગીત એક બહુ જ પ્રત્યક્ષ છતાં સશક્ત માધ્યમ તરીકે હાથવગું બની રહેતું હોય છે.

પરંપરાગત રીતે, સૉલો ગીતો પ્રમુખ સ્થાને રહ્યાં છે. ફિલ્મ નિર્માણના વિકાસના શરૂઆતના તબક્કામાં જ્યારે ફિલ્માંકનની સાથે અવાજને રેકોર્ડ કરવાની તકનીકો વધારે વિકસી નહોતી ત્યારે સ્ત્રી અને પુરુષના સુરની સાહજિક ભિન્નતાને કર્ણપ્રિય ઢબે ફિલ્માંકન કરવું એ જ કપરૂં કામ હતું. વળી, અભિનેતાઓ જાતે જ પોતાનાં ગીત ગાતાં એટલે સૉલો ગીતનાં ફિલ્માંકનમાંજ પરસેવા વળી જતા ત્યાં યુગલ ગીતને તો બહુ તક જ ક્યાં મળે!

પરંતુ જેમ જેમ રેકોર્ડિંગ તકનીકો વિકસતી ગઈ, તેમ તેમ યુગલ ગીતોનાં એક આગવાં સ્થાનનું અગત્ય પણ ખીલવા લાગ્યું. સ્ત્રી અને પુરુષ સ્વરોની સાવ જ અલગ ધ્વનિ તીવ્રતા કે સપ્તક રજુ કરવાની સાહજિક વિસ્તાર ક્ષમતાને સૉલો ગીતની બરાબરીમાં રજું કરવાનું શક્ય બનવા લાગ્યું. તે સાથે ગીત ગાવા માટે પાર્શ્વ ગાયન તકનીકોના વિકાસે પાર્શ્વ ગાયકોની નવી પેઢીને પણ ફિલ્મ સંગીત ભણી આકર્ષી. આમ થવાથી યુગલ ગીતો વડે ફિલ્મનાં વસ્તુને વધારે ઓપ આપવાની શક્યતાઓ પણ હવે ફિલ્મ નિર્માતાઓ અને સંગીત દિગ્દર્શકોની નજરમાં ઉઘડવા લાગી. પરિણામે, એક જ આગવા પ્રકાર તરીકે હવે યુગલ ગીત પણ ફિલ્મનિર્માણનાં અંગ તરીકે પ્રસ્થાપિત થવા લાગ્યાં. 

તત્ત્વતઃ, યુગલ ગીતોને સ્ત્રી-પુરુષ, પુરુષ-પુરૂષ અને સ્ત્રી-સ્ત્રી એમ ત્રણ સ્તરે વર્ગીકૃત કરવામાં આવે છે. સ્વાભાવિક જ છે કે સ્ત્રી-પુરુષ યુગલ ગીતો જ અગ્રીમ હરોળમાં સ્થાન મેળવે. પરંતુ, મુખ્ય પાત્રોનાં મિત્રોની ઉમેરણી કરીને ફિલ્મની રજુઆતમાં વૈવિધ્ય આવતું ગયું તેમ તેમ મિત્રોની વચ્ચે એકબીજાંની મજાક-મશ્કરી કરવી કે એકબીજાંને સલાહ આપવી કે હમદર્દી જતાવવી કે કોઈ ઉત્સવ સાથે ઉજવવો જેવા વિષય સાથેનાં પુરુષ-પુરુષ કે સ્ત્રી-સ્ત્રી ગીતોના પ્રયોગો પણ થવા લાગ્યા. તેમાં પણ દેશ પ્રેમ કે ઉત્સવોની ઉજવણી કે ભક્તિ ગીતોના પેટા પ્રકારો  ફિલ્મમાં સરળતાથી ગોઠવી દેવા માટે પુરુષ-પુરુષ કે સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો તો સ્વાભાવિક માધ્યમ જ હતાં. આમ '૪૦ના દાયકામાં જેમ જેમ ફિલ્મનાં કથા વસ્તુને રજૂ કરવા માટે નવા નવા પ્રયોગો થતા ગયા તેમ તેમ દરેક પ્રકારનાં યુગલ ગીતો વિષય અને રજુઆતનાં વૈવિધ્યની સાથે સંખ્યામાં પણ નોંધપાત્ર સ્તરે પહોંચવા લાગ્યાં. '૬૦ના દાયકામાં એકથી વધારે મુખ્ય પુરુષ કે સ્ત્રી પાત્રો સાથેના પ્રણય ત્રિકોણ કે ચતુષ્કોણો સાથેની ફિલ્મોનું પણ ચલણ પ્રચલિત થતું ગયું, જેણે પણ પુરુષ-પુરુષ અને સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોની નવી શક્યતાઓ ઉઘાડી આપી. જોકે સૉલો ગીતોમાં વધેલાં વૈવિધ્ય જેટલા બહુ મોટા ફેરફારો યુગલ ગીતોના મૂળ પ્રકારોમાં થયા છે એમ કદાચ ન કહી શકાય.


મુકેશનાં હિંદી ફિલ્મ સંગીતનાં અન્ય (પુરુષ તેમ જ સ્ત્રી) ગાયકો સાથેનાં ગીતોની સખ્યા તેમનાં કુલ ગીતોનો ૨૦ % તેટલો હિસ્સો ધરાવે છે. અન્ય ગાયકો સાથેનાં મુકેશનાંગીતોની યાદીમાં મુકેશ ગીત કોષ બહુ જ ચીવટથી મુકેશ સાથે કોઈ અભિનેતા/ અભિનેત્રીએ એકાદ બે વાક્યનો સુર પુરાવ્યો હોય એવાં ગીતોને પણ અલગથી નોંધે છે. તે જ રીતે અન્ય ગાયકો સાથેનાં યુગલ ગીતોમાં જે ગીતોમાં સમુહ ગાન પણ હોય તેવાં ગીતોને પણ અલગથી તારવી બતાવાયાં છે.

આમ, આવાં સમુહગાનના અંશો સાથેનાં મુકેશનાં અન્ય પુરુષ ગાયકો સાથેનાં ગીતો મુકેશનાં બધા જ ગાયકો સાથેનાં ગીતોનો લગભગ ૧૫% હિસ્સો બની રહે છે. પહેલી નજરે બહુ ઓછી જણાતી આ સંખ્યામાં પણ પુરુષ ગાયકોના સંગાથનાં વૈવિધ્યની સાથે ગીતની રજુઆતના સમય કાળ, સંગીતકારો, ગાયન અને ગીત બાંધણી શૈલીઓ અને વિષયોનાં વૈવિધ્ય એક અલગ લેખ માટે પુરતો વિષય બની રહે તેમ છે. આમ, મુકેશની ૯૯મી જન્મજયંતિની સ્મરણાંજલિ તરીકે મુકેશનાં અન્ય ગાયકો સાથેનાં ગીતો,  મુકેશનાં ગીતોને, એક આગવા દૃષ્ટિકોણથી, યાદ કરવાનો, અવસર પુરો પાડે છે. 

અહીં મુકેશ સાથે કોઈ અભિનેતા/અભિનેત્રીએ એકાદ બે પંક્તિઓનો સાથ આપ્યાં હોય એવાં ગીતો નથી સમાવ્યાં. મોહમ્મદ રફી કે કિશોર કુમાર જેવા પુરુષ ગાયક સાથે મુકેશનાં એકથી વધારે ગીતો છે, તેમાંથી મને સૌથી વધારે ગમતાં ગીતને અહીં રજુ કરવાની છૂટ લીધી છે. જે જે કિસ્સાઓમાં મુકેશનાં અન્ય પુરુષ ગાયકો સાથેનાં ગીતો નથી કે યોગ્ય યુગલ ગીત નથી એમ જણાયું હોય, કે જે ગીત લેખનાં વિષયવસ્તુને અનુરૂપ  થતાં હોય એવા કિસ્સાઓમાં (માત્ર પુરુષ ગાયક સાથે કે સ્ત્રી-પુરુષ સાથેનાં) ત્રિપુટી કે ત્રિપુટી(+) ગીતોને પણ સમાવ્યાં છે. તલત મહમુદના કિસ્સામાં મુકેશ સાથે તેમનું કોઈ હિંદી ફિલ્મ યુગલ ગીત નથી એટલે ગૈર-ફિલ્મી ગીત સમાવ્યું છે.

શૈલેશ (મુખર્જી) સાથે

રબ મેરે અરજ સુન મેરી શરન અબ તેરી - આગ (૧૯૪૮) – ગીતકાર: સરસ્વતી કુમાર દીપક – સંગીત: રામ ગાંગુલી

મૂળ ભજનનાં ભાવનાં ગીતને રામ ગાંગુલી અનોખા સ્પર્શથી રજુ કરેલ છે.

આપણે જો ફિલ્મનાં પ્રકાશનનાં વર્ષના ક્રમમાં જ ગીતો ગોઠવ્યાં હોત તો હવે મુકેશ અને મોહમ્મદ રફીનાં ચિલમન (૧૯૪૯) કે ઠેસ (૧૯૪૯)નાં બે ગીતોમાંથી એક અહીં મુક્યું હોત. પરંતુ એ ક્રમ જાળવવા સાથે જ્યાં જ્યાં મુકેશનાં અન્ય ગાયકો સાથે એકથી વધારે ગીતો છે ત્યાં મેં મારી પસંદનાં ગીતને મુકવાનું પ્રયોજ્યું છે. મુકેશ-મોહમ્મદ રફીનાં યુગલ ગીતોમાંથી મારૂં ગમતું ગીત ૧૯૫૮નાં વર્ષનું છે, એટલે તે થોડી વાર પછી સાંભળીશું.

જી એમ દુર્રાની સાથે

ઐસે મેં કોઈ છમ સે જો આ જાયે તો ક્યા હો - હંસતે આંસુ (૧૯૫૦) – ગીતકાર: શેવાન રિઝ્વી – સંગીત: ગુલામ મોહમ્મદ

પથારી ક્યાં મુકવી તે વિષે બે મિત્રો વચ્ચે દલીલો ચાલી રહી છે. પેલા મિત્રને તે દરવાજાના ઉંબર પાસે જ મુકવી છે જેથી  જેની સાથે નજર મેળવવા મન તલસી રહ્યું છે તે ઝ્ટ દઈને પણ પસાર થાય તો અવસર ન ચુકાય. તેની સામે બીજો મિત્ર સલાહ આપે છે કે ભાઈ, ઊંચી-એડીનાં ચપ્પલના નજ઼ારાનો પહેલો જ વાર ખમવાનો વારો આવે એમ પણ બને !

ફિલ્મ જોઈએ તો જ ખબર પડે કે આગળ ખરેખર શું થયું  !

ગુલામ મોહમ્મદે ગીતની સજાવટ બહુ જ કર્ણપ્રિય ધુન અને વાદ્યસજ્જા સાથે કરી છે.

હવે પછી એક ત્રિપુટી ગીત લીધું છે કેમકે તેમાં ગાયકોનું એક અનોખું સંયોજન સાંભળવા મળે છે.

ખાન મસ્તાના સાથે

ક્યું શિક઼વા કરેં ક્યું આહેં ભરેં - પગલે (૧૯૫૦) - તલત મહમુદ સાથે – ગીતકાર:  અન્જુમ રેહમાની – સંગીત: વી જી (સ્નેહલ) ભાટકર

કોઈ એક પ્રેમપાત્રની આંખમાં વસવા માટેના બધા પ્રયત્નોની સરિયામ નિષ્ફળતાને ભેગા મળીને મિત્રો વાચા આપે છે.



'પગલે'માં મુકેશનું એક બીજું પણ ત્રિપુટી ગીત છે જેમાં ખાન મસ્તાનાની સાથે જી એમ દુર્રાની જોડાય છે–

યે આજ કલ કે લૈલા ઔર મજનુ - પગલે (૧૯૫૦) - જી એમ દુર્રાની સાથે – ગીતકાર:  અન્જુમ રેહમાની – સંગીત: વી જી (સ્નેહલ) ભાટકર

પ્રેમનાં જળ ઝાંઝવાં કેમ દેખાય છે તેનું કારણ હવે મળી ગયું છે -

યે આજ કલ કે લૈલા ઔર મજનુ

.. … …

ઈક હાથ સે દિલકો થામતે હૈં

ઈક હાથ સે ટાટા કહતે હૈં

અહીં ખાસ નોંધ લઈએ કે આ ગાયકોની ઓળખ મુકેશ ગીત કોશમાં કરવામાં આવી છે, જ્યારે હિંદી ફિલ્મ ગીત કોશ તો જાગીરદાર, આગા અને શેરીનાં રેકોર્ડ પરનાં નામો જ બતાવે છે, જેઓએ ગીત પર્દા પર ભજવેલ છે.

એસ ડી બાતિશ સાથે

જાઓ સિધારો રે રાધા કે શ્યામ - આરઝૂ (૧૯૫૦) - શમશાદ બેગમ, કોરસ સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી / જાં નિસ્સાર અખ્તર – સંગીત: અનિલ બિશ્વાસ

રેકોર્ડ (N 38386)પરની નોંધ મુજબ આ ગીત ભલે ત્રિપુટી ગીત ગણાય પણ આખું ગીત સાંભળીશું તો ખયાલ આવે છે કે આખાં ગીતમાં મુકેશ અને એસ ડી બાતિશ તો કશે જોડાતા જ નથી. ગીત સ્ટેજ પર ભજવાતી, ત્રણ ભાગમાં રજુ થતી, એક નૃત્યનાટિકા છે. મજરૂહ સુલતાનપુરીએ લખેલા પહેલા ભાગ અને ત્રીજા ભાગમાં એસ ડી બાતિશ અને શમશાદ બેગમ યુગલ સ્વરમાં છે જ્યારે જાં નિસ્સાર અખ્તરે લખેલા બીજા ભાગમાં મુકેશ અને શમશાદ બેગમ યુગલ સ્વરમાં છે. 


કિશોર કુમાર સાથે

મુકેશ અને કિશોર કુમારનાં સહગાનની વાતમાં પણ રસપ્રદ વળાંકો છે. ૧૯૫૩માં તેમનાં એક ત્રિપુટી ગીત સિવાય કિશોર કુમારની કારકિર્દીના આરાધના(૧૯૬૯) પહેલાંના, કિશોર કુમાર ૧.૦ તરીકે ઓળખાતા, તબક્કામાં આ બન્નેએ કોઈ ગીત સાથે  નથી ગાયું. ૧૯૬૯માં ફરી એક વાર કિશોર કુમાર અને મુકેશ સત્યકામ (૧૯૬૯)માં એક ત્રિપુટી+કોરસ ગીત દ્વારા સાથે આવ્યા. તેમનું પહેલું ચોક્ખું યુગલ ગીત છેક ૧૯૭૧, કિશોર કુમાર ૨.૦ના પ્રારંભ કાળ, માં આવ્યું. તે પછી એક યુગલ ગીત ૧૯૭૬માં પણ થયું. તે ઉપરાંત તેમનાં બે ત્રિપુટી ગીતો - એક સુષ્મા શ્રેષ્ઠ સાથે ધરમ કરમ (૧૯૭૫) અને બીજું દિલરાજ કૌર સાથે 'ચોર મંડલી (૧૯૮૩)- થયાં. મોહમ્મ્દ રફી અને લતા મંગેશકર સાથે એક આ બન્નેનું એક ચતુશ્કોણીય ગીત અમર અકબર એન્થની (૧૯૭૭)માં પણ થયું હતું.

લો મિલ ગયી ડીગ્રી પ્યાર કી - માલકિન (૧૯૫૩) - રામ કમલાની સાથે – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ – સંગીત: રોશન

રોશને મુકેશ પાસે ગવડાવેલાં ૩૬ જેટલાં ગીતોમાં આ એક જ  માત્ર કોમેડી ગીત છે.

જોકે અહીં પણ વક્રતા એ છે કે આખાં ગીતમાં મુકેશના ભાગે માત્ર બે શબ્દો જ બોલવાના આવ્યા છે   - પહેલી વાર પહેલા અંતરાની પંક્તિ દિનમેં સૌ સૌ ચક્કર કાટે' પછી 'કહાં ભાઈ?' અને બીજી વાર ત્રીજા અંતરાની પંક્તિ બૈઠે બૈઠે કિસ્મત ખુલ ગઈ પછી 'કિસ કી?'

હાલ ચાલ ઠીક ઠાક હૈ - મેરે અપને (૧૯૭૧) - કોરસ સાથે – ગીતકાર: ગુલઝાર – સંગીત: સલીલ ચૌધરી

આ યુગલ ગીત સાથે મારી બહુ મીઠી યાદ જોડાયેલ છે.

૧૯૭૧-૧૯૭૩નાં મારાં બિટ્સ, પિલાણી,માં અભ્યાસનાં વર્ષો દરમ્યાન દર શનિ-રવિવારે તાજી જ રીલીઝ થયેલી ફિલ્મ અમારી ફિલ્મ ક્લબ લઈ આવતી. 'મેરે અપને' મેં એ સમયમાં જોયેલી. ફિલ્મનો વિષય ભણેલા યુવાનોની બેકારીની સમસ્યાનો હતો એટલે સ્વાભાવિક જ છે કે ફિલ્મ અમારે ત્યાં બહુ ચર્ચાયેલી અને વખણાઈ હતી. પ્રસ્તુત યુગલ ગીતમાં જે વ્હિસલીંગ સાંભળવા મળે છે તે એ દિવસોમાં સ્વાર સાંજ કોઈ પણ હૉસ્ટેલ પાસેથી નીકળો તો અચુક સાંભળવા મળતું. તે ઉપરાંત 'હાલ ચાલ?'ના 'કેમ છો?'ને બદલે પુછાતા સવાલના જવાબમાં, મૂળ ગીતના લહેકામાં જ 'ઠીક ઠાક હૈ'નો પ્રતિભાવ પણ ખુબ પ્રચલિત બનેલો.


મોહમ્મદ રફી સાથે

કોઈ પણ પુરુષ ગાયક સાથેનાં ગીતોમાં સૌથી વધારે ગીતો મુકેશે મોહમ્મદ રફી સાથે ગાયાં છે - ૭ યુગલ ગીતો, ૬ યુગલ+કોરસ ગીતો, હંસતે આંસુ (૧૯૫૦)નું શમશાદ બેગમ સાથે, શ્રી ૪૨૦ (૧૯૫૫) અને આહુતિ (૧૯૭૮)નાં લતા મંગેશકર સાથે, દિલ ને ફિર યાદ કિયા (૧૯૬૬) અને વિશ્વાસ (૧૯૬૯)નાં સુમન કલ્યાણપુર સાથે અને જાનેમન (૧૯૭૬)નું હેમલતા સાથે એમ ૭ ત્રિપુટી ગીતો, અને કિશોર કુમાર, લતા મંગેશકર સાથેનું અમર અકબર એન્થની (૧૯૭૭)નું ચતુષ્કોણીય ગીત.

તેનાથી પણ વધારે અગત્યનું કદાચ એ છે કે તેમનાં આ સહગાનનો ગાળો બન્ને કારકિર્દીની શરૂઆત (૧૯૪૯, ઠેસ અને ચિલમન)થી લઈને લગભગ અંત સુધી (૧૯૭૮, આહુતિ)ના કાળને આવરી લે છે.

મારી પસંદનું આ બન્નેનું યુગલ ગીત મને બહુ જ ગમતાં કેટલાંક ગીતોમાં અગ્રીમ છે. જ્યારે પણ, જેવા પણ, તનાવની પરિસ્થિતિઓમાં હું હોઉં, આ ગીતને યાદ કરતાંવેંત જ મારો બધો જ તનાવ પલકવારમાં ઓગળી જાય છે.

ફિરતે થે બડે હી સિકંદર બને હુએ … જો બોર કરે યાર કો ઉસ યાર સે તૌબા … જિસ પ્યારમેં યે હાલ હો ઉસ પ્યાર સે તૌબા - ફિર સુબહ હોગી (૧૯૫૮) – ગીતકાર: સાહિર લુધિયાનવી સંગીત: ખય્યામ

કોઈ પણ દિલોજાન મિત્ર જ કરી શકે એટલી સહજતાથી મોહમ્મદ રફી પોતાના મિત્રની એવી ફિલ્મ ઉતારે છે કે રાજ કપૂર સાથેનાં તેમનાં પ્રેમિકા માલા સિંહા પણ તેમનું હાસ્ય ખાળી નથી શકતાં. રફીની ગાયકીને અદ્દ્લોઅદ્દલ પરદા પર  ભજવવાથી અન્યથા ગંભીર ભૂમિકાઓ ભજવતા રહેમાન માટે ગીતનો અભિનય કરવો આસાન બની ગયો હશે !

મોહમ્મદ રફીના બોલની સાહિરે લખેલી કોઈ પણ પંક્તિમાં વણાયેલી રમૂજ ભલભલી મિત્રતાના પાયા હચમચાવી કાઢી શકે તેવી (નિર્દોષ) ધાર સાથેની છે.


મહેન્દ્ર કપૂર સાથે

મુકેશ અને મહેન્દ્ર કપૂરના નામે ત્રણ યુગલ ગીતો બોલે છે, પણ તેમાંથી સાથી (૧૯૬૮)ના ગીતમાં તો મહેન્દ્ર કપૂરને ફાળે ઉંચા સ્વરે નેપથ્યમાંથી ગુંજતા ઉપદેશ 'ભૂલ જા ભૂલ જા' એટલું જ બોલવાનું આવ્યું છે. બાકીનાં બન્ને યુગલ ગીતો, દિલ્લીકા દાદા (૧૯૬૨) અને હોલિડે ઈન બોમ્બે (૧૯૬૩) માટે,  એન દત્તા દ્વારા રચાયેલાં છે.  મેં બીજું ગીત પસંદ કર્યું છે.

યે હસીન બંબઈ હમેં જમ ગઈ .. … હોલી ડે હોલી ડે હોલી ડે ઈન બોમ્બે - હોલી ડે ઈન બોમ્બે (૧૯૬૩) – ગીતકાર: અન્જાન – સંગીત: એન દત્તા

આ ગીત પસંદ કરવા માટે મારી પાસે આટલાં 'ખાસ' કારણો હતાં - પહેલું, મુકેશના ભાગે હીરો માટે ગીત ગાવાનું આવ્યું છે, એટલે તે યુગલ ગીતના મુખ્ય ગાયક છે. બીજું, ગીતમાં એ સમયનાં મુંબઈની વર્ચ્યુઅલ સફર કરવા મળે છે. અને ત્રીજું એ કે મુકેશનાં અન્ય પુરુષ ગાયકો સાથેનાં ગીતોમાં આ એક માત્ર શીર્ષક ગીત છે, અને ચોથું, અને કદાચ સૌથી વધારે મહત્ત્વનું, કારણ એ કે ગીતમાં એ સમયમાં મોભાનું શક્તિશાળી પ્રતિક ગણાતું લેમ્બ્રેટા સ્કૂટર જોવા મળે છે.

મુકેશ અને મહેન્દ્ર કપૂરનાં ગીતોની વાત કરતાં હોઇએ તો તેમનાં બહુખ્યાત ગઝલ ગાયક રાજેન્દ્ર મહેતા સાથેનાં ત્રિપુટી ગીતની નોંધ લેવી જ જોઇએ.

મેરા રંગ દે બસંતી ચોલા - શહીદ (૧૯૬૫)- રાજેન્દ્ર મહેતા સાથે - ગીત અને સંગીત: પ્રેમ ધવન

હિંદી ફિલ્મોનાં દેશ ભક્તિનાં ગીતોનાં ઉત્કૃષ્ટ ગીતોમાં અગ્રીમ હરોળનું સ્થાન આ ગીતને મળતું રહ્યું છે.


મન્ના ડે સાથે

મુકેશના સમકાલીન ગાયકો પૈકી મન્ના ડે સાથેનું યોગલ ગીત પણ છેક ૧૯૭૬માં, 'દસ નંબરી' માટે, થયું એ પણ એક ન સમજાય એવું આશ્ચર્ય છે. મુકેશ, મોહમ્મદ રફી અને મન્નાડેનું ત્રિપુટી ગીત પણ છેક ૧૯૭૩માં, તીન ચોર, માટે થયું. હવે આ બન્ને ગીતો પાછાં મને તો ખાસ ગમ્યાં નહીં. એટલે આજના લેખ માટે  ૧૯૫૯નાં એક ચતુષ્કોણ સમુહ ગીત અને ૧૯૬૧નાં એક પાંચ ગાયકોનાં સમુહ ગીતની રજુઆત માટે પસંદગી ઉતારી છે.

સાથી રે ભાઈ રે … કદમ કદમ સે દિલ મિલા રહેં હૈ હમ - ચાર દિલ ચાર રાહેં (૧૯૫૯) - મહેન્દ્ર કપૂર, મીના કપૂર અને સાથીઓ સાથે – ગીતકાર: સાહિર લુધિયાનવી – સંગીત: અનિલ બિશ્વાસ

પ્રેરણાદાયક ગીતોના પ્રકારનાં આ ગીતને અનિલ બિશ્વાસ અને સાહિર લુધિયાનવીની આગવી માવજત એક ફરી ફરી સાંભળવું ગમે તેવાં ગીતમાં પરિવર્તિત કરી નાખે છે.

જિસ દેશમેં ગંગા બેહતી હૈ (૧૯૬૧)નું પાંચ ગાયકો સાથે સમૂહ ગાન આમ તો બહુ જાણીતું છે. પરંતુ આજના લેખ માટે એ ગીત સાંભળતાં મને તેમાં યુગલ ગીતનો ભાવ પણ વંચાતો લાગ્યો, એટલે તેને અહીં રજુ કરવાની લાલચ રોકી નથી શકતો.

હમ ભી હૈ તુમ ભી હો, દોનોં હૈ આમને સામને - જિસ દેશમેં ગંગા બેહતી હૈ (૧૯૬૧)- મહેન્દ્ર કપૂર, લતા મંગેશકર, ગીતા દત્ત, સાથીઓ સાથે – ગીતકાર: શૈલેન્દ્ર – સંગીત: શંકર જયકિશન

આ સમુહ  ગીતનું દરેક અંગ ઉત્કૃષ્ટ કહી શકાય તે કક્ષાનું છે - 5.35 -5.52સુધી વાયોલિન સમુહના પ્રયોગથી જે રીતે વેગની અનુભૂતિની જમાવટ કરી છે એવું, સમુહ ગીતને શોભે તેવું, શંકર જયકિશનનું ઝીણવટભર્યું અને કલ્પનાશીલ, સમૃદ્ધ, ઑર્કેસ્ટ્રેશન, હીરાલાલ દ્વારા એટલાં જ ઝીણવટથી રચાયેલાં નૃત્ય સંયોજનો, આમ તો આરકેના સદાબહાર સિનેમેટોગ્રાફર એવા રાધુ કરમાકરની માવજતભરી ફિલ્મની દિગ્દર્શન દોરવણી  અને તે મુજબ દરેક પાત્રના ચહેરા પર બદલતા ભાવોને કેમેરામાં કંડારી લેતી તારા દત્તની કેમેરા મુવમેન્ટ્સ જેવા અનેક તાણાવાણાની ગુથણીને કારણે ગીત જોવું અને સાંભળવું ગમે તેવું બની રહે છે. 

સીધી રીતે જોઈએ તો તો ગીત એક સમુહ ગીત છે જેમાં એક પક્ષે રાકા (પ્રાણ)નાં નેતૃત્વમાં બહારવટીયાઓ છે અને સામે તેમને સુધારવા મથતો ભલો ભોળો રાજુ (રાજ કપૂર છે). પરંતુ ગીતને આજના વિષયના પરિપ્રેક્ષ્યમાં સાંભળતાં સાંભળતાં મને તેમાં યુગલ ગીતનો આંતરપ્રવાહ પણ દેખાય છે. મુખડાની રાકા અને રાજુની નાકાબંધી પછી કમ્મો (પદ્મિની) અને તેની સહિયર બીજલી (ચચલ, મધુબાલાની બહેન) બોલી ઊઠે છે કે હમ ભી હૈ (@2.30), જેના જવાબમાં રાજુ, ભલે પોતાનાં મિશનના અર્થનાં બોળપણમાં કદાચ, દેખ લો ક્યા અસર કર દિયા પ્યારને બોલી ઊઠે છે. બસ અહીંથી ગીતમાં પ્રેમનો રંગ ભળવા લાગે છે.

એ પછી  @0.45 to 0.51નાં દૃશ્યોમાં કમ્મોની રાજુ માટેની કુણી લાગણી તેના ચહેરા પર છતી થતી જણાય છે, જે રાકાનાં પણ ધ્યાન બહાર નથી રહેતી.1.52 to 2.00 સુધીમાં તો કમ્મો અને રાજુના પ્રણયનાં અંકુર વવાઈ ગયેલાં જ જોવા મળે છે.

ગીત ફરી એક વાર બહારવટિયા વિરુદ્ધ રાજુના દાવપેચમાં ચાલે છે, પણ  પછી (@5.03) તો કમ્મો પરિસ્થિતિની લગામ પોતાના હાથમાં લઈ લે છે. બસ એ પછી તો ગીત લગભગ, બધાંની વચ્ચોવચ્ચ જ, કમ્મો અને રાજુ વચ્ચેનું યુગલ ગીત જ બની રહે છે.

આમ કબીલાના સમુહ ઉત્સવની ઉજવણી અને વાર્તાનાં મૂળ કથાવસ્તુના પરિચયની સાથે બે પ્રેમી પંખીડાંના પ્રણય સ્વીકારને ખુબ માર્દવતાથી વણી લેવાયો લાગે છે.


તલત મહમૂદ સાથે

એમના સમકાલીનોમાં તલત મહમૂદ સાથે ઉપર #૩ માં સાંભળ્યું એ ત્રિપુટી ગીતને બાદ કરતાં કોઇ જ યુગલ ગીત હિંદી ફિલ્મોમાં થયું નથી.

જોકે મુરલી મનોહર સ્વરૂપે મુકેશ અને તલત મહમૂદનાં ત્રણ ગૈર-ફિલ્મી હિંદી ગીતો રેકોર્ડ કર્યાં છે એટલો સંતોષ લઈ  શકાય. આ ત્રણ ગૈર-ફિલ્મી યુગલ ગીતો પૈકી કિસી કો દે કે દિલ કોઈ નવા_સંજ-એ-ફુગાં ક્યોં હો આપણે મુકેશનાં ગૈર ફિલ્મી ગીતોના લેખ,આજ ભી ઉનકી મોહબ્બતકા તસ્સવુર હૈ વોહી,માં સાંભળ્યું છે. આજે બીજું એક યુગલ ગીત સાંભળીએ -

વો જો રૂઠે તો મનાના ચાહિયે ….. ઝિંદગી સે રૂઠ જાના ચાહિયે – ગીતકાર: જિગર મુરાદાબાદી+ મિર્ઝા ગાલિબ – સંગીત: મુરલી મનોહર સ્વરૂપ

ગીતનો ઉપાડ મુકેશ જિગર મોરાદાબાદીની કૃતિની પંક્તિથી કરે છે જેના પ્રતિભાવમાં તલત મહમુદ મિર્ઝા ગાલિબની રચેલી પંક્તિ ચાહિયે અચ્છોં કો જિતના ચાહિયે, યે અગર ચાહેં ફિર તો ક્યા ચાહિયે. રૂપે આપે છે અને એ રીતે આ જુગલબંધી ચાલતી રહે છે.

મુકેશ અને તલત મહમુદનાં ફિંદી ફિલ્મોમાં યુગલ ગીતની ખોટ હેમંત કુમારે એક પંચકોણીય ગીત રચીને પણ પુરી કરી છે.

મુજ઼કો મુહબ્બ્ત હો ગયી હૈ, બસ હો ગયી હૈ….અનહોની બાત થી હો ગયી હૈ - બિવી ઔર મકાન (૧૯૬૬) - જોગિન્દર, મન્ના ડે, હેમંત કુમાર સાથે – ગીતકાર: ગુલઝારસંગીત: હેમંત કુમાર

મુકેશ અને મન્ના ડે તો પરંપરાગત રીતે આવતા ભાવની જ પંક્તિઓ ગાય છે. પરંતુ મુકેશ ની જેમ તલત મહમુદ અને હેમંત કુમારને ફાળે  પણ ગંભીર ભાવનાં ગીતો ગાવાનાં આવે. પરંતુ અહીં સંગીતકાર હેમંત કુમારે ગાયક હેમંત કુમારને છોકરીના વેશમાં મિત્રની મશ્કરીમાં જોડાતા બિશ્વજિત અને તલત મહમુદને બીજી છોકરીના વેશમાં જોડાયેલા કેસ્ટો મુખર્જીમાટેના મજાકના સ્વરમાં લઈને સાવ નવો ચીલો પાડ્યો છે.

મુકેશનાં હિદી ફિલ્મોના રંગપટને જેટલી વાર જુઓ તેટલી વાર અલગ ભાત જોઈ શકાય. એટલે આજની રંગત અહીં જ પુરી કરીએ. ફરી કોઈ વાર, બીજા રંગના વિવિધ ભાવનાં ગીતો સાથે ફરી મળીશું.

ૠણ સ્વીકાર:

મુખ્ય માહિતી સ્ત્રોત તરીકે મુકેશ ગીતકોશ, દ્વિતીય સંસ્કરણ, ૨૦૨૦ – હરીશ રઘુવંશી પ્રકાશકઃ શ્રીમતી સતિન્દર કૌર, એચ આઈ જી – ૫૪૫, રતન લાલ નગર – કાનપુર ૨૦૮ ૦૨૨, ભારત   -મેલઃ: hamraaz18@yahoo.com

અને

 વિડિયો લિંક - એનો વ્યાવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરીસહ યુ ટ્યુબ ઉપરથી