Showing posts with label Gujarati Literature. Show all posts
Showing posts with label Gujarati Literature. Show all posts

Tuesday, February 5, 2013

"મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે" - શિશિર રામાવત


છેલ્લાં દોઢ વર્ષ સુધી 'ચિત્રલેખા'ની ધારાવાહિક નવલકથાની પરંપરાને ઉજાગર કરતી શિશિર રામાવતની "મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે"નું કથાનક સ્ત્રી દેહ વિક્રય વેપાર, સાજાં સારાં માનવી પર આવી પડતી અકલ્પિત શારીરીક અક્ષમતા અને સમયની સાથે,જાણ્યે-અજાણ્યે, પલટાતા માનવમનના આંતરપ્રવાહો જેવાં સંકુલ કથાબીજના ત્રિકોણીય પાયા પર છેલ્લાં દોઢેક વર્ષથી વહેતું રહ્યું છે.. 
જો કે તે માટે લેખકે, તેમના પત્રકારત્વના અતિજિજ્ઞાસુ અનુભવ અને હેતુલક્ષી અભિગમને કામે લગાડીને જે  ચીવટપૂર્વકનું સંશોધન અને વ્યાપક ફીલ્ડ વર્ક કર્યું છે, તે મહેનતને કારણે કથાનકનું પોત જેટલું રસપ્રદ બન્યું છે, તેટલું જ જીવંત પણ બન્યું છે.
નવલકથાનો કથાપ્રવાહ પ્રારંભ, મધ્ય અને અંત એમ ત્રણ ભાગમાં, અનેક ચટ્ટાનો અને વળાંકો વચ્ચેથી, ધસમસતો રહે છે.
પ્રથમ ભાગમાં નિહારીકાને દેહવિક્રયના વેપારમાટે 'કાચા માલ'રૂપી છોકરીઓના પુરવઠાની શ્રુંખલામાં પ્રવૃત ટોળકી દ્વારા  ઉપાડી જવું, તેને કારણે તેનાં માનસ પર પડેલા ઘાનું સમય સમયે તાજા થતું રહેવું, ઓમનો પોતાના ઍડવર્ટાઇઝીંગ વ્યવસાય પ્રત્યેનો સ્વસ્થ અને પુખ્ત અભિગમ, નિહારીકા તરફ પરિણયથી માંડીને લગ્નજીવન સુધી ઉદારચરિત લાગણીશીલ લગાવ, મંદિરાની જીવન પ્રત્યે આક્રમક અલ્લડતાની  સાથે વિવેકની પૌરૂષમય અકળ ઝીંદાદીલીનું સંયોજન જેવી પાત્રલેખનાત્મક ઘટનાઓની હારમાળાની મદદથી લેખક કથાનકના પ્રથમ ભાગમાં મુખ્ય પાત્રોનાં  વ્યક્તિત્વોને સુગઠિત કરવાની સાથે સાથે ધારાવાહિકના દરેક હપ્તામાં કથાનકને વિશાળ મંચ પર રમતું મુકી દેતા જણાય છે. લાગણી સભર સંવાદો, ચીવટથી કરેલાં સુરેખ વર્ણનો તેમ જ વર્તમાન અને ભૂતકાળને જોડવામાટે ફ્લેશબેકના સમયોચિત ઉપયોગની મદદથી લેખકે દરેક હપ્તાના ઘટનાક્રમને રસવંતો, અને વેગવંતો, રાખવામાં પણ સફળતા મેળવી છે.
કથાનકના મધ્યભાગમાં પ્રવેશમાટે લેખકે કથાને દસ-પંદર વર્ષનો કુદકો મરાવી દેવાનો  પ્રયોગ કર્યો છે.આ તબક્કે કથાનકના ફલકનું કેન્દ્ર નિહારીકાનું વ્યાવસાયિક જીવન બની રહે છે.વ્યાવસાયિક જીવનની વ્યસ્તતા અને સફળતાને કારણે જન્મી ચૂકેલ અહંને કારણે નિહારીકા ઓમથી લાગણીના સંબંધે દૂર થતી રહે છે. પ્રથમ ભાગમાં ઓમ અને નિહારીકાનાં પાત્રોની સંવેદીનશીલતાને લાગણીની પુખ્તતા સાથે વણાતી અનુભવી હોવાથી નિહારીકાના સ્વભાવમાં આ પ્રકારનું પરિવર્તન થોડું અચરજ જરૂર પેદા કરે. જો કે સમયની સાથે સાથે વ્યક્તિના સ્વભાવમાં કોઇ ફેરફાર ન જ થાય એમ કહેવાનો આશય નથી. પણ જે પાત્રને કથાનકના પ્રારંભના ભાગમાં એક ઠરેલ, બુધ્ધિશાળી અને લાગણીશીલ વ્યક્તિ તરીકે જોયું હોય, તેના સ્વભાવમાં આવા ધરમૂળના ફેરફારને થતા જોવાનો અવકાશ આપણને  આ મધ્ય ભાગમાં ન મળતો હોવાથી, આપણે નિહારીકાનાં પાત્રને સમજવામાં કશે ભૂલ તો નથી કરી રહ્યા ને એવું જણાયા કરે છે.
ખૂબ જ ઝડપથી બનતી રહેતી ઘટનાઓ સમજવામાં વ્યસ્ત, કોઇ કોઇ, વાચક તો નિહારીકાના વ્યક્તિત્વમાં આવેલ આ પરિવર્તનને પારખી પણ ન શકે એવું પણ કદાચ બને. તે જ રીતે, પોતાનો ઍડવર્ટાઇઝીગનો સફળ અને વ્યસ્ત વ્યવસાય હજૂ જ્યારે પૂર્ણ કળાએ ખીલેલો છે ત્યારે તેમાંથી ઓમની (અકાળ) નિવૃત્તિ પણ કદાચ સામાન્ય વાચકને ગળે ન ઉતરે. પરંતુ, વ્યાવસાયિક જીવનમાં ખૂબ જ સફળતા મેળવી ચૂકેલ,આજની ચાળીસી પાર કરેલી પેઢીમાં આ બન્ને પ્રકારની મનોદશા જોવા મળે છે અને એ જ પેઢીના આ કથાના  લેખકે આજના પ્રવર્તમાન સામાજિક પ્રવાહનું પ્રતિબિંબ ઝીલી લીધું છે.
કથાનકના મધ્ય ભાગમાં પેદા થતી આવી અવઢવની સાથે સાથે, ડોલી એ મંદિરા જ છે તે જાણ્યા પછી તેને નિહારીકાનાં આંતર્‍ અને બાહ્ય જીવનની રજેરજની ખબર કેમ મળતી રહે છે, સભ્ય સમાજની સ્વિકૃત વ્યવસ્થાને આટલી હદે વળોટી ગયેલા નિશાંતની વાત જેસિકા નિહારીકાને બહુ જ મોડું થઇ ગયા પછી શા માટે કહે છે એવા સવાલો પણ વાચકના મનમાં પેદા થતા હશે.
આમ મધ્યભાગમાં કથાનક તેની દિશા ભુલી તો નથી રહ્યું ને તેવો વિચાર આવે ત્યાં સુધીમાં તો લેખક, બહુ જ સલુકાઇથી, કથાના અંતનો આરંભ કરી દે છે. અને કથાનો અંત ભાગ તો કોઇ ઍકશન-થ્રીલરની અદાથી વાચકને ચારે બાજૂએથી બનતી દિલધડક ઘટનાઓની જેમ ઘેરતો રહે છે. રહસ્યકથા લેખકના સ્વાંગમાં રમી રહેલા આપણી કથાના લેખકે દરેક વાચકને હવે પછીના અંકની ઉત્કટ જીવે રાહ જોતા જરૂર કરી દીધા હશે.
આમ, દીર્ઘ સમય સુધી ચાલવા છતાં વાચકને ઝકડી રાખતી ધારાવાહિક નવલકથા(ઓ) આપવાની પરંપરાનાં કીર્તિમાનને  "મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે"એ ચાર આંગળ ઉંચાં લઇ જવામાં તો સફળતા મેળવી છે જ. તે સાથે તલસ્પર્શી સંશોધન અને વ્યાપક ફીલ્ડવર્કના આધાર પર નવલકથાનાં સર્જન કરવાની આધુનિક રીતને ગુજરાતી સાહિત્યમાં રૂઢ કરવામાં પણ "મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે"નું આગવું યોગદાન રહેશે એમ મારૂં માનવું છે.
મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે" ની શૈલી ધારાવાહિક સ્વરૂપે રજૂ કરવામાં અસરકારક રહી છે, તેથી હવે તેને જ્યારે પુસ્તકનાં સ્વરૂપે પ્રકાશીત કરાશે, ત્યારે લેખક આ કથાનકની રજૂઆતમાં કોઇ (અથવા કયા) ફેરફારો કરશે, તે જાણવામાટે રાહ જોઇએ.

Tuesday, October 16, 2012

શ્રી હરેશ ધોળકીયા ની લઘુ નવલ – “આફ્ટર શૉક”

જે વાતની કદી પણ કલ્પના ન કરી હોય તે ,અચાનક, આપણી નજર સામે થતી જોવી તે સમયની લાગણી એટલે "શૉક" - 'આંચકો'. આવા - માનસીક, સામાજીક, રાજકીય , ઐતિહાસિક - 'આંચકા'ની અનેકાનેક ઘટનાઓ પર દસ્તાવેજી કે લાગણીમય કે સાહિત્યિક કે ફિલ્મકથાનક સ્વરૂપનાં વૃતાંતો થતાં રહ્યાં છે.'આંચકો' માત્ર આવી જાય,તેટલાંથી પણ ઘણી વાર વાત અટકી નથી જતી.એના પર અધારીત, કે એની સાથે સંકળાયેલ, કેટકેટલી, જેની અસર દેખીતી રીતે પ્રમાણમાં ઓછી જણાતી હોય એવી, ઘટનાઓ પછી પણ થયા જ કરતી હોય તેવું પણ જોવા મળે છે. ભૂસ્તરીય પરિભાષામાં આવી મુખ્ય - અતિ પ્રભાવશાળી - ઘટના  ["શૉક" / 'આંચકો']પછીથી થયે રાખતી ,પ્રમાણમાં ઓછા પ્રભાવવાળી,ઘટનાઓ "આફ્ટર શૉક" - 'પશ્ચાદ આંચકા' - તરીકે ઓળખાય છે.
"શૉક", કે "આફ્ટર શૉક"ની, અસરો અતિ પ્રભાવશાળી / તિવ્ર થી માંડીને સાવ હળવી માત્રામાં થઇ શકતી હોય છે. આ અસર દુખદ કે પછી સુખદ હોઇ શકે, તે વિનાશક કે નવસર્જક હોઇ શકે, કે પછી ભૌતિક હોય કે પારભૌતિક હોઇ શકે  કે પછીથી શારીરીક કે માનસીક હોઇ શકે છે. તે જ રીતે આ પ્રક્રિયા, અને પ્રક્રિયાનાં પરિણામો,નો વ્યાપ માત્ર વ્યક્તિથી લઇને કુટુંબ સુધી કે પછી સમાજ સુધી કે રાષ્ટ્ર સુધી કે વિશ્વ સુધી પણ પ્રસરતો જોવા મળી શકે છે. તો વળી આ પરિણામો થોડા સમય પૂરતાં જ કે પછી લાંબા સમય સુધી અસર કરતાં રહેતાં હોય એવું પણ અનુભવાતું હોય છે.
આવો એક (મહા)'આંચકો', ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧નારોજ વહેલી સવારે,  સમગ્ર ધરતીને ધણધણાવી નાખે તેવા ભયાનક અને વિનાશક ભૂકંપના સ્વરૂપે, કચ્છને ભાગે અનુભવવા અને ભોગવવાનો આવ્યો. લોકજીવન અને ભૌતિક સંપત્તિને એવી મરણતોલ માર પડી જણાતી હતી કે કચ્છ સદાય માટે ખતમ થઇ ગયું એવું બહારનાં જગતે થોડા સમયસુધી તો માની લીધું હશે. પરંતુ , તે પછીના દાયકામાં, આવું કચ્છ સ્મશાનની રાખમાંથી કોઇ અદ્ભૂત પ્રેરણા મેળવીને ફરીથી ધબકતું થઇ ગયું છે.
ભૂકંપ પછીની પરિસ્થિતિ અને તેમાંથી ફરીથી બેઠા થવાની પ્રક્રિયા અંગે દસ્તાવેજી વૃતાંતો કે લેખો સમયોચિત થતાં રહ્યાં હશે.પરંતુ ભાઇશ્રી હરેશ ધોળકિયાના માનવા મુજબ, એ બધાંમાં ક્યાંય માનવ જીવનની વેદના કે પીડા, કે અન્ય કોઇ અસરો, તેમ જ માનવ જીવન સાથે વિધિએ ખેલેલા આટાપાટાને લાગણીનાં અને સંબંધોને સ્તરે પ્રતિબિંબીત થતાં જોવા નથી મળતાં. આપણને આ સમયે '૪૭ના ભાગલા"ની પીડા યાદ આવે. તે વિષય પર થયેલાં જૂદાં જુદાં સ્વરૂપનાં સાહિત્ય સર્જનોએ એ પીડાને વાચા આપી અને અને એ સમયની લાગણીઓને ઇતિહાસ માટે જાળવી રાખી.
તેમના મગજમાં કોઇ એક સમયથી એવું એક કથાવસ્તુ મંડરાઇ રહેલું હતું જેને વ્યક્ત કરવા માટે નવલક્થા જેવું કાલ્પનિક સાહિત્યસ્વરૂપ જ સક્ષમ જણાતું હતું. તેમણે પુસ્તકની પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ, "એક દિવસ.." મગજમાં આખું કથાવસ્તુ "તાદ્દશ્ય" થઇ ગયું. પરંતુ તેને પ્રકાશનયોગ્ય ઓપ આપવામાં ખાસો સમય નીકળી ગયો.તેઓ આને માટે તેમની નિબંધકાર, ચિંતક અને પ્રશિક્ષક તરીકેના ભૂમિકાઓને કારણે ઘડાઇ ગયેલ તર્કબુધ્ધિનિષ્ઠ દિનચર્યાને કારણભૂત ગણાવે તો છે. પરંતુ તેમનો આવાં બિનપરંપરાગત વિષયની રજૂઆત માટે મનમાં રહેતો સ્વાભાવિક સંશય, પ્રસ્તાવનાના અંતમાં તેમનાં આ કથન - "ખબર નથી આવું શક્ય હશે કે નહીં, પણ કલ્પના કરી છે"માં, ઊંડે ઊંડે ડોકું કરી લે છે.
પુસ્તકની પ્રસ્તાવનામાં ઝલકતી લેખકની વિષયની 'આંચકો-આપવાની-શક્યતા'  આગંતુક 'આંચકા'નો રણરણાટ તો આપણાં મનમાં કુતૂહલનાં બીજ રોપી દેવામાં,જાણ્યે અજાણ્યે, કારણભૂત બને છે. આમ,"આફ્ટરશૉક' જેવું શિર્ષક, હરેશ ધોળકિયાનું ચિંતન-લેખના લેખકને બદલે એક નવલકથાના લેખક તરીકેની પ્રસ્તુતિ અને પ્રસ્તાવનામાં ઝલકતું રહસ્ય, એ બધાને કારણે બહુ જ ઉત્સુકતાના, 'હવે શું થશે'ના, ભાવથી જ આપણે પુસ્તકની શરૂઆત કરીએ છીએ.
કથાના પહેલા હિસ્સાનો નાયક, એક યુવાન સિવિલ ઇજનેર, પોતાની સ્વરૂપવાન,પ્રેમાળ અને ઘરરખ્ખુ પત્ની અને એક બાળકના ઘરસંસારથી અને પોતાની પૂર્ણ કળાએ વિકસતી જણાતી વ્યાવસાયિક કારકીર્દીથી ખુશ છે. અને તેમ છતાં વિધિની અકળ કરામતથી, એક વડીલ ગ્રાહકનાં ઘરનાં બાંધકામ દરમ્યાન તે અવશપણે તેના ગ્રાહકની યુવાન પૂત્રી તરફ આકર્શાય છે.
આમ, કથાની શરૂઆતથી જ, લેખક્ની રજૂઆતની શૈલિને કારણે તેઓ જે કંઇ પ્રત્યક્ષ કહે છે, તેનાથી વધારે તો વાચક પોતે પોતાના મનમાં કથામાં 'હવે પછી શું?'ના તાણાવાણા માંડે છે. હજૂ વાચક ક્યારે પહેલો 'આંચકો' આવશે તેના ઇંતઝારમાં પડે એટલી વારમાં તો કથાનક આપણને ૨૦૦૧ના એ ભૂકંપનો 'શૉક' આપી દે છે.
હરેશભાઇ પોતે સ્વભાવે તર્કશીલ નિબંધકાર છે, એટલે તેમના દ્વારા કલ્પનાઓને કોઇ સ્વાભાવિક સાહિત્યકાર જેટલો છૂટો દોર નથી અપાયો જણાતો, તો સામે પક્ષે, તેમનાં વર્ણનો એક તાર્કીક નિબંધ જેટલાં માત્ર હકીકતપ્રચુર પણ નથી અનુભવાતાં. તો વળી તેમનાં વર્ણનનો પટ, તર્કને કારણે, ક્યાંય એટલો સાંકડો પણ નથી થઇ જતો કે  પોતે જે પ્રવાહને જે કિનારે ઉભેલ છે ત્યાંથી લેખકના મનમાં ચાલી રહેલ 'હવે શું'ના સામેના કિનારા પરની ગતિવિધિને વાચક કળી શકે. તો વળી તટ એટલો વિશાળ પણ નથી જણાતો કે સામેનો કિનારો સંભાવનાઓની શક્યતાના તર્કની દ્રષ્ટિ મર્યાદાની બહાર પણ જતો રહે.
આમ વાચક પણ લેખકની સાથે સાથે ભૂકંપના આંચકાથી ધણધણે છે, તેનાથી થયેલા વિનાશની ભયાનકતાથી થરથરે છે, નાયકનાં જીવનમાં આવી પડેલ પરિવર્તનની કમકમાટી અનુભવે છે, નાયકની સાથોસાથ હતોત્સાહ પણ થઇ જાય છે,નાયકની સાથે દિવસો સુધી સ્મશાનભૂમિમાં ખોરાક અને લાગણીઓનાં લાંઘણ કરે છે,બાળકસહજ નિર્દોષ અભિગમ અને સાચા અર્થમાં સાધુની નિસ્પૃહ કર્મભાવનાની મદદથી જીવનના વેરણ છેરણ થઇ ગયેલ ટુકડાઓને એકઠા કરીને, નાયકની સાથે, જીંદગીનો નવો દાવ માડે છે.
કથાનો પ્રવાહ હવે ભૂતકાળ અને વર્તમાનમાંથી બહાર આવીને નાયક ના પૂત્રના રૂપમાં, નવા નાયકનાં જીવનના મચ પર ચોપાટ બીછાવે છે. વાર્તાઓમાં થાય તેમ પુનાની માહિતિ ટેક્નૉલૉજીની કૉલૅજમાં ભણતા નવનાયક પુત્રની ઓળખાણ એક 'મંદ મંદ આકર્ષણ વેરતાં સૌદર્ય અને સમજણવાળી' યુવતી સાથે થાય છે. કાલ્પનિક કથાઓનાં અનુભવી વાચક માની લે તેમ એ બન્ને વચ્ચેની આ ઓળખાણ ધીમે ધીમે પ્રેમમાં પણ પળોટાય છે. નાના પ્રસંગોની ખૂબજ તાર્કિક માવજતથી આ પ્રેમની ઉત્કટતા અને લાગણીનાં બંધનનું ઉંડાણ સ્વાભાવિકપણે વધતાં રહે છે, તે પણ વાચકની અપેક્ષાના દાયરામાં જ થતું જાય છે. અનુભવી વાચક હવે એ તાણ પણ અનુભવે છે કે આટઆટલાં દુઃખો સહન કરીને નાયકનાં જીવનમાં માંડ કરીને સુખના દિવસો પાછા આવતા જણાય છે ત્યાં લેખક, કુદરતમાં થાય છે તેમ, કંઇ નવી મુશ્કેલીઓ તો નહીં ઉભી કરે ને!
બસ તે સાથે જ શરૂ થઇ જાય છે "આફ્ટરશૉક'ની શ્રેણી.થોડા થોડા, અચોક્કસ સમયના અંતરે, અચોક્કસ માત્રામાં આવતા પણ મૂળ "શૉક"સાથે અભિન્ન સંબંધ ધરાવતા ભૂસ્તરીય "આફ્ટ્રશૉક' જેવા જ અને એટલા જ 'આફ્ટરશૉક"નું શ્રેણીબધ્ધ અવતરણ આપણી કથામાં પણ થવા લાગે છે. કથાનું પોત પણ ભયની કમકમાટી  અને આશાની જીજીવિશા વચ્ચે ફંગોળાતુ રહે છે.
આપણે જો અહીં તેની વિગતવાર વાત માડીએ તો કથામાં રહસ્યની ઉત્સુકતાનો જે આંતરપ્રવાહ વહે છે તેનો રસભંગ થાય. એટલે પુસ્તકનાં વાચનમાં, વાચકને પોતાના દ્રષ્ટિકોણથી, પોતાની મનોવૈજ્ઞાનિક સ્થિતિના આધારપર,  કથા માણવાની જે મજા છે તેને મોળી નહીં પડવા દઇએ.
કથાનકનો દરેક વળાંક કે દરેક પ્રસંગ વાચક પોતાની આગવી દ્રષ્ટિથી, લાગણીથી માણે છે, હવે પછીના ધટનાક્રમનો અપેક્ષિત ઇંતઝાર કરે છે. જો ઘટના તેની અપેક્ષા મુજબ થાય તો તેનાં માટેનાં કારણોમાં તે અને લેખક જૂદાં પડતાં દેખાય અથવા તો ઘટનાક્રમ અપેક્ષા પ્રમાણે થાય જ નહીં તેવું જોવા મળે. આલ્ફ્રૅડ હિચકૉકની કથાઓમાં જેમ ધારેલા સવાલ નથી હોતા,સવાલોના જવાબો ધારણાથી નવી જ તરાહ માડતા જોવા મળે અને ઘટનઓ જ્યારે ધારી હોય ત્યારે ન થાય અને થાય તો ધારેલી હોય તે રીતે ન થાય, તેવી જ શૈલિ આપણને આ લઘુ નવલમાં પણ, જાણ્યેઅજાણ્યે, પ્રયોગ થયેલી જોવા મળે છે.
તેને કારણે કથાનો ભૌતિક અંત આવી ગયો છે તેવું તો પુસ્તકનું હવે કોઇ જ પાનું વાંચવાનું બાકી નથી તેવું સમજાય ત્યારે જ આવે છે.તે સમયે પણ આપણે લેખક સાથે સહમત ન થતાં હોઇએ અને સંમત હોઇએ તો તો તેમનાં અને આપણાં કારણો જરૂર જૂદાં હોવાનાં. કથા પૂરી થાય છે, પણ જીવન તો અટકતું નથી. આમ, આપણે હવે શું થવું જોઇએ,શા માટે થવું જોઇએ અને તેની શું અસરો થશે તે વિચારોમાં પરોવાયેલાં રહીએ છીએ.
આમ, પુસ્તકનાં શિર્ષકની સાર્થકતા જેટલી કથાનકમાં છે, તેટલી જ તેના અંતમાં પણ જળવાઇ રહે છે. શ્રી હરેશ ધોળકિયાએ નવલકથા લેખકની ભૂમિકા તો સુપેરે નિભાવી  છે, પરંતુ સાથે સાથે તેમની, આગવું વિચારવાની અને ગમે તેટલો વિવાદાસ્પદ વિષય હોય પણ પોતાનો અભિપ્રાય એકદમ સ્પ્ષ્ટપણે રજૂ કરવાની તેમની છાપ છે તેને બરકરાર રાખી છે.

  • આફ્ટરશૉક, 'નવલ'કથા
-          લેખકઃ હરેશ ધોળકિયા, hareshdholakia@yahoo.com
-          પ્રકાશકઃ આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ., મુંબઇ  / અમદાવાદ ǁ www.rrsheth.com
-          ISBN 978-93-81315-73-6
-          પહેલી આવૃતિ, ફેબ્રુઆરી,૨૦૧૨
-          મૂલ્યઃ રૂ. ૧૨૫/-

Sunday, December 18, 2011

"ગુજરાતી કલાસિક સરસ્વતીચન્દ્રનું અંગ્રેજીમાં ભાષાંતર થશે"

ગુજરાતી ઇકૉનૉમીક ટાઇમ્સની પહેલી મુલાકાતમાં જ આ સમાચાર વાંચવા મળ્યા છે.

ગુજરાતી સાહિત્યની એક આધાર-સીમા-સ્તંભ 'સરસ્વતીચંદ્ર'ને અંગ્રેજી વાચકોસુધી પહોંચાડીને તેને મળવાપાત્ર માત્ર વધારે પ્રસિધ્ધિ આ નવલકથાની જ આવરદા નહીં લંબાવે, પરંતુ ગુજરાતી ભાષાની અન્ય પ્રશીષ્ઠ સાહિત્ય તેમ જ બીન-સાહિત્ય કૃતિઓની આવરદા વધારશે.

અંગ્રેજીમાં ભાષાંતર થવાથી આજના અંગ્રેજીના વધારે મહાવરાવાળા ગુજરાતીઓને પણ ગુજરાતીભાષાની સમૃધ્ધિનો પરિચય થશે, જે તેમને ગુજરાતી વાંચનતરફ ખેંચી લાવવામાં મદદરૂપ પણ થઇ શકે છે.

આશા કરીએ અંગ્રેજી આવૃત્તિ ડીજીટલ સ્વરૂપમાં પણ ઉપલબ્ધ રહેશે.

Saturday, November 5, 2011

અટારી નથી – ભગવતીકુમાર શર્મા

૧૯૭૦ના દાયકામાં તેમની 'અસૂર્યલોક' વાંચી ત્યારથી શ્રી ભગવતીકુમાર શર્મા મારા પહેલી પસંદના સામ્પ્રત ગુજરાતી લેખક હતા. તેમનું પદ્ય 'નવનીત સમર્પણ'માં તેમ જ 'કવિતા' વાંચવાનું થતું રહ્યું છે, તે જ રી તે તેમની નવલિકાઓ પણ [સામાન્યતઃ] કોઇ ને કોઇ દીપોત્સવી અંકમાં વાંચાઅનું થતું રહ્યું છે, પરંતુ તે હું સંગ્રહી નથી શક્યો. તે ઉપરાંત તે પછીથી તેમની અન્ય ગદ્ય- નવલકથાઓ કે વિવેચનો સાથે પણ ખાસ સંપર્ક નથી રહ્યો તે મારાં કમનસીબ.

અટારી નથી – ભગવતીકુમાર શર્મા

'૬૦ના દાયકા પછીનાં ગુજરાતી સાહિત્યને ઇન્ટરનેટ અને digitizationનો લાભ કઇ રીતે મળે?


આજે ઑગસ્ટ'૧૧ના નવનીત-સમર્પણના અંક્માં શ્રી ભગવતીકુમાર શર્માની કવિતાઓ વાંચી.
તે અમારી યુવાનીના - '૬૦ થી '૮૦ - ના સમયગાળાના એવા સર્જક છે જેઓએ ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્યને વિષયો, ગુજરાતી ભાષાના પ્રયોગ  તેમ જ વિચાર વૈવિધ્યથી સાંપ્રત બનાવીને ત્યારે વધુ પ્રચલિત અને પ્રસારીત અંગ્રેજીની ટક્કરમાં ઉણું ન ઉતરવા દીધું.
તેમની સાથે મને મારા તે સમયના પ્રિય એવા અન્ય ગુજરાતી સાહિત્યના સર્જકો - શિવકુમાર જોશી, ચન્દ્રકાત બક્ષી, અનિલ જોશી, હરિન્દ્ર  દવે ,મોહમ્મદ માકડ, રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ; તે સમયનાં માતબર સામયિકો - ચાંદની, નવચેતન,અખંડ આનંદ , કુમાર કે બાળસાહિત્ય જગતના તારલાઓ વિજયગુપ્ત મૌર્ય, હરિપ્રસાદ વ્યાસ, ગાંડિવ, રમકડું પણ ખુબ યાદ આવે છે.
તે પછીનાં વરસોમાં ગુજરાતી સાહિત્યનાં print mediumના limited પ્રસારને કારણે આ બધાંની તત્કાલિન ગતિવિધિઓની સાથે ન રહી શકાયું.
૨૧મી સદીથી જ ઇન્ટરનેટના વધતા પ્રભાવની સાથે આ માધ્યમથી પરિચિત પેઢીદ્વારા થએલ કાર્યને હવે digital સ્વરૂપે નેટપરથી  access કરવું સરળ બન્યું છે.
પરંતુ તે પહેલાંના ખજાનાને પણ , certainly subject to safeguarding commercial and IPR interests, ટેક્નોલૉજીની મદદથી નવપલ્લવીત કરવામાટે સર્જકો, પ્રકાશકો અને technology-savvy બધા જ ગુજરાતીઓએ વ્યક્તિગત તેમ જ સામુહિક પ્રયાસ કરવાની તાતી જરુરીયાત જણાઇ રહી છે.

The following is the English version of this message ----- 
How can the post-60s Gujarati literature benefit from Internet and digital technology?
I was reading poems of Shri Bhagawati Sharma today in Navneet-Samarpan’s August’11 issue.
He is one of those contributors of Gujarati prose and poetry who enable Gujarati literature to stand up to the then popular trend of English literature by the range of subjects, use of the modern form of gujarati language as well as the themes.
My memory also recalls some of favourite Gujarati writers -  Shivkumar Joshi, Chandrakant Baxi, Anil Joshi, Harindra Dave, Mohammad Mankad, Raghuvir Chaudhari, Madhav Ramanuj; stellar mgazines – Chandani, Akhand Anand , Kumaar or Stars of Children literature – Vijaygupta Maurya, Hariprasad Vyas, Gandiv, Ramakadun.
I, and many more like me, have not been able to maintain contact with these in the subsequent years, probably on account of limited reach of Gujarati print medium.
With advent of internet and digital technology from the start of 21st century, access to the new, techno-savvy, generation’s literary work has been easier.
However, it it seems that need of the hour is collaboration of individual and collective efforts of Writers , Publishers and all techno-savvy Gujaratis to revitalize the treasure of Gujarati Literature, subject of course to due respects to commercial and IPR interests,  with the help of the digital technology.

Friday, November 4, 2011

એક દુ:સ્વપ્ન – વિપિન પરીખ

એક દુ:સ્વપ્ન – વિપિન પરીખ

શ્રી વિપિન પરીખ નવી દ્રષ્ટિથી જોઇ અને કવિતાનાં સ્વરૂપમાં ઢાળવામાં માહીર છે.

Wednesday, November 2, 2011

ધ્રુવ ભટ્ટની નવલકથા 'કર્ણલોક'

ધ્રુવ ભટ્ટની નવલકથા 'કર્ણલોક'

ધ્રુવ ભટ્ટ ઉપર કોઇ એ સંશોધનાત્મક નોંધ કરવી જોઇએ, તેઓ આટલી વિવિધતા - શૈલિ, વિષયો અને સાહિત્યના પ્રકાર - પર એક સાથે કેમ સર્જન કરીશકતા હશે ......

Sunday, October 16, 2011

ભાષા અને શક્તિ - અજય સરવૈયા - નવનીત સમર્પણ - ઑક્ટૉબર ૨૦૧૧

નવનીત સમર્પણનો ઑક્ટૉબર ૨૦૧૧નો દીપોત્સવી અંક શક્તિ વિશેશાંક છે.તેથી 'ભાષા અને શક્તિ' જેવું લેખ-શિર્ષક જોઇને આ લેખ પણ શક્તિનાં અન્ય સ્વરૂપોપર લખાયેલ ટેક્નીકલ લેખ સમજીને કુદાવી જવાની ભૂલ કે ભાષાપર કોઇ અઘરો લેખ વાંચવામાટે બે-ત્રણ બદામ ખાઇને મગજને તૈયાર કરવાની જરૂર નથી.
શ્રી અજય સરવૈયા આ વિષયના નિષ્ણાત છે તે લેખના વિષયની પસંદગી પરથી અને વ્યવસાયે અધ્યાપક છે તે તેમની સરળ શૈલીથી જણાઇ આવે છે.
ચાર ચઢતા ક્રમમાં ભાષાને આધારે સૃષ્ટિનાં વર્ગીકરણની સમજ તેઓ પહેલા જ ફકરામાં આપી દઇને વાંચકને આગળ વધવા માટેનું પ્રોત્સાહન પુરૂં પાડે છે.
ભાષાના જન્મ જેવો અતિગહન વિષય તેમણે ધ્વનિઓનાં જોડાણથી (કેવી રીતે) થયેલ છે તે વાત ઘીથી લથબથ ગરમ ગરમ શીરો ગળેથી ઉતરી જાય તેવી અસરકારકતાથી સમજાવેલ છે.
તો વળી, વ્યાકરણના અર્થ અને તેની સમયસાથેની પરિવર્તનશીલતાને સમજાવવામાંતો તેમણે કમાલ જ કરી છે.
શક્તિના બંને મુળભુત ગુણો- સતત સંચલન અને બે સંદર્ભ બિંદુને જોડવામાટેનું માધ્યમ- ભાષામાં પણ (કઇ રીતે) છે તે સમજાવ્યું પણ છે અને ભાષાને તેને કારણે શક્તિનો દરજ્જો શા કારણે મળ્યો છે તે શાસ્ત્રોક્તરીતે સાબિત પણ કર્યું છે.
ભાષાના અન્ય ઉપયોગોની સાથે સાથે 'સ્વ' (capital I, 'હું જાતે')ને સમજવા, પામવા કે ખોળવા જેવા વૈદિક ફીલૉસૉફી ઉપયોગને સમજાવવા ઉપરાંત તત્વમીમાંસાનાં ગહનસ્તલની દુનિયા સુધીની ડુબકીઓ પણ ખવડાવે છે.
બીજામાટે જેટલું ઉપયોગી તેટલું જ પોતાનેમાટે ઉપયોગી - જેવા વિચારને અંગ્રેજી ભાષાની માતબરતા reflexitivity જેવા એક જ શબ્દમાં કહી શકે છે, પણ ગુજરાતીમાં તેનો પર્યાય - સ્વનિરિક્ષણ- થોડો ઓછો પડતો જણાય છે.

આ લેખ વાંચ્યા પછીથી અંગ્રેજી માધ્યમમાં ભણતા કે જીવતા  સાંપ્રત ગુજરાતી સમાજને ગુજરાતી ભાષા આટલી સમૃધ્ધ અને શક્તિશાળી થવી ઘટે તેવો પડકાર જીલી લેવાનો સામુહિક ઉમળકો થવો જોઇએ.

Friday, October 14, 2011

Jhaverchand Meghani

Jhaverchand Meghani:

'via Blog this'

મેઘાણી પરિવારે માત્ર શ્રી ઝવેરચંદ મેઘાણીનો જ સાહિત્ય વારસો નહીં, ગુજરાતી સાહિત્યનો વારસો જાળવવામાં બેનમૂન ,અવર્ણીય અને અમુલ્ય સેવા કરી છે.

તે સૌને મારી શત શત સલામ......