Sunday, February 11, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ફેબ્રુઆરી, ૨૦૧૮



તલત મહમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો
હિંદી ફિલ્મ સંગીતનાં સુજ્ઞ રસિકજનો માટે તલત મહમૂદને યાદ કરવા માટે કોઈ ખાસ કારણ કે પ્રસંગની જરૂર ન હોય. તેમનાં ફિલ્મનાં અને ફિલ્મ સિવાયનાં મળીને ૮૦૦થી વધારે ગીતોમાંનાં મોટા ભાગનાં ગીતો તો ચાહકોના હોઠે રમ્યાં જ કરતાં રહ્યાં છે. એટલે તેમની જન્મતિથિ (૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪)ના મહિનામાં તમને ખાસ યાદ કરવા માટે માધ્યમ પણ ખાસ જ પસંદ કરવું જોઈએ.
ગયાં વર્ષથી આપણે આપણી આ શ્રેણીમાં દર ફેબ્રુઆરીમાં તેમનાં ઓછાં સાંભળવા મળતાં યુગલ ગીતોની યાદ તાજી કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં આપણે તલત મહમૂદનાં, જૂદાં જૂદાં સહગાયકો સાથેનાં, વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો સાંભળ્યાં હતાં. એ યુગલ ગીતો પૈકી તેમનાં રાજકુમારી, સુરિન્દર કૌર, સુલોચના કદમ, મીના કપૂર કે નિર્મલા દેવી સાથે તો એક એક જ યુગલ ગીત રેકોર્ડ થયાં છે. તો સામે છેડે તેમનાં યુગલ ગીતોમાં લતા મંગેશકર સાથેનાં ગીતોની સંખ્યાનો સિહફાળો રહ્યો છે. આશા ભોસલે સાથેનાં યુગલ ગીતોની સંખ્યા પણ પ્રમાણમાં ઠીક ગણાય  એટલી છે.પછી ગીતા દત્ત, શમશાદ બેગમ, સુરૈયા, મધુબાલા ઝવેરી, મુબારક બેગમ, સુધા મલ્હોત્રા જેવાં સહગાયકો સાથેનાં યુગલ ગીતોની સંખ્યા ઘટતી જાય છે. પુરુષ સહગાયકો સાથે પણ તેમનાં યુગલ ગીતો રેકોર્ડ થયેલ છે. આ ઉપરાંત તેમનાં કેટલાંક બહુ ખ્યાત તો કેટલાંક સાવ ઓછાં સાંભળવા મળતાં ત્રિપુટી કે ત્રિપુટી+ ગીતો પણ છે. આમ ઓછાં સાભળવા મળતં તલત મહમૂદનાં યુગલ ગીતોની સફર પણ ઘણી જ રસમય છે.
(ડાબેથી) મીના કપૂર, ગીતા દત્ત, તલત મહમૂદ અને વાન શિપ્લે
આજના અંકમાં આપણે તલત મહમૂદનાં એવાં યુગલ ગીતો પર કેન્દ્રીત કરીશું જેમાં તેમનો સંગાથ એ  સહકલાકારો સાથે  ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં થયેલો છે.
પુરવાઈ પવન લહરાયે - તુમ ઔર મૈં (૧૯૪૭) - સુપ્રવા સરકાર સાથે – સંગીતકાર: રોબિન બેનર્જી – ગીતકાર: ઝાકીર હુસૈન
સુપ્રવા સરકાર સાથે તલત મહમૂદનાં યુગલ ગીતો ૧૯૪૯ સુધી બીજી એક બે ફિલ્મોમાં પણ જોવા મળ્યાં છે. આ બધી ફિલ્મોના સંગીતકાર કોઈને કોઈ બંગાળી સંગીતકાર જ હતા. આમ થવા પાછળનું કારણ તલત મહમૂદના કલકત્તાના તાજા રહેવાસની અસર હોઈ શકે
દિલ મેરા તેરા દિવાના - અપની ઇઝ્ઝત (૧૯૫૨) - મધુબાલા ઝવેરી સાથે – સંગીતકાર: હંસરા બહલ – ગીતકાર: પંડિત ફણિ 
૧૯૫૧થી ૧૯૫૮ સુધીની સક્રિય કારકીર્દીમાં મધુબાલા ઝવેરીએ ૫૫ હિંદી, ૨૭ મરાઠી અને ૩ ગુજરાતી ફિલ્મોમાં ૧૧૦ જેટલાં ગીતો ગાયાં છે. તેમનું પહેલવહેલું ગીત પણ તલત મહમૂદ સાથેનું જ યુગલ ગીત - તુમ કૌન હો રાજકુમારી યે ચંદા સા મુખડા ઈધર તો કરો (રાજપૂત, ૧૯૫૧)- પણ હંસરાજ બહલનું જ રચેલું હતું. એ સમયે મધુબાલા ઝવેરી ૧૬ જ વર્ષનાં હતાં.

ઘિર ઘિર આયે બદરવા કારે - ડાક બાબુ (૧૯૫૪)- મુબારક બેગમ સાથે – સંગીતકાર: ધનીરામ – ગીતકાર: પ્રેમ ધવન
સ્વરની કુદરતી કક્ષાના બે અંતિમ કહી શકાય એવા આ બે સ્વરો પણ યુગલ ગીતમાં હંમેશાં કમાલની હદે એકસ્વર બની રહેતા આવ્યા હતા. આ બેલડીને નામે સંખ્યામાં 'ઘણાં' ગીતો ભલે નથી, પણ તેમનાં 'ઘણાં' યુગલ ગીતો ખૂબ જ લોકપ્રિય પણ થયાં હતાં એ વાત બેશક છે. જો કે આ વાત એક અલગ પૉસ્ટનો વિષય છે, જે ભવિષ્યના આ શ્રેણીના અંકોમાં ચર્ચીશું.
ગીતને પર્દા પર પણ તલત મહમૂદે જ અભિનિત કર્યું હશે.
યુટ્યુબ પર ગીતનાં બે વર્ઝન સાંભળવા મળે છે. એક વર્ઝન તો પધ્ધતિસરનું યુગલ ગીત જ છે, જેમાં મુબારક બેગમ તલત મહમૂદની બરાબ્બર સંગત કરે છે. 
પરંતુ આ બીજું વર્ઝન છે જેમાં તલત મહમૂદ લગભગ સૉલો જ ગાતા જણાય છે!

જબ યહાં સે જાઉંગા મૈં ઔર ક્યા લે જાઉંગા - હાતિમતાઈકી બેટી - એસ બલબીર સાથે – સંગીતકાર: અલા રખા (એ આર) ક઼ુરેશી ગીતકાર: શેવાન રિઝ્વી
તલત મહમૂદને ફાળે નિર્ભેળ હળવાં ગીતો બહુ ઓછાં આવ્યાં સાંભળ્યાં છે. તળ પંજાબી લહેકાનાં આ ગીતમાં તલત મહમૂદ પણ બલબીર સાથે ખીલે છે.
એક બાર તો મિલ લો ગલે બીછડ હમ ચલે ન કોઈ ફરિયાદ રહે  -અંધેરી નગરી ચૌપટ રાજા (૧૯૫૫)- સુધા મલ્હોત્રા સાથે – સંગીતકાર: અવિનાશ વ્યાસ – ગીતકાર: ભરત વ્યાસ
લતા મંગેશકર બહેનોના ઝળહળતા ચંદ્રપ્રકાશમાં જે સિતારાઓના પ્રકાશ ઝંખવાઈ ગયાં તેમાં સુધા મલ્હોત્રા પણ હતાં. તલત મહમૂદના સ્વરની માર્દવતાને પૂરેપૂરી રીતે સંગત કરે એવો સુધા મલ્હોત્રાનો સ્વર પણ આ યુગલ ગીતને એક અનેરી મધુરપ બક્ષે છે.
મૈં હૂં અલીબાબા - ચાર ચાંદ (૧૯૫૩) - આશા પ્રેમલતા સાથે – સંગીતકાર: (શૌકત દહેલ્વી) નાશાદ – ગીતકાર: એ કરીમ
એકદમ હળવા મૂડનાં નૂત્ય ગીતમાં પણ તલત મહમૂદ પાછા નથી પડ્યા. તલત મહમૂદના ગીતોના જાણકાર ચાહક શ્રોતા મિત્રોને આ ગીત યાદ કરવું મુશ્કેલ ન લાગવું જોઈએ. હા, સહગાયકની ખબર ન હોય એ બનવાજોગ છે. 

તૂમ પે ક઼ુરબાન દિલ તૂમ પે સદકે નઝર - સખી લૂટેરા (૧૯૫) - ઉષા બલસાવર સાથે - સંગીતકાર: બી એન બાલી  ગીતકાર: અઝીઝ ઘાઝી
સાવ 'અજાણ' સહગાયક, 'અજાણ' સંગીતકાર 'સી' વર્ગની 'અજાણ ફિલ્મ પરંતુ હળવા મિજાજનું સાંભળવું ગમે એવું ગીત ! 
મેરે શરીક-એ-સહર - વલી-એ-આઝમ (૧૯૬૫)- હેમલતા સાથે – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: અહમદ વાસી 
કેટલાક સંદર્ભોમાં આ ગીત તલત મહમૂદે ગાયેલં અંતિમ ફિલ્મી ગીત દર્શાવાયું છે.  'જહાંઆરા'નાં ગીતો બાદ તેમને મળેલી પુનઃલોકપ્રિયતા છતાં પણ તાણાતાણ નાણાંની ફાળવણીવાળી આવી ફિલ્મ માટે પણ આવું ધર્મભાવનું ગીત ગાવાનું તલત મહમૂદે કોઈ જ ખચકાટ વગર સ્વીકાર્યું હશે.  

એક રસપ્રદ આડવાત
તલત મહમૂદની તેમના પુત્ર દ્વારા સંચાલિત વેબસાઈટ પર તલત મહમૂદના હસ્તાક્ષરમાં લખાયેલ આ ગીતની તેમણે ઉર્દૂમાં લખેલ નોંધ છે. ગીતનાં રેકોર્ડીંગ સમયે તેમણે સંગીતકાર ચિત્રગુપ્તનાં લેટરહેડ પર ગીતના શબ્દો લખી રાખ્યા છે.


તલત મહમૂદનાં ગીતો પરનો કોઈ પણ ઉલ્લેખ તેમનાં ગૈર-ફિલ્મી ગીતોના ઉલ્લેખ વગર અધૂરો જ ગણાય. જોકે આ વિષય આમ એક પૂરા લેખનો જ વિષય છે, પરંતુ આજના વિષય પૂરતો એટલો જ પ્રસ્તુત પણ છે.
વો જો રૂઠે તો મનાના ચાહિયે - ગૈરફિલ્મી (૧૯૬૯) - મૂકેશ સાથે – સંગીતકાર: મુરલી મનોહર સ્વરૂપ = ગીતકાર: જીગર મુરાદાવાદી / મિર્ઝા ગ઼ાલિબ
તલત મહમૂદ અને મૂકે ફિલ્મ ગીતોની સંગત બાબતે 'પગલે' બિવી ઔર મકાન, લવ એન્ડ ગૉડ' જેવી ફિલ્મોમાં ત્રિપુટી+ ગીતોમાં સંગાથે થયા હોય એવા જ પુરાવા જોવા મળે છે. તેમની યુગલ સંગત તો આવાં થોડા ગૈરફિલ્મી ગીતોમાં જ થઇ લાગે છે.

ઉપર જેનો સંદર્ભ ટાંક્યો છે તલત મહમૂદ પરની સાઈટ પર અહી રજૂ કરેલ ગીતો સિવાય, આજના વિષયને અનુરૂપ,  અન્ય બે ગીતો પણ જણાવે છે. કમનસીબે એ ગીતોની ઑડીયો સૉફ્ટ લિંક નથી મળી. એ ગીતો છે:

  • અબ મુશ્કિલ હો ફિર સે મિલના ભૂલ જાઓ તો અચ્છા હૈ - સાયા - આશિમા બેનર્જી સાથે - સંગીતકાર: રામ ગાંગુલી - ગીતકાર: વર્મા મલિક
  • ઔરોંકે લિયે - ટેક્ષી ૫૫૫ - અજાણ સ્ત્રી સ્વર સાથે – સંગીતકાર: સરદાર મલિક

આપણે આ શ્રેણીના દરેક અંકનો અંત મોહમ્મદ રફીનાં વિસારે પડતાં ગીતથી કરતાં હોઈએ છીએ. આજના અંક માટે એ માટે આપણે તલત મહમૂદ અને મોહમ્મદ રફીનું યુગલ ગીત પસંદ કરીએ તો જ તે શક્ય છે. મજાની વાત એ છે કે આ બંનેએ ગાયેલાં મોટા ભાગનાં યુગલ ગીતો તો બહુ જ જાણીતાં થયાં હતાં અને હજૂ આજે પણ તાજાં જ ગણી શકાય એવાં છે. દરેક નિયમને અપવાદ હોય એમ એક એવું યુગલ ગીત મળી આવ્યું છે, જે (કમસે કમ મેં) સાંભળેલું નથી.
ભર ભી દે જોલી અલ્લાહ નામ - લૈલા મજનૂ (૧૯૫૩) - મોહમ્મદ રફી સાથે સંગીતકાર: ગુલામ મોહમ્મદ – ગીતકાર: શકીલ બદાયુની
આ ફિલ્મમાં હીરો શમ્મી કપૂર છે, પણ ફિલ્મ 'તુમસા નહીં દેખા' પહેલાનાં સમય કાળની છે, જ્યારે શમ્મી કપૂરનો પાર્શ્વ અવાજ હજૂ તલત મહમૂ હતા. પ્ર્સ્તુત ગીતનો મુખડો અને પહેલો અંતરો ફકીરોનાં પાત્રો પાસે પર્દા પર ગવડાવાયો છે. બીજો અંતરો 'જામ-એ-તમન્ના જલવા દિખા દે' પરદા પર શરૂ કરે છે શમ્મી કપૂર અને તેમના અવાજ તરીકે તલત મહમૂ સ્વર સંભાળી લે છે.

 આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં  ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.

No comments: