Sunday, August 6, 2017

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૫ - પુરુષ સૉલો ગીતનું યુગલ કે કોરસ વર્ઝન:: [૩]



આપણે પુરુષ સૉલો ગીત અને તેનાં યુગલ કે કોરસ ગીતનાં એ જ ફિલ્મમાં પ્રયોજાયેલાં બીજાં સ્વરૂપનાં ૧૯૪૧થી ૧૯૫૭ સુધીનાં ગીતો આ પેટાશ્રેણીના પહેલા અંકમાં અને ૧૯૫૭થી ૧૯૬૨ સુધીનાંગીતો બીજા અંકમાં સાંભળ્યાં
આગળ વધતાં પહેલાં ૧૯૪૬, ૧૯૫૩ અને ૧૯૫૪નાં એવાં ગીતોની નોંધ લઈ લઈએ જે બીજા કોઈ લેખની સમગ્રી વિષે શોધખોળ કરતાં હાથ લાગી ગયાં છે:

મૈં જબ ગાઉં ગીત સુહાના /\ મૈં જબ છેડું પ્રેમ તરાના - અમર રાજ (૧૯૪૬)- સંગીતકાર: ફિરોઝ નીઝામી – ગીતકાર: પંડિત ફણી

સૉલો ગીત એટલું જૂના સમયનું છે કે જાણકારો નોંધે છે કે ૭૮ આર પી એમની એ સમયની રેકર્ડ પર તો ગાયક (મોહમ્મદ રફી)નું નામ સુધ્ધાં નથી. રફીના અવાજમાં હજૂ થોડાં વર્ષ પછી જ પક્વતા આવી ગઈ હતી તે પણ હજૂ નથી આવી.


યુગલ ગીતમાં મોહનતારા તલપડે સાથ આપે છે.


જાદુગર અનોખા ભગવાન - શોલે (૧૯૫૩) - સંગીતકાર ધની રામ - ગીતકાર સરસ્વતી કુમાર 'દીપક'
એક વર્ઝનમાં મુખ્ય સ્વર તો હેંમતકુમારનો જ છે. જો કે માત્ર એક જ પંક્તિ પુરતાં નાયકની પત્ની અને બાળકો પણ સૂર પુરાવે છે.
બીજું વર્ઝન બન્ને બાળકોએ ભગવાન સામે પ્રાર્થના રૂપે ગાયું છે જેમાં સ્વર મીના કપૂર અને પ્રેમલતાના છે.
ર લે સિંગાર ચતુરા અલબેલી સાજનકે ઘર જાના હોગા /\ કરકે સિંગાર ચલી સાજન કે દ્વાર ચલી - તીન તસ્વીરેં (૧૯૫૪) – સંગીતકાર: નીનૂ મઝુમદાર – ગીતકાર: પ્રેમ ધવન

પહેલાં વર્ઝન અને બીજાં વર્ઝનના મુખડાની પંક્તિમાં નાનો જ ફેરફાર કરીને સંદર્ભ જાળવી લેવામાં આવ્યો છે, પણ બન્નેની રચનામાં ભાવ અનુસાર ફેરફાર કરાયા છે. સૉલોવાળું વર્ઝન નીનુ મઝુમદારે ગાયું છે.

જ્યારે બીજાં વર્ઝનમાં મુખ્યત્વે કૌમુદી મુન્શી અને કોરસ ગીત સંભાળે છે, જ્યારે નીનૂ મઝુમદાર પાછળથી ગીતમાં જોડાય છે.
દર્શન દો ઘનશ્યામ મોરી અખિયાં પ્યાસી રે - નરસી ભગત (૧૯૫૭) – સંગીતકાર: રવિ ગીતકાર: જી એસ નેપાલી
સૉલો મન્ના ડેના સ્વરમાં છે.
યુગલ વર્ઝનમાં સુધા મલ્હોત્રા હેમંત કુમાર સાથે જોડાય છે.
આડવાતઃઆ આખી શ્રેણીમાં મન્નાડેની હાજરી બહુ પાંખી રહી છે. અને તેમાં પણ સુધા મલ્હોત્રા સાથેનાં હેમંત કુમારનું યુગલ ગીત ઔર વિરલ સંયોજન છે. આમ બન્ને ગીતોનું આ શ્રેણી માટે ખાસ સ્થાન બની રહે છે.
અને હવે શ્રેણીને વર્ષવાર આગળ વધારીએઃ
સંગ સંગ રહેંગે તુમ્હારે જી હજૂર ચંદા સે ભલા ચકોર કૈસે રહે દૂર - મુલ્ઝિમ (૧૯૬૩) સંગીતકાર: રવિ -  ગીતકાર: શકીલ બદાયુની
મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં ગવાયેલું યુગલ એક રોમાંસભર્યું યુગલ ગીત છે.
રફીનું સૉલો વર્ઝન ટ્રેનમાં નાયક એકલો એકલો ગાય છે જો કે નાયિકા પણ આ જ ટ્રેનમાં, પણ કદાચ બીજા ડબ્બામાં, છે.

પૂછો ન કૈસે મૈંને રૈન બીતાઈ - મેરી સૂરત તેરી આંખેં (૧૯૬૩) – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: શૈલેન્દ્ર

ફિલ્મમાં એસ ડી (શિવ દયાલ) બાતીશ અને મન્નાડેના સ્વરમાં ગવાયેલ યુગલ ગીત પહેલાં મૂકાયું છે. પિતા પોતાના પૂત્રને માત્ર સંગીત જ નહીં પણ પુત્રના દૈહિક રૂપને કારણે ભવિષ્યમાં પણ આવનારી મુશ્કેલીઓ સામે લડવા માટે માનસીક તૈયારીના પાઠ ભણાવે છે. ગીતની શરૂઆતમાં જ્યારે પુત્ર હજૂ બહુ જ નાનો છે ત્યારે તેના અવાજ માટે કોઈ સ્ત્રી ગાયિકાના સ્વરનો પણ પ્રયોગ કરાયો છે.


મોટો થયેલો પુત્ર હવે દુનિયાની મક્કારીઓને ગીતના સ્વરમાં વહાવી રહેતો રહે છે.


તૂ શૌખ કલી મૈં મસ્ત પવન તૂ શમ-એ-વફા મૈં પરવાના - મૈં સુહાગન હૂં (૧૯૬૪) - સંગીતકાર લચ્છીરામ ગીતકાર: કૈફી આઝમી
મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ સૉલો એક દૃષ્ટિએ નાયકના પ્રેમનો ઈકરાર છે, જેને સાંભળવા માટે નાયિકાને ચૂલો ફૂંકવાની પરિસ્થિતિમાં ઝુલસવું પડી રહ્યું છે. છેલ્લા અંતરામાં રફી સ્વરને ઊંચાઈઓ પર લેતા જાય છે જેમાં બન્ને પ્રેમીઓની લાચારીની પીડાની તીવ્રતા ઝીલાતી જણાય છે.
યુગલ ગીતમાં આશા ભોસલે જોડાય છે. ગીતનાં આ વર્ઝનને સાવ અલગ જ રીતે સજાવાયું છે, જેને ફિલ્મની વાર્તા સાથે સંબંધ હશે. ગીતમાં પ્રેમનો આનંદ બહુ જ સ્વાભાવિક રૂપે છલકે છે.
આડવાત:
હિંદી ફિલ્મ જગતની વક્રતાનું લચ્છીરામ એક વધારે ઉદાહરણ છે. આવાં એક એકથી ચડીયાતાં ગીત આપનાર સંગીતકારની કારકીર્દી એક ધૂમકેતુ જેવી રહી...

ક્યા કહેને માશાઅલ્લા, નઝર તીર આપકી, જી ચાહતા હે તસવીર ખીંચ લૂં આપકી - જી ચાહતા હૈ - સંગીતકાર કલ્યાણજી આણંદજી ગીતકાર: હસરત જયપુરી
હિંદી ફિલ્મોમાં 'રૂસણાં - મનામણાં' ગીતો પણ એક આગવો પ્રકાર રહ્યો છે. મોહમ્મદ રફીએ ગાયેલું સૉલો વર્ઝન આ પ્રકારનાં ગીતોનું બહુ આદર્શ ઉદાહરણ કહી શકાય તેમ છે. જોકે ગીતનાં ફિલ્માંકનમાં બાગબગીચામાં ફુલઝાડની ક્યારીઓ આસપાસ ચક્કર કાપવાને બદલે અહીં (સોહાગ રાતે જ) ફર્નીચરની આસપાસ રૂસણાં મનામણાંનાં ચક્કર કાપ્યાં છે.
રફી-લતા વચ્ચે અણબનાવ ચાલતો હતો એ સમયનાં રફી સાથેનાં ઘણાં યુગલ ગીતોમાં સુમન કલ્યાણપુર સાથ પુરાવતાં. અહીં પણ બાગબગીચાને બદલે પાર્ટીનાં માહૌલને મનામણાંનાં વધામણાંની ઉજવણીમાં  સામેલ કરી લેવાયેલ છે.

આજ કી રાત બડી શૌખ બડી નટખટ હૈ આજ તો તેરે બીના નીંદ નહીં આયેગી - નયી ઉમ્રકી નયી ફ઼સ્લ (૧૯૬૩) – સંગીતકાર: રોશન - ગીતકાર: નીરજ

પ્રિયતમાના ઈંતજ઼ારમાં ગવાયેલું  મોહમ્મદ રફીનું આ સૉલો ગીત રોશન-રફીના સંયોજનના અદૂભૂત ગુલદસ્તામાં એક વધારે સુવાસ ઉમેરે છે. એમાં નીરજની કવિતા પોતાના રંગો ઉમેરે છે.

સમયનું ચક્ર (હંમેશની જેમ) ઉલટું ફર્યું છે. નાયિકા હવે નાયકને મિલન માટેનું ઈજન આપે છે.પરંતુ નાયકને તો હવે ' વૈરાગ્ય'ના રંગે 'ગૌતમમાંથી બુધ્ધ' બનવામાં જ રસ છે. ગીતકાર અને સંગીતકારે મુખડાના શબ્દોને સમાન રાખીને આ ગીતમાં સમયની કશ્મક્શની પીડાને બહુ હૃદયંગમ વાચા અપી છે. યુગલ ગીતમાં આશા ભોસલે પણ રફીની સાથે  ગીતના ભાવને પૂરો ન્યાય કરે છે. 


અજબ તેરી કારીગીરી રે કરતાર - દસ લાખ (૧૯૬૬) – સંગીતકાર: રવિ - ગીતકાર: પ્રેમ ધવન
પહેલું વર્ઝન મોહમ્મદ રફી અને કૃષ્ણા કલ્લેની સાથે જોડાતાં કોરસ પ્રકારનું યુગલ ગીત છે જેમાં સારા સંજોગોની ઉજવણી છે.ભજનના ઢાળમાં ગવાયેલું ગીત મુખ્યત્ત્વે ઓમપ્રકાશ પર ફિલ્માવાયું છે.
ફરી ગયેલાં ચક્રમાં મોહમ્મદ રફીના સૉલો સ્વરમાં આ જ ભજનનું  બીજું વર્ઝન રફીના સ્વરમાં રંજની ભીનાશ સ્સથે રજૂ થયેલ છે.

એક રાજાકી સુન લો કહાની - મહેરબાન (૧૯૬૭) સંગીતકાર: રવિ ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
મોહમ્મદ રફી અને લતા મંગેશકરનું યુગલ ગીત ફિલ્મમાં પહેલાં મુકાયું હશે. એક સમયનું હર્યું ભર્યું સમૃધ્ધ કુટૂંબ અત્યારે તકલીફમાં ઘેરાયેલું લાગે છે. ત્યારે નાયિકા છોકરાંઓને રા જાની કહાની રૂપમાં કુટુંબના સારા દિવસોની વાત સંભળાવે છે અને તેના દ્વારા કુટુંબને નીરાશા ખંખેરી નાખવાનો બોધ આપે છે.
કુંટુંબના મુખીયા હવે ચંદન હારવાળા ફોટામાં આવી ગયા છે. પણ તે સિવાય સમયનું ચક્ર સવળું ફર્યું જણાય છે. સારા સમયમાં ભૂતકાળની યાદોને યાદ કરવી મીઠી લાગે છે. રફીની ગાયકીમાં સૉલો ગીતના ભાવ અનુસાર પડેલો ફરક નોંધી શકાય છે.
હમ ઇન્તઝાર કરેંગે..... તેરા ક઼યામત તક ખુદા કરે કે ક઼યામત હો ઔર તુ આયે - બહુ બેગમ (૧૯૬૭) – સંગીતકાર: રોશન ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
પહેલું વર્ઝન મોહમ્મદ રફી અને આશા ભોસલેનું યુગલ ગીત છે. નયિકા કયામત સુધી ઈંતઝાર ક રવાની તૈયારી સાથે સજ્જ છે.....જોકે ગીત પૂરૂં થતાં સુધી એની પુકારનો સકારાત્મક પ્રતિભાવ મળી જાય છે.
સૉલો ગીતનાં બીજાં વર્ઝનમાં મોહમ્મદ રફી નાયકના મનની વ્યથા અને ઉચાટને, કોઈ કડવાશ વિના, તાદૃશ કરે છે,
દો કદમ તુમ ભી ચલો, દો કદમ હમ ભી ચલે - એક હસીના દો દીવાને (૧૯૭૨) – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: કફીલ અઝર
લતા મંગેશકર અને મૂકેશનાં યુગલ વર્ઝનમાં સાથે સાથે ચાલી શકવા ઉમ્મીદની ખુશી છે.
પરંતુ પ્રેમીઓને છ્ટાં પાડવાં એ સમયનું (અને આપણી ફિલ્મોનું) ખા કામ છે. દો કદમ સાથે ન તો એ ચાલી શક્યાં ન તો પોતે પણ ચાલી શક્યા એ વાતનો રંજ મૂકેશનાં સૉલો વર્ઝનમાં વ્યક્ત થયો છે.
કહીં કરતી હોગી વો મેરા ઈંતઝાર જિસકી તમન્નામેં ફીરતા હૂં બેક઼રાર - ફિર કબ મિલોગી (૧૯૭૪) સંગીતકાર: આર ડી બર્મન ગીતકાર:  મજરૂહ સુલ્તાનપુરી
હેમંતકુમારની ફિલ્મોમાં હેમંતકુમારનાં જ પાર્શ્વ ગાયન સિવાય બિશ્વજીત માટે મોહમ્મદ રફીનો જ સ્વર વપરાતો હતો એવા સમયમાં આર ડી બર્મને મૂકેશના સ્વરનો પ્રયોગ કર્યો છે. પહેલું વર્ઝન સીધે સાદું ઈન્તઝારનું ગીત છે.
બીજાં વર્ઝનમાં નાયિકા પણ ઈન્તઝાર કરતાં કરતાં આ ગીતને દોહરાવે છે.ગીત આગળ જતાં હવે મૂકેશ અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં છે.
આડવાત:
બન્ને વર્ઝ્નની ધુન અને વાદ્યસજ્જામાં મને સલીલ ચૌધરીનાં ગીતોની યાદ આવી જણાય છે.

દિલ ઢુંઢતા હૈ ફિર વોહી ફુર્શત કે રાત દિન બૈઠે રહે તસ્સવુર-એ-જાના કિયે હુએ - મૌસમ (૧૯૭૬) – સંગીતકાર: મદન મોહન ગીતકા: ગુલઝાર
આ ગીતનું ભુપિન્દરે ગાયેલું સૉલો વર્ઝન કેટલાંકને બહુ પસંદ છે.
કેટલાંકને ભુપિન્દર - લતા મંગેશકરનું યુગલ વર્ઝન વધુ ગમે છે. 
યુગલ વર્ઝન ફિલ્મફેર એવોર્ડ માટે પણ સ્પર્ધામાં હતું. ગુલઝારે મિરઝા ગ઼ાલિબના શેરને તફડાવી ગીતના મુખડામાં વાપર્યો તેની પણ ચર્ચા બહુ થતી રહી છે.
બધાંને અંતે યાદ તો રહે છે મદન મોહનની સંગીત રચનાની અપાર્થિવ અસર.
આડવાતઃમદન મોહનનાં ગીતો હંમેશાં કેમ બધાંથી જુદાં જ તરી આવતાં તેનું એક કારણ છે તેમની દરેક ગીતની રચના પાછળનું અદમ્ય જોશ અને આકરી મહેનત.જૂઓ ગીતને બે રીતે રજૂ કરવાનું છે તેમાં તેમણે કેટલી બધી ધૂનો તૈયાર કરી છે!

હવે પછી આપણે સ્ત્રી સ્વરનાં સૉલો ગીતનાં યુગલ કે કોરસ વર્ઝનવાળાં ગીતો સાંભળીશું.

No comments: