Sunday, April 2, 2017

સ્ત્રી અવાજમાં ગવાયેલ એક આનંદ અને બીજું કરૂણ ભાવનું એવાં જોડીદાર - એકલ [Solo] – ગીતો - ૨



આ લેખનો ભાગ ૧ બહુ પહેલાં આપણે વાંચ્યો છે. એ દરમ્યાન જાણીતાં ગીતોના ઓછાં જાણીતાં કલાકારોની આખી લેખમાળા આવી ગઈ .
પહેલા ભાગમાં આપણે ૧૯૫૪ સુધીનાં કેટલાંક સ્ત્રી-સ્વરમાં ગવાયેલાં સૉલો જોડી ગીતો સાંભળ્યાં હતાં. એ ગીતો પૈકી બેએક ગીત પાછળથી યાદ આવતાં પહેલાં તેને સાંભળીને આજે ફરી આપણા મૂળ પાટે ગાડી ચડાવીએ.

અય રી મૈં તો  પ્રેમ દિવાની મેરા દર્દ ન જાને કોય - નૌ બહાર (૧૯૫૨) - લતા મંગેશકર – સંગીતકાર: રોશન – ગીતકાર: સત્યેન્દ્ર અથૈયા

પહેલું વર્ઝન પ્રેમમય ભાવની અભિવ્યક્તિ છે જ્યારે બીજું વર્ઝન કરૂણ ભાવને વ્યક્ત કરે છે. એ માટે મુખડાના શબ્દોમાં પણ ફરક કરીને કરૂણ ભાવ સીધો જ વ્યક્ત કર્યો છે.

આ ગીત / ભજનનાં અનેક સ્વરૂપ પણ થયાં છે જે આપણે અલગથી ૨૧ જાન્યુઆરી, ૨૦૧૭   રોજના શ્રી નીતિન વ્યાસની લેખમાળા - બંદિશ એક રૂપ અનેક -ના લેખમાં માણી ચૂક્યાં છીએ.

હૌલે હૌલે હવા ડોલે કલીયોં કે ઘુંઘટ ખોલે - ગીતા રોય(દત્ત) (બીન ફિલ્મી) (૧૯૫૪) – સંગીતકાર:  નિખીલ ઘોષ -  ગીતકાર: ભરત વ્યાસ

ગીતા દતે ગાયેલું આ ગીત કોઈ ફિલ્મમાં વપરાયું ન હોવા છતાં માત્ર ગીતા દત્તનાં જ નહીં પણ બધાં જ પ્રકારનાં સદાબહાર ગીતોની પ્રથમ હરોળમાં રહ્યું છે.….અને એક અનોખા પ્રયોગ સ્વરૂપે ગીતનું કરૂણ વર્ઝન પણ રચાયું છે….બન્ને વર્ઝનમાં ગીતની લયમાં બહુ મોટો ફરક છે.... શક્ય છે કે માત્ર અલગ લયમાં પણ ગીત કેટલું સારૂં રહ્યું છે તેટલું જોવા માટે પણ ગીતને બે વાર રેકર્ડ કરાયું હોય અને ખ્યાલ આવે કે બન્ને વર્ઝનની પોતાની એક આગવી મજા છે.

ઘણા સમય પહેલાં પ્રકાશિત થયેલ આ લેખમાળાની કડી સાથે આપણું જોડાણ સાધવામાં આ બે ગીતોનાં આદર્શ માધ્યમ વડે આપણે હવે આજના અંકમાં ઊંડે ઉતરીશું.

સુનો છોટી સી ગુડિયાકી લંબી કહાની - સીમા (૧૯૫૫) - લતા મંગેશકર - શંકર જયકિશન - હસરત જયપુરી

એક ગુડીયાની કહાની દ્વારા નાયિકાના જીવનના ચડાવ ઉતારને બહુ જ સ-રસ પણે આ ગીતમાં કંડારી લેવાયેલ છે. ગીતનાં સંગીતમાં જે સરોદની સંગત છે તે ઉસ્તાદ અલી અકબર ખાંએ ખુદ અદા કરેલ છે.. બચપન ખાલી.. દીદી કા પેટા ખાલી... ગુડૂકા પેટ ખાલી - જેવી કડવી વાસ્તવિકતાને વાયોલિનના સૂર બહુ અસરકારક રીતે ઉજાગર કરે છે. રોમ રોમ દુઃખમાં પણ બચપનની કહાની આનંદની એક લહેરખી વહાવે છે...પણ છેલ્લે તો જીવનની વિષમતાઓનું દુઃખ બોલી ઉઠે છે... ફિલ્મમાં તો ગીત સળંગ જ રજૂ થયું છે, એ દૃષ્ટિએ તેને જોડીદાર વર્ઝન ન કહેતાં (રેકર્ડ પર) બે ભાગમાં રજૂ કરાયેલ ગીત પણ કહી શકાય....આનંદના વર્ઝનમાં સરોદનું સ્થાન જલતરંગને આપ્યું છે. વાયોલિન અને વાંસળીના ટુકડાઓ પણ બહુ સુંદર પ્રયોગ કરાયો છે.

મેરા છોટા સા દેખો યે સંસાર હૈ - ભાઈ ભાઈ (૧૯૫૬) - લતાં મંગેશશકર - સંગીતકાર - મદન મોહન - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

પતિપત્નીનો સુખી સંસાર હોય તો તેમાંથી કેવાં આનંદનાં ઝરણા ફૂટે..

સંસારનો વ્યાપ તો નાનો-સો જ રહ્યો છે, પણ અત્યારે તેમાં વિપરિત સમયની ગમગીની છવાયેલ છે

બોલ રે કઠપુતલી કૌન સંગ નાચે બતલા તૂ નાચે કિસકે લિયે........ બાંવરી કઠપુતલી બોલી મૈં નાચુંગી અપને પિયાકે લિયે - કઠપુતલી (૧૯૫૭) - લતા મંગેશકર - શંકર જયકિશન

શંકર જયકિશનની અત્યાર સુધી ખુબ પરિચિત, અને એટલી  જ લોકપ્રિય થઈ ચુકેલી, વાયોલિન અને પિયાનો એકોર્ડીયન જેવાં અનેક વાદ્યોને એક સૂરમાં રજૂ કરતી, વાદ્ય સજ્જાના ઉત્કૃષ્ટ નમુના સ્વરૂપ નૃત્ય ગીત.પુરુષ પ્રધાન સમાજમાં 'કઠપુતલી' બનાવાઈ દેવાયેલ સ્ત્રીનાં મન પણ આનંદો અને ઉમંગો હોય જ અને તેની અભિવ્યક્તિ આવી હોય ...

પણ સમાજની કઠોરતાઓ એ ઉમંગોને ફળીભૂત ન થવા દે ત્યારે એ 'કઠપુતલી'નાં દિલમાં દર્દ પણ થાય...

દિલ તો રજ઼ા મંદ હૈ ફિર ભી જબાં બંધ હૈ ...કૈસે કહું મુઝકો મેરા બાલમા પસંદ હૈ - માઈ બાપ (૧૯૫૭) - આશા ભોસલે - સંગીતકાર ઓ પી નય્યર ગીતકાર અન્જાન

બન્ને વર્ઝનની રચાના જ અલગ અલગ ભાવને વ્યકત કરવા માટે પૂરતી બની રહે છે.

જો કે કરૂણ વર્ઝનમાં મુખડામાં કરૂણ ભાવ વધારે ઘુંટાયો છે.

સુનો સુનાયે આજ તુમ્હેં - આગ્રા રોડ (૧૯૫૭) - આશા ભોસલે - સંગીતકાર રોશન

ભાઈ બહેન વચ્ચે રૂસણાં મનામણાંનો આનંદ વ્યક્ત કરે છે ગીતનું પહેલું વર્ઝન ...

ભાઈ બહેનને સંજોગોએ છૂટાં કરી નાખ્યાં છે.. બહેન પેલાં ગીતને યાદ કરીને ભાઈની ભાળ મેળવવાના પ્રયત્નમાં પોતાનું દુઃખ વ્યક્ત કરી રહે છે...

જા જા રે સાજના - અદાલત (૧૯૫૮) - લતા મંગેશકર / આશા ભોસલે - મદન મોહન - રાજેન્દ્ર કૃષ્ણ

આ ગીતને બે વર્ઝન ગીત કહેવાં કે એક જ ગીતમાં બે અલગ જ ધુનને અલગ અલગ ગાયિકાઓ પાસે ગવડાવવાનો એક અનોખો અને અદ્‍ભૂત પ્રયોગ કહેવો એ સવાલ થોડો મુશ્કેલ છે. પણ એ શાસ્ત્રીય ચર્ચામાં ન પડીને સંગીતકારે ફિલ્મની પટકથાની રજૂઆત માટે નિર્દેશકે વિચારેલ એક અનોખી સીચ્યુએશનને કેટલી ખુબીથી સ્વરરચનામાં વણી લીધી છે તેને જ દાદ આપીએ....

ચંદા રે... છુપે રહેના સોયે મેરી મૈના લેકે મેરી નિંદીયા રે  - લાજવંતી (૧૯૫૮) - આશા ભોસલે - સંગીતકાર એસ ડી બર્મન - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

એક ખૂબ જ માર્દવ હાલરડું....

સંજોગવશાત મા તેમની બાળકી અલગ થઇ ચૂકી છે. તે અલગાવનો ગ઼મ છે. પણ માને ખબર છે કે તેનાં હાલરડાં વિના દીકરીને નીંદર નહીં આવે...

ટીમ ટીમ કરતે તારે યે કહતે હૈં સારે - ચિરાગ કહાં રોશની કહાં (૧૯૫૯) - સંગીતકાર રવિ - ગીતકાર પ્રેમ ધવન

હાલરડાની સહાયથી મા બાળકને સ્વપ્લોકની સેર પર લઇ જાય છે.. સમયનું ચક્ર ફરે છે.. મા હવે એકલી છે.. ખાલી ઓશીકું છે.. એ જ હાલરડું કરૂણ સ્વરમાં ફૂટે છે.

મીઠી મીઠી બાતોંસે બચના જરા,  દુનિયાકે લોગોમેં હૈ જાદુ ભરા - કૈદી નં ૯૧૧ (૧૯૫૯)- લતા મંગેશકર - દત્તા રામ

પહેલાં વર્ઝનમાં ઢોલકની થાપ પરની લય અને માઉથ ઓર્ગનની સંગતમાં દુનિયાદારીના પાઠ શીખતાં શીખતાં બાળ કલાકારનો છલકતો આનંદ આપણને પણ તરબોળ કરી જાય છે.

બીજાં વર્ઝ્ન સમયે એ બાળકને ક્યાંક કેદ કરાયું છે અને તેને શોધવામાટે તેની સાથે ગાયેલાં ગીતનો ઉપયોગ કરાયો છે. તાલ વાદ્ય તરીકે હવે ડફ છે અને તેને સાથ આપ્યો છે ફ્લ્યુટના સ્વરમાંથી ફુટતી વેદનાએ... છેક છેલ્લે કેદ બાળક સુધી આ આર્તનાદ પહોંચી જાય છે !

સૈંયાં પ્યારા હૈ અપના મિલન - દો બહનેં (૧૯૫૯) - લતા મંગેશકર - વસંત દેસાઈ

પહેલું વર્ઝનમાં મિલનનો આનંદ ગીત બનીને મંદ મંદ વહી રહ્યો છે.

ગીતની લય લગભગ સરખી છે, પણ બીજાં વર્ઝનના ઉપાડથી જ જણાઈ આવે છે કે અહીં મિલનના વિરહની વાત છૂપાઈ છે.

ભૈયા મેરે રાખીકે બંધનકો નિભાના.... - છોટી બહેન (૧૯૫૯) - લતા મંગેશકર - શંકર જયકિશન

રક્ષા બંધનના તહેવારને દિવસે નાની બહેનનો છલકતો પ્રેમ અને આનંદ પહેલાં વર્ઝનમાં દરેક નોટ્સમાં છલકે છે. 

પરંતુ બીજાં વર્ઝનમાં કાળચક્રની અવળી ફરેલી ઘડીના સપાટામાં એકલી પડી ગયેલી બહેનનું દર્દ વણી લેવાયું છે.

સાંવરિયા રે અપની મીરા કો ભૂલ ન જાના - આંચલ (૧૯૬૦) - સુમન કલ્યણપુર - સંગીતકાર સી રામચંદ્ર

વયસ્ક પતિપત્નીની છેડછાડ દરમ્યાન પત્ની કહે છે કે સ્ત્રીનું આંચલ એક એવી મૂલ્યવાન મૂડી છે જેને માત્ર સ્ત્રી જ સંભાળી શકે....

સંજોગોનું ચક્ર ફર્યું છે..મુખડાની શરૂઆત જ દર્દની પીડાના સૂરથી છે.

ઈતને બડે જહાંમેં અપના ભી કોઈ હોતા, હમ ભી તો મુસ્કરાતે, અપના કિસીકો બનાતે - ડાર્ક સ્ટ્રીટ (૧૯૬૧) - સુમન કલ્યણપુર - દત્તા રામ

પોતાનું કોઇ હોય તેના આનંદનો આશાવાદ પહેલાં વર્ઝનમાં ઝીલાયો છે..

જ્યારે બીજાં વર્ઝનમાં ફળીભૂત ન થયેલી આશામાંથી જન્મતા દર્દના ભાવને ઝીલી લેવાયેલ છે.

મહેંદી લગી મેરે હાથ - મહેંદી લગી મેરે હાથ (૧૯૬૨) - લતા મંગેશકર - કલ્યાણજી આણંદજી

લગ્નવિધિના પ્રસંગોમાં મહેંદી લગાવવાની રસમ પ્રસંગના આનંદના રંગોને પણ નીખરાવે છે...

પરંતુ નવા સંસારનો મહેક રેતીના મહેલની જેમ ફટકીયો નીવડે ત્યારે એ સાઅથે સાથે વણાયેલી ઉમર અકારી લાગે છે.….

એક થી લડકી મેરી સહેલી… //\\ યે મત સોચો કલ ક્યા હોગા, જો ભી હોગા અચ્છા હોગા - ગુમરાહ (૧૯૬૩) - આશા ભોસલે - રવિ

સમયના એક જ પલટાએ નાયિકાને માસીમાંથી મા બનાવી નાખી છે.પહેલાં વર્ઝનમાં તે પોતાની આત્મકથાનક કહાનીથી બાળકોનું (અને કદાચ એમ કરીને પોતાનું પણ) મન બહલાવી રહી છે...

પણ પાછળ મુકી દેવા પડેલ પ્રેમની યાદ એમ ક્યાંથી ભૂંસી શકાય ! માની ભૂમિકા સ્વીકારવા છતાં એક સ્ત્રી તરીકેનાં અધુરાં રહી ગયેલાં તેનાં અરમાનો અને ભાવિની વીડંબનાઓ 'કલ કા હોગા'ના સૂરમાં મનમાં ઘોળાયા તો કરે જ ! .... 'જો ભી હોગા, અચ્છા હોગા' નો બામ મનમાં ઘુમરાઈ રહેલી પીડાને શાંત પાડી દેશે ખરો ?



આજે આપણે અહીં વિરામ લઈશું. ૧૯૬૪ પછીનાં એક આનંદ અને બીજું કરૂણ વર્ઝનવાળાં તેમ જ અન્ય પ્રકારનાં સ્ત્રી-જોડીદાર સૉલો ગીતોને હવે પછીના અંકમાં સાંભળીશું

No comments: