Sunday, April 16, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : એપ્રિલ, ૨૦૧૭



હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારોમાટે લખેલાં ગીતો
હસરત જયપુરી (જન્મ ૧૫ એપ્રિલ, ૧૯૨૨ - અવસાન ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯)નું મૂળ નામ ઈક઼બાલ હુસ્સૈન હતું. મુંબઈ આવ્યા બાદ નાના મોટાં કામો કરતાં કરતાં તેમનો સંપર્ક રાજ કપૂર સાથે થયો જેને પરિણામે હિંદી ફિલ્મોમાટે તેમણે પહેલું સૉલો ગીત લખ્યું જિયા બેક઼રાર હૈ ('બરસાત',૧૯૪૯). તેમણે લખેલું પહેલું યુગલ ગીત હતું- છોડ ગયે બાલમ. 'બરસાત'માં ઉગેલ, તેમનું શૈલેન્દ્ર સાથેનું, શંકર જયકિશન દ્વારા રચાયેલ ગીતોનું વૃક્ષ વૈવિધ્યપૂર્ણ ફળોનો અઢળક વરસાદ કરતું રહ્યું. સતત થતી રહેતી એ બૌછારમાં, શંકર જયકિશને હસરત અને શૈલેન્દ્ર સિવાય અન્ય ગીતકારોનાં ગીતો પર બહુ અપવાદરૂપ ધૂન રચનાઓ કરી છે, એ વાતની જેટલી નોંધ લેવાય છે તેના પ્રમાણમાં  હસરત જયપુરીએ, અને શૈલેન્દ્રએ પણ, અન્ય ઘણા સંગીતકારો માટે પણ ગીતો લખ્યાં છે તે વાત કદીક વિસારે પડી જવાય છે.
 
 તેમની દીર્ઘ કારકીર્દીમાં હસરત જયપુરીએ પાછલી પેઢીના સજ્જાદ હુસ્સૈનથી લઈને પોતાની પેઢીના સી રામચંદ્ર, મદન મોહન, એસ ડી બર્મનથી માંડીને નવી પેઢીના નદીમ શ્રવણ, આનંદ મિલિંદ કે જતિન લલિત માટે ગીતો લખ્યાં છે. 
તેમની જન્મતિથિએ હસરત જયપુરીને યાદ કરવા માટે આપણે આજે તેમની કારકીર્દીની શરૂઆતથી ૧૯૫૩ સુધીનાં શંકર જયકિશન સિવાયના સંગીતકારોમાટે લખેલાં ગીતોની યાદ તાજી કરીશું.આજના આ લેખમાં આપણે એક સંગીતકારનું એકથી વધારે ગીત નથી સમાવ્યું.
શરૂઅત કરીએ ૧૯૫૦ની ફિલ્મ 'વફ઼ા'થી. આ ફિલ્મમાં હસરતે ત્રણ ગીતો લખ્યાં હતાં જે પૈકી બે વિનોદે અને એક બુલો સી રાનીએ સંગીતબધ્ધ કરેલ છે.
અરમાન ભરા દિલ તૂટ ગયા - વફ઼ા (૧૯૫૦) - મૂકેશ , લતા મંગેશકર - બુલો સી રાની હસરત જયપુરી સંવેદનાત્મક ગીતો લખવામાં પણ માહિર રહેવાના છે તેની પુષ્ટિ અહીંથી જ થવા લાગી છે.
હસરત જયપુરીનાં ગીતોની તવારીખમાં ૧૯૫૧માં 'બડે  સાહબ' નામક એક ફિલ્મ જોવા મળે છે, જેનું સંગીત નિસ્સારે આપ્યું છે. આપણા નેટસંગીત ચાહકોને હજૂ આ ફિલ્મનાં ગીતો હાથ નથી લાગ્યાં જણાતાં. ૧૯૫૧ની બીજી એક ફિલ્મ - ઈમાન - છે જે રજૂ નહોતી થઈ. પરંતુ તેનાં ગીતો યુ ટ્યુબ પર સાંભળવા મળે છે. આ ફિલ્મમાં આશા ભોસલેનાં ત્રણ સૉલો અને તલત સાથેનું એક યુગલ ગીત હસરત જયપુરીએ લખેલ છે.
ઓ જુલ્મી નયના રોયે જા - ઈમાન આશા ભોસલે - પંડિત મોતી રામ
આંકડાઓની દૃષ્ટિએ જોઈએ તો હસરત જયપુરીએ લખેલ આશા ભોસલેનાં સૌ પહેલાંનાં ગીતોનું સ્થાન આ ગીતોને મળે. ભાવની દૃષ્ટિએ પણ કારકીર્દીની શરૂઆતમાં આશા ભોસલેને ફાળે આવેલાં ગીતો કરતાં આ ગીતો નવી કેડી કંડારે છે. હસરત જયપુરીનાં આશા ભોસલે કેવાં, કેટલાં અને કયા કયા સંગીતકારો સાથે ગીતો ગાયાં હશે તે ખૂદ જ એક રસપ્રદ વિષય બની રહે!
૧૯૫૧માં હસરત જયપુરીએ પંડિત મોતીરામ માટે 'લચક' માટે રફી -આશાએ ગાયેલું યુગલ ગીત પણ લખ્યું છે. 
૧૯૫૧માં હસરત જયપુરીની સજ્જાદ હુસ્સૈન સાથેની જુગલબંધી પણ 'સૈંયાં'માં સાંભળવા મળે છે.
ખયાલોંમેં તુમ હો - સૈંયાં (૧૯૫૧) - લતા મંગેશકર - સજ્જાદ હુસૈન
ગીત રચના, વાદ્ય સજાવટ અને ગાયન શૈલી જેવાં દરેક અંગમાં સજ્જાદ હુસૈનની આગવી છાપ અંકિત થયેલ જોવા મળે છે, જેની સાથે હસરતનાં સરળ, ભાવવાહી શબ્દો બહુ સહેલાઈથી ભળી જતા જણાય છે.
૧૯૫૧ની હજૂ એક ફિલ્મ -સૌદાગર-માં હસરત જયપુરીએ હનુમાન પ્રસાદ માટે જી એમ દુર્રાની અને આશા ભોસલેનાં સ્વરમાં ગવાયેલ બે યુગલ ગીતો લખ્યાં હોવાનું જોવા મળે છે. આ ગીતો મને યુટ્યુબ પર મળી નથી શકયાં.
બંકિમ ચંદ્ર ચેટરજીની પ્રખ્યાત નવલકથા 'આનંદમઠ' પરથી એ જ નામની બનેલી ફિલ્મીસ્તાનની ૧૯૫૨ની ફિલ્મ માટે એક ગીત હસરત જયપુરીએ લખ્યું છે.
દિલ કા પૈમાના હો ઉલ્ફતકા હાથ હૈ, જુલ્ફોંકા બાદલ હો, ઝૂમને કી રાત હૈ , પીને કે રાત હૈ - આનંદમઠ (૧૯૫૨)- રાજકુમારી - હેમંત કુમાર
રાજાના દરબારમાં અંગ્રેજ સાહેબોની ખીદમત માટેની મહેફિલ જામી છે. 
૧૯૫૨ની એક અન્ય ફિલ્મ 'અન્નદાતા' માટે હસરત જયપુરીએ પાંચ ગીતો લખ્યાં જે પૈકી જી એમ દુર્રાની-શમશાદનું યુગલ ગીત  તેમજ રફી- શમશાદ -મીના-લતા મંગેશકરનું સમૂહ ગીત યુટ્યુબ પર જોવા નથી મળતાં. લતા મંગેશકરનાં ત્રણ સૉલો ગીતો પૈકી એક ગીત આપણે આજે સાંભળીએ
બહારો કે ડોલે મે, આયી હૈ જવાની, આયી જવાની, આજ અપની અદાઓ પે હુયી હૈ દિવાની - અન્નદાતા (૧૯૫૨) - લતા મંગેશકર - મોહમ્મ્દ શફી
હિંદી ફિલ્મોમાં કંઈ કેટલાય સંગીતકારોને તેમની પ્રતિભા અનુસાર સફળતા નથી મળી.મોહમ્મદ શફી આ સંગીતકારોમાંના એક હતા. પ્રસ્તુત ગીતમાં મોહમ્મદ શફીની પ્રતિભા છતી થાય છે.
૧૯૫૨ની 'બદનામ'માં હસરત જયપુરીને ફાળે લતા મંગેશકરનાં બે અને શંકર દાસગુપ્તાએ ગાયેલે એક સૉલો આવ્યાં હતાં.
યે ઈશ્ક઼ નહીં આસાં - બદનામ (૧૯૫૨) - શંકર દાસગુપ્તા - બસંત પ્રકાશ
આ ઉપરાંત ૧૯૫૨માં હસરત જયપુરીએ બસંત પ્રકાશ માટે 'નિશાન ડંકા' અને 'સલોની' એમ બે અન્ય ફિલ્મો માટે પણ ગીતો લખ્યાં.
૧૯૫૨ની જ એક અન્ય ફિલ્મ 'હમારી દુનિયા'માં હસરત જયપુરીનાં સૉલો ગીતો લતા મંગેશકર, ગીતા દત્ત અને રાજકુમારી એમ ત્રણ ગાયિકાઓએ એક એક કરીને ગાયાં છે, જે પૈકી ગીતા દત્તએ ગાયેલું ગીત મને યુટ્યુબ પર નથી મળ્યું.
રાત અરમાનકી સજી હૈ - હમારી દુનિયા (૧૯૫૨) - રાજકુમારી - શ્યામ બાબુ પાઠક  
જબ તક ચમકે ચાંદ સિતારે, તુમહો હમારે સૈંયા હમ હૈ તુમ્હારે, અપને મિલન કા સ્થા ન છૂટે, હાથોમેં આ કે સજની હાથના છૂટે - નીલમ પરી (૧૯૫૨) - ગીતા દત્ત, જી એમ દુર્રાની - ખુર્શીદ અન્વર
'નીલમ પરી'માં હસરત જયપુરીએ ચાર ગીતો લખ્યાં હતાં. પ્રસ્તુત ગીતની વિડીયો ક્લિપ ઝાંખી હોવા છતાં ગીતા બાલીની મસ્તી છાની નથી રહેતી.
'શ્રીમતીજી'માં પણ હસરત જયપુરીનું એક ગીત છે.
તક઼દીરને લૂટા મુઝે તક઼દીરને લૂટા, મંઝિલ પે લા કે પ્યારને બેગાના કર દિયા શ્રીમતીજી (૧૯૫૨)ગીતા દત્ત જિમ્મી
એક દિલ હઝાર જખ્મ કૈસે જી શકેંગે હમ - આગ કા દરિયા (૧૯૫૩)- તલત મહમૂદ - વિનોદ
૧૯૫૩માં રજૂ થયેલી બીના રોયને અનારકલીની ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ 'અનારકલી'નું તેનાં ગીતોને કારણે ખાસ મહત્ત્વ હતું. સી. રામચંદ્રને આ ફિલ્મનાં ગીતોએ હળવાં, પાશ્ચાત્ય તર્જોમાં બનેલાં ગીતોના સંગીતકારમાંથી એક સન્માનીય સંગીતકારનું અચૂક સ્થાન અપાવ્યું. ફિલ્મમાં એક ગીત બસંત પ્રકાશે સંગીતબધ્ધ કર્યું હતું. ફિલ્મનાં બે ગીતો શૈલેન્દ્ર અને બે ગીતો હસરત જયપુરીએ લખ્યાં એ સિવાયનાં બધાં ગીતો રાજેન્દ્ર કૃષ્ણએ લખ્યાં છે.
ઝીંદગી બેબસ હુઈ હૈ બેક઼સી કા સાથ હૈ, એક હમ હૈ ક઼ફસમેં યા ખુદાકી ઝાત હૈ
ઓ આસમાન વાલે શીક઼વા હૈ ઝીંદગીકા, સુન દાસ્તાન ગ઼મકી અફસાના બેબસી કા
હસરત જયપુરીએ લખેલ બીજું ગીત પણ તેમનાં સદાશ્રેષ્ઠ ગીતોમાં તો સ્થાન તો પામે છે, અંગતપણે મારાંપણ બેહદ પસંદ ગીતોમાં તેની એક ખાસ જગ્યા છે. એટલે એક સંગીતકારનું એક ગીત લેવાનો આપણે કરેલો નિયમ બહુ પ્રેમથી તોડવાનું ગમશે.
ઈસ ઈન્તઝાર-એ-શૌક઼ કો જનમો કી પ્યાસ હૈ, ઈક શમા જલ રહી હૈ, તો વો ભી ઉદાસ હૈ
મુહબ્બત ઐસી ધડકન હૈ જો સમજાઈ નહીં જાતી
૧૯૫૩માં હસરત જયપુરીએ લખ્યાં હોય એવી હજૂ બીજી પણ કેટલીક ફિલ્મો છે. પરંતુ 'અનારકલી'નાં આ બે ગીતો સાંભળીને હસરત જયપુરીનાં અન્ય સંગીતકારો માટેનાં ગીતાના આજના અંકમાં આપણે અહીં વિરામ લઈશું. જો કે હસરત જયપુરીનાં ગીતોની આપણી સફર તો ચાલુ જ છે....
આપણા દરેક અંકની સમાપ્તિમાં મોહમ્મદ રફીએ ગાયેલાં ગીત મૂકવાની પરંપરા અનુસાર આજે આપણે સાંભળીએ આર સી બોરાલે સંગીતબધ્ધ કરેલ, હસરત જયપુરીનું લખેલ, ફિલ્મ દર્દ-એ-દિલ(૧૯૫૩)નું ગીત
હમને દર્દ-એ-દિલકો તમન્ના બના દિયા.




આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……

No comments: