Saturday, May 28, 2016

સારાં વાચનની ભૂખ જગાડતું,અને સાથે સાથે સારા વાચનનો સંતોષ પણપૂરૂં પાડતું,‘પુસ્તક’: ‘સાર્થક જલસો–૬’ - મે ૨૦૧૬


જે સામયિક દર છ મહિને પ્રકાશિત થતું હોય, જેની સામગ્રી લોકપ્રિયતાની સામાન્યપણે સ્વીકૃત માન્યતામાં સીધે સીધી બંધ ન બેસતી હોય, જેનો પ્રચાર મોટે ભાગે સમાન વાચનશોખ ધરાવતાં વાચકોની મુંહજબાની વધારે થતો હોય તેવાં‘પુસ્તક’કક્ષાનાં સામયિકનો છઠ્ઠો અંક બહાર પડી ચૂક્યો છે. આજની દોડભાગની, મોટામસ આંકડાઓ દ્વારા મપાતી સફળતાની, દુનિયામાં આ ઘટના જેટલી નોંધપાત્ર, તેટલી જ તેના ચાહકો માટે પરીક્ષાનો તત્પુરતો અંત લાવતી આનંદદાયકપણછે.
'સાર્થક જલસો'ના છઠ્ઠા અંકમાં રજૂ થયેલ સામગ્રી એકબીજાથી અલગ વિષયને ખેડતા ૧૪ લેખોમાં પ્રસરેલ છે.દેખીતી રીતે 'સાર્થક જલસો'માં રજૂ થતા વિષયો પ્રણાલિકાગત ઢાંચામાં બંધ નથી બેસતા, અને તેથી એ વૈવિધ્ય વાચકને દરેક અંક વાંચતી વખતે તાજગીની અનુભૂતિ કરાવે છે. દરેક લેખનું વસ્તુ અને પોત દરેક લેખને બહુ જ નિરાંતે વાંચવા અને વાગોળવા માટેનાં કારણો પણ પૂરાં પાડી આપે છે. 
જો કે આ બધાં પાસાં તો 'સાર્થક જલસો'ને પહેલી વાર વાંચનારમાટે મહત્ત્વનાં. આપણે તો 'સાર્થક જલસો'ના  સીધો જ પરિચય આપણે અહીં - Saarthak Jalso  - કરતાં જ રહ્યાં છીએ. એટલે આપણને તો હવે આ છઠ્ઠા અંકના લેખોનો પરિચય કરવામાં જ વધારે રસ હોય તે તો સ્વાભાવિક છે.

તો ચાલો, 'સાથક જલસો'ના અંક ૬ની પરિચય સફરે.....

‘આવી યાતના વેઠનાર અમે છેલ્લાં હોઇશું' - અનુષ્કા જોષી
બીજાં વિશ્વયુદ્ધની લશ્કરી વિગતોની સાથે સાથે એ સમયની સામાજિક, કે સાંસ્કૃતિક ઘટનાઓ સાથે વણાયેલી એ સમયનાં લોકોનાં વ્યક્તિગત પાસાંઓની કહાનીઓ આજે લગભગ સાત દાયકા પછી, ચર્ચામાં તો રહેલ જ છે. પરંતુ, રેડ ક્રોસની ટુકડી સામે બધું આનંદમંગળ છે એવા પ્રચાર અર્થે તૈયાર થયેલ એક બાળ નૃત્યનાટિકાનો વીડિયો જોઈને લગભગ ૨૧મી સદીમાં જ ઊછરેલ એક કિશોરીને તેના પરથી એક કાવ્ય સ્ફુરે એ વાત પણ સાવ સામાન્ય તો ન જ કહેવાય. એ વિષે વધારે શોધખોળ કરતાં એ નૃત્યનાટિકામાં બિલાડીનું પાત્ર ભજવનાર બાળકી,એલા વિસબેર્ગર, જે આજે ૮૬ વર્ષનાં થઈ ચૂક્યાં છે, સાથે સંપર્ક પ્રસ્થાપિત કરવો, એ સંપર્કપછીની કડીરૂપ,તેમનાં તે સમયનાં, છેક ઝેકોસ્લોવાકીયાનાં પાટનગર પ્રાગમાં રહેતાં, મિત્ર - કૉન્સન્ટ્રેશન કૅમ્પનાં સાથીદાર-હેલ્ગા હોસ્કોવા સાથે રૂબરૂ મુલાકાત કરવાનો ખંત દાખવવો એ પણ સાનંદ આશ્ચર્યની જ વાત છે. એ મુલાકાતોના અનુભવોને અનુષ્કા જોષીએ આ લેખમાં સહજ આત્મીયતાથીઅનેબહુ જ રસપ્રદ રીતેવર્ણવેલ છે. એ મુલાકાતના અંતસમયની વાત આ આખીય કહાનીને એક અનન્ય આભા બક્ષી રહે છે.એક રશિયન માતાના પાંચ વર્ષના છોકરાનાં પ્રાગમાં વીતેલ બાળપણ પરની રમૂજના ઢાળ પર ૧૯૯૬માં બનેલી ફિલ્મ 'કોલ્યા' વિષે લેખિકા હેલ્ગાને પૂછી બેસે છે. સવારની મુલાકાત દરમ્યાન કૉન્સન્ટ્રેશન કૅમ્પની યાદોમાંથી થયેલ ભારે વાતાવરણ એ વાતના જવાબમાં સાવ હળવું થઈ જાય છે. 'અમે છેલ્લાં છીએ'નો હેલ્ગા અને ઍલાનો આશાવાદ, માનવજાતને ભવિષ્ય માટેનો સંદેશ પણ કહી શકાય.
વિજ્ઞાની, તત્ત્વજ્ઞાની,લાગણીસભર સ્વપ્નદૃષ્ટા રવજીભાઈ સાવલિયા - હર્ષલ પુષ્કર્ણા
૧૯૯૬ની એક સવારે તેમને ઘરે સવારના નાસ્તા માટે રવજીભાઈનું આવવું એ પહેલો યોગાનુયોગ, એ મુલાકાતને અંતે બીજે જ અઠવાડીએ પોતાને ઘેર જમવા આવવાનું રવજીભાઈનું અત્મીય આમંત્રણ એ બીજો યોગાનુયોગ અને રિઝર્વ્ડ પ્રકૃતિના નગેન્દ્ર વિજયનું એ આમંત્રણ સ્વીકારી લેવું એ ત્રીજા યોગાનુયોગથી શરૂ થયેલ સંબંધના વિકાસની ગાથા વર્ણવતાં વર્ણવતાં,તેમની નપીતુલી શૈલીને ભાવવાહી પ્રવાહમાં વહેવડાવીને બહુ જ સચોટ આલેખનથી હર્ષલ પુષ્કર્ણાએ સમજાવ્યું છે કે કોઈ એક વ્યક્તિને એક સાથે આટઆટલાં વિશેષણો કેમ લાગૂ પડી શકે……[પરિચયકારની નોંધ: અમેરિકા જેવા દેશમાં જો રવજીભાઈએ કામ કર્યું હોત તો તેમનાં છાશ વલોણાં યંત્ર કે હવા ભરવાનો ફૂટ પમ્પ કે સમાનકેન્દ્રી નસદાર એલ્યુમિનિયમ તવો, મૉનોબ્લૉક ઘરેલુ ઘરઘંટી અને તેમનાં એવાં અનેક ઉપકરણો વિશ્વ કક્ષાએ પહોંચી ચૂક્યાં હોત. પણ આમ ન થયું કારણકે રવજીભાઈ વિજ્ઞાની, તત્ત્વજ્ઞાની વગેરે વગેરે પહેલાં હતા, અને વ્યાપારી તો તેનાથી બહુ જ પછી.નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન જેવી રાષ્ટ્રીય સંસ્થાને ચોપડે રવજીભાઈની કેટલીક નોંધ જોવા મળે છે, એવી શોધખોળ કરતાં ક્યાંકથી સંતાઈ ગયેલી એક નોંધ હાથ ચડી ગઈ, જે અહીં ક્લિક કરવાથી વાંચી શકાય છે.]
એકવીસમી સદીમાં 'ભાર વિનાનું ભણતર' - ઋતુલ જોષી, મીરાં થૉમસ
'ભાર વિનાનાં ભણતર'ની બહુ ચોટદાર 'વ્યાખ્યા'થી લેખની શરૂઆત થાય છે - 'જો તમારા ભણાવ્યા મુજબ બાળક ન શીખી શકતું હોય, તો બાળક શીખી શકે તે મુજબ તેને ભણાવો'.આ પ્રકારનાં ભણતરની વ્યવસ્થામાં બાળક કર્તા છે. લેખમાં આ વિભાવના બાબતે આપણને વિચાર કરતાં કરી મૂકવા માટે પૂરતી સામગ્રી છે. બસ, હવે તેનો વ્યાપકપણે અમલ કરવા હવે કઈ પ્રેરણા, કે ફરજ, કામ કરશે તે જોવાનું રહ્યું.
શીખવતાં શીખવા મળેલા જીવનના પાઠ - આરતી નાયર
હાંસિયામાં ધકાયેલાં લોકોને શિક્ષણ આપવાની 'સેવા'નું કામ કરવામાં કેવા કેવા અનુભવો થાય, અને એ અનુભવો માત્ર એ સેવા કરવાની બાબતે જ નહીં પણ જીવનનાં કેટકેટલાં પાસાં વિષે કેવું કેવું શીખવાડી જાય તેના લેખિકાના સ્વાનુભવોની રજૂઆત એ માત્ર આ પ્રકારનાં કામ જોડાયેલ વ્યક્તિઓ માટે જ નહીં પણ સમાજના દરેક “ઉચ્ચ સ્તર”નાં લોકો માટે ઘણા પાઠ શીખવાડી શકે છે.
જુહાપુરાના રોજિંદા જીવનની કશ્મકશ - શારીક લાલીવાલા
અમદાવાદમાં થતાં રહેલાં કોમી રમખાણોની નિપજ સમી બસ્તી જુહાપુરાના સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક સમુદાયમાં વસ્તી વ્યક્તિઓની ભાવનાઓનો બહુ જ નિરપેક્ષ ચિતાર આ લેખ આપણી સમક્ષ રજૂ કરે છે.લેખની પાદનોંધ વાંચીએ તો ખ્યાલ આવે છે કે આ લેખનો લેખક એ ૧૯ વર્ષનો એક યુવાન છે જે ખુદ ‘રૂઢિચુસ્ત જેને કાફિર ગણે અને કાફિર જેને મુસલમાન ગણે’ એવા મનોસાંસ્કૃતિક ત્રિભેટેથી હવે પોતાનાં જીવનની રાહ કંડારવાનો છે.
પ્રકાશ ન. શાહ કટોકટી પહેલાં અને પછી... - ઉર્વીશ કોઠારી
'સાર્થક જલસો'ના દરેક અંકનું એક આગવું આકર્ષણ હોય છે તેમાં પ્રકાશિત થતી દીર્ધ મુલાકાત. આ પ્રકારની દીર્ઘ મુલાકાતમાં ચર્ચાયેલી વાતોને આ પ્રકારનાં સામયિકમાં ઠીક ઠીક જગ્યા આપીને પ્રકાશિત કરાય એટલે એ વ્યક્તિનું સમાજમાં કંઈક વજન હોય તે તો સ્વાભાવિક છે, પણ એનો અર્થ એમ પણ નહીં કે બધાંને એ વ્યક્તિની સાથે અહીં ચર્ચાયેલી બધી જ બાબતોની ખબર હોય. આમ આ મુલાકાત આપણી સમક્ષ એ વ્યક્તિસાથે નજદીકી પરિચય કરાવે જ, પણ સાથે સાથે એ મુલાકાતમાં રજૂ થયેલ વિષયનો પણ વિગતે પરિચય કરાવે છે. પ્રસ્તુત મુલાકાતમાં પ્રકાશ ન. શાહનાં ૭૫ વર્ષનાં જીવનનાં આરંભિક વર્ષો, ઘડતર તેમ જ રાજ્ય-દેશના જાહેર જીવનનાં કટોકટી અને જેલવાસ જેવા ઘણાં પાસાં સમાવાયાં છે.
આંબેડકર-ગંગા - ચંદુ મહેરિયા, ઉર્વીશ કોઠારી
'લાંબા લાંબા લેખને બદલે નાની નાની વિગતો-પ્રસંગો-લખાણો-ચિત્રો થકી ડૉ. આંબેડકરની જુદી, બહુરંગી છબી' ઉપસાવવાના પ્રયાસરૂપે 'આંબેડકર-ગંગા' પુસ્તક તૈયાર થઈ રહ્યું છે. પ્રસ્તુત લેખમાં તેની ઝાંખી રજૂ કરાઈ છે.
સવાસો વર્ષ પહેલાં પાઠ્યપુસ્તકમાં સરકારી છેડછાડની પહેલી 'દુર્ઘટના' - બીરેન કોઠારી
૧૮૫૦થી ૧૮૬૫ વચ્ચેનાં, નર્મદની ૧૭થી ૩૨ વર્ષની વય દરમિયાનનાં લખાણના સંગ્રહની(પહેલી) આવૃત્તિ તો ૧૮૬૫માં આવી અને ખપી ગઈ. ૧૮૭૪માં આવેલી બીજી, સરકારી, અને તે પછી ૧૮૮૦માં આવેલી ત્રીજી આવૃત્તિમાં 'શૈક્ષણિક દૃષ્ટિ અને ફરજપાલન' જેવા - 'સર્જક કે સર્જનને અન્યાય હરગિજ ન કરવાના’ - સરકારી નીતિના આશયથી કરવામાં આવેલા ફેરફારો અને સામાન્યપણે પોતાના ‘જોસ્સા’ માટે જાણીતા નર્મદે આ ફેરફારો સામે સેવેલા મૌનનો રોચક ઘટનાક્રમ પ્રસ્તુત લેખમાં વર્ણવાયો છે.
તમારું ખાહડું અને અમારું માથું - ચંદુ મહેરિયા
પોતાના મોટા ભાઈ-બહેનનાં બાળ લગ્ન નિમિત્તે પોતાને વતન ગયેલ લેખકની બાલ્યાવસ્થાનો એ પ્રસંગ આજે પણ લેખકનાં ઘરે યાદ કરાય છે. એ પ્રસંગની મદદથી લેખકે હજૂ બહુ જૂનો થઈ ગયો ન કહેવાય એવો, ૧૯૬૪-૬૫નાં વર્ષોના, સમયનાં સામાજિક જીવનનો ઇતિહાસ બહુ સહજપણે દસ્તાવેજ કરેલ છે. એ દિવસે (બાળ) લેખક પોતાના પગમાં ચંપલ પહેરીને સૂઇ ગયા હતા. તેમના મા મનાવી પટાવીને પણ એ ચંપલ કઢાવી નથી શકતાં, કેમ કે અમદાવાદની મિલમાં કામ કરતા પિતાનાં એ સંતાનને જિંદગીમાં પહેલી વાર ચંપલ પહેરવા મળી હતી ! સામાજિક જીવનના પ્રવાહનાં એક પ્રતિક તરીકે ચંપલનું અહીં રજૂ થયેલ ચિત્ર આજે પણ આપણી આંખ ઉઘાડી કાઢી શકે છે.
અજાણ્યા ઇશાન ભારતનો આત્મીય પ્રવાસ - લતા શાહ, અશોક ભાર્ગવ
'સાર્થક જલસો'ની સામગ્રીમાં અનોખી ભાતનું પ્રવાસ વર્ણન નિયમિતપણે જોવા મળતાં ઘટક તરીકે સ્થાન પામી ચૂક્યું જણાય છે.જોવાનાં સ્થળોની યાદી કે શું ખાધુંપીધું એવાં 'ભ્રમણસંગી (ટુરિસ્ટ ગાઈડ) જેવા શુષ્ક દસ્તાવેજ નહીં, પણ 'કોઈ આયોજનપૂર્વક', પ્રવાસની મજાનાં 'આત્મીય' વર્ણનો હોવાને કારણે એ સ્થળોએ આપણે જાતે ફરી રહ્યાં હોઈએ તેવી લાગણી પણ અનુભવાય એ કક્ષાનાં આ વર્ણનો બની રહે છે. પ્રસ્તુત પ્રવાસ ઇશાન ભારતનાં તેજપુરથી શરૂ થઈને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, માજુલી બેટ, ગુવાહાટી,દિમાપુર (નાગાલૅન્ડ), ઈટાનગર-જીરો (અરુણાચલ પ્રદેશ), અને મેઘાલયનાં શિલોંગ, ચેરાપુંજીને આવરી રહ્યો છે.
ગાંધીવાદી 'અનુવાદ સેનાપતિ' નગીનદાસ પારેખ - મારો અનુવાદ એ જ મારું જીવન - હસિત મહેતા
નગીનદાસ પારેખનાં બહુમુખી વ્યક્તિત્ત્વને વર્ણવવા માટે લેખની શીર્ષનોંધમાં 'સન્નિષ્ઠ અનુવાદક, શિક્ષક, સંપાદક, વિચારક, મીમાંસક, વિવેચક, સંશોધક, પ્રતિકાવ્ય કવિ, ચરિત્રકાર, વિદ્યાપુરુષ' એવાં વિશેષણો પ્રયોજાયાં છે. આખો લેખ વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે એ દરેક વિશેષણ એક અલગ અભાસનોંધનો વિષય છે. તેમ છતાં સામયિકના એક લેખમાં તેને સમાવવાની હિંમત કરવી અને પૂરતો ન્યાય કરી શકવો એ બંને બાબતો કાબિલે-દાદ છે. અહીં તો આપણે પ્રસ્તુત લેખની બહુ જ સરસરી ઝલક જ લઈશું. નગીનદાસ પારેખ મરાઠી, સસ્કૃત, બંગાળી, ઉર્દૂ, અંગ્રેજી સહિતની છ જેટલી ભાષાઓમાં 'આત્મસાત્‍' કક્ષાના પારંગત હતા. તેમને ફાવતી ભાષા અંગ્રેજી હોવા છતાં ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અભ્યાસમાટે તેમણે બંગાળ સાહિત્ય પસંદ કર્યું ત્યારે તેમણે બંગાળીના કક્કાબારાખડીથી શરૂઆત કરવાની હતી. ૧૯ વર્ષની ઉંમરે એમણે બંગાળની 'ઉપેન્દ્રનાથની આત્મકથા'નો ગુજરાતી અનુવાદ કર્યો. 'ગીતાંજલી'નાં કાવ્યો, 'ડાકઘર' જેવાં નાટકો અને 'ઘરે-બાહિર'જેવી નવલકથાઓ સહિતનાં રવિન્દ્રસાહિત્યનાં ૩૦થી વધુ પુસ્તકો ઉપરાંત શરદબાબુ, મૈત્રેયીદેવી,સુરેન્દ્રનાથ ગુપ્તા, અતુલચંદ્ર ગુપ્ત, દિલીપકુમાર રૉય, ચારુચંદ્ર ચક્રવર્તી, અબૂ સઈદ અય્યૂબ, લીલા મજુમદાર, સૌમ્યેન્દ્રનાથ જેવાઓની રચનાઓના પણ અનુવાદ તેમણે કર્યા છે. બાઈબલ, સમાજકારણ અને રાજકારણના અનેક સંદર્ભો સાથે 'ગાંધીજીનો અક્ષરદેહ’, કે મૂળ અંગ્રેજી પ્રતમાં પણ ભૂલો દૂરકરવા માટે જેનો સંદર્ભ લેવાયો હતો તેવી આચાર્ય કૃપલાણીની આત્મકથા ઉપરાંત 'પ્રિન્સિપલ્સ ઑફ લિટરરી ક્રિટિસિઝમ'નો 'સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો' કે 'જજમેન્ટ ઈન લિટરેચર'નો 'સાહિત્યનો વિવેક' જેવા અગ્રેજીમાંથી કરાયેલા અનુવાદો વિશ્વસ્તરના અનુવાદોમાં નોંધપાત્ર કક્ષાનાં સીમાચિહ્નો ગણી શકાય તેમ છે. આવા ૧૦૦ અનુવાદોતેમ જશિક્ષણ, વિવેચન, ચિંતન-વિચાર કે કિશોર-બાળ સાહિત્યનાં બીજાં દસેક પુસ્તકો ઉપરાંત કંઈ કેટલાંય સામયિકોમાં પડેલું તેમનું અનેકવિધ સાહિત્ય હજૂ અગ્રંથસ્થ છે ! આ તમામ પાસાં ઉપરાંત તેમના ઉમદા માનવીય પાસાંઓનો પરિચય આ લેખમાં મળી રહે છે..
જો હૈ બદનામ..વો હીતો નામવાલા હૈ ! - હિંદી ફિલ્મી વિલનોનાં નામની કહાની - સલિલ દલાલ
હિંદી ફિલ્મોના વિલનોનાં નામો પરનો લેખ ફિલ્મ ઇતિહાસમાં જેમને રસ હોય તેમને માટે એક સંદર્ભ બનીરહે તેટલો વિગતપ્રચૂરહોવા છતાં નામાવલીનો એક શુષ્કદસ્તાવેજ બની રહેવાને બદલે, ખરેખર, રસપ્રચૂર 'કહાની' બની રહેલ છે.
:):):) - કિરણ જોષી
સામાજિક માધ્યમો પર ગાંડાંતુર વહેતાં રહેતાં રમૂજકડાંઓમાંથી કિરણ જોષીએ ચાળીનેમૂકેલ નોંધો મજા પડી જાય તેવી છે. જેમ કે - 'સામાન્ય માણસોને તેમના જેવાજ બીજા સામાન્ય માણસો નડે છે: સત્તાધારીઓને તેઓ વિપક્ષમાં હતા ત્યારે પોતે જ કરેલી ટ્વીટ્સ નડે છે.' કે પછી,'આજકાલ લોકો ભગવાન કરતાં વધારે સેલફોનની બેટરી ઉતરી જાય એનાથી ડરે છે.'
મારી પ્રેમિકાઓ ! - દીપક સોલિયા

છઠ્ઠાં ધોરણમાં 'જો સમય ન હોય તો' જેવા "વકૃત્ત્વ" સ્પર્ધાના વિષય થકી સમયમીમાંસા સાથે થયેલ અચાનક પરિચય પછી, લગભગ દરેકનાં જીવનમાં બનતું જ હોય છે તેમ કાળક્રમે લેખકનાં જીવનમાં પણ વિજ્ઞાન, સાહિત્ય, પત્રકારત્વ, ફિલોસોફી જેવા વિષયો આવતા ગયા, જીવનની ઘટમાળની સાથે સાથે જીવનનીપ્રાથમિકતાઓ બદલતી ગઈ. એ દરેક વિષય સાથે ગાઢ પ્રેમ બંધાય બંધાય ત્યાં તો વિચ્છેદ પણ થતોગયો. કોલેજ કાળમાં આંણદ બસ સ્ટેન્ડપર સવારે સાડા નવથી સાંજના છેક છ વાગ્યે કચ્છ જતી બસ માટે રાહ જોવાનો એક પ્રસંગ બન્યો. એ પ્રસંગમાંથી મળ્યો એક 'મૌલિક વિચાર' - "રાહ જોવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે રાહ ન જોવી." રાહ જોવાથી રાહ જોવા બાબતે જે કંટાળો જન્મે છે તેનું નીવારણ રાહ જોવાની રાહ ન જોવામાં છે. એ સમયે થતી બીજી દરેક ઘટનાઓ વિષે વિચાર કરવાથી, તેઘટનાઓમાં રસ લેવાથી, રાહ જોવી એ એક સુખદ, ઉપયોગી (ક્યારેક અણધારી રીતે, ઉત્પાદક) પાઠ બની રહી શકે છે. બસ, એ અનુભૂતિને કારણે લેખક આજે પણ જીવનની વ્યાખ્યા 'આવો, જુઓ, જાવ'એવી કરે છે.જિંદગીના સિક્કાની એક બાજૂએ દુઃખ છે તો બીજી બાજૂએ પ્રસંગમાંથી પસાર થતી વખતે કોઈ પણ વિચાર ન થવાથી નીપજતું સુખની તેમ જબીજે પક્ષે વિચારમાંથી જ જન્મતું સુખ,એવીબે છાપ છે. ગાંડુંઘેલું, ચિત્રવિચિત્ર, ઉત્પાદક-બિનઉત્પાદક વિચારોમાં 'રાચવા'માં પણ સુખ છે, બશર્તે તેની સાથે સંબંધ પ્રેમનો હોય.

દીપક સોલિયાએ તેમના લેખમાં મૂકેલ ફિરાક ગોરખપુરીના શેર અને તેના સંદર્ભથી જલસો પાડી શકાય -
પાલ લો એક રોગ નાદાં ઝિંદગી કે વાસ્તે,
સિર્ફ સેહત કે સહારે ઝિંદગી કટતી નહીં.
'સાર્થક જલસો'નાં લખાણને તેમનાં કદથી નહીં, પણ "વાચકને શું ગમે છે એનો વિચાર બીજા ક્રમે રાખીને પાઠકને શું ગમાડવાની જરૂર છે"નામાપદંડની ગુણવત્તાથી માપવાની સંપાદકોની નેમ પણ હવે બહુ જ પ્રસ્થાપિત પ્રણાલીની કક્ષાએ પહોંચી ચૂકેલ છે. હવે,આ ખાસ પ્રકારના વાચનના ચાહક વર્ગ સુધી પહોંચવાની વિતરણ વ્યવસ્થાનો કોઠો પણ પ્રકાશકો નજદીકના ભવિષ્યમાં જ ભેદી શકે તેવી,પ્રકાશકો તેમ જ સંભાવિત દરેક પાઠકોને, શુભેચ્છા સાથે…..અંક ૭ની... રાહ જોઈએ .....
/\/\/\/\/\/\
 સાર્થક જલસોપ્રાપ્તિ સ્રોત:
  • બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ ।www.gujaratibookshelf.com), અથવા
  •  ઈ-પુસ્તક રૂપે ખરીદવા માટે - SaarthakJalso 6, અથવા
  • ઓનલાઈન મેળવવા માટેની વધારે વિગતો સાર્થક જલસો [SaarthakJalso]પર જોઈ શકાય છે.

No comments: