Sunday, October 8, 2017

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૬ - સ્ત્રી સ્વરનાં સૉલો ગીતનું યુગલ કે કોરસ વર્ઝન [૨]


ગયે મહિને આપણે સ્ત્રી સૉલો ગીતનાં યુગલ કે સમૂહ ગીત વર્ઝન તરીકે રજૂ થયેલ કેટલાંક ગીતો સાંભળ્યાં હતા.

એ ગીતો જે વર્ષોનાં હતાં એ વર્ષોમાંનું એક ગીત એ સમયે મારા ધ્યાનબહાર રહી ગયું હતું. એટલે એ ગીતને યાદ કરીને પછી આપણી સફર આગળ ચલાવીશું -

ધરતી કો આકાશ પૂકારે આ જા આ જા પ્રેમ દ્વારે - મેલા (૧૯૪૮) – સંગીતકાર: નૌશાદ – ગીતકાર: શકીલ બદાયુની

સૉલો ગીત શમશાદ બેગમના સ્વરમાં છે -

જ્યારે યુગલ ગીતમાં મૂકેશ સાથ આપે છે.

ચંદા લોરીયાં સુનાએ /\ રાતને ગેસૂ બીખરાયે

દેખીતી રીતે આ બન્ને ગીતોમાં કોઈ સામ્ય નથી. થોડાંક ઊંડાં ઉતરીશું તો બન્નેને જોડતી કડી રૂપે મળશે બન્ને ગીતોની રચનાના પાયામાં રહેલી ધૂન. ગુજરાતના ગરબાની એક ધૂન પર બન્ને ગીતો અધારિત છે.

'ચંદા લોરીયાં સુનાએ હવા ઝૂલના ઝૂલાએ રાની નિંદીયા સુલાએ મેરે લાલ કો' એ ફિલ્મ નયા સંસાર (૧૯૫૯) માટે ચિત્રગુપ્તે પ્રયોજેલ હાલરડું છે.

'રાતને ગેસૂ બીખરાએ, મેરા દિલ મુઝકો તડપાએ કિસને છીના હૈ બોલો મેરે ચાંદકો' એ અજિત મર્ચંટે પ્રયોજેલ સપેરા (૧૯૬૨) માટેનું મન્ના ડે- સુમન કલ્યાણપુરના સ્વરમાં ગવાયેલું ઈન્દીવરે લખેલું એક પરંપરાગત રોમેન્ટીક યુગલ ગીત છે.
એક જ ધૂનની કેવા અલગ ભાવ રજૂ કરવા માટે કેટલી અભિનવ રજૂઆત આ બન્ને ગીતોમાં જોવા મળે છે.

મૈં તૂમ્હી સે પૂછતી હું મૂઝે તુમસે પ્યાર ક્યોં હૈ, કભી તુમ દગા ન દોગે મૂઝે ઐતબાર કયૂં હૈ - બ્લૅક કૅટ (૧૯૫૯) – સંગીતકાર: એન દત્તા – ગીતકાર: જાં નિસ્સાર અખ્તર

રેકોર્ડ પર અંકાયેલું ગીત તો એક - યુગલ - ગીત જ છે. તેમાં પણ લતા મંગેશકરે ઉપાડેલ સાખીના શબ્દો 'કોઈ ઈક઼રાર કરે યા કોઈ ઇન્કાર કરે,તૂમસે એક બાર કોઈ નિગાહેં ચાર કરે'ના પ્રતિભાવ રૂપે મોહમ્મદ રફીના ભાગે તો 'તૂમ હસીં હો, તુમ્હેં સબ દિલમેં જગાહ દેતે હૈં, હમમેં ક્યા બાત હૈ જો હમસે કોઈ પ્યાર કરે' એક બહુ જ લાજવાબ ટૂકડો જ ગાવાનું આવ્યું છે. પણ ગીતના બોલ, રચના, અંતરાનાં સંગીતની વાદ્યસજ્જા અને લતા મંગેશકરની ગાયકી જેવાં દરેક અંગમાં ગીત ખૂબ નીખરે છે.

ફિલ્મમાં પછીથી નાયિકાની નાની બહેન નાયિકાની ઉદાસી દૂર કરવા પિયાનો પર આ ‘તુમ્હીં સામને હો મેરે’ એ અંતરાની પંક્તિઓ અને ગીતનો મુખડો ગાય છે, જે લતા મંગેશકરના સ્વરમાં છે.

અભી ન જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં /\ જહામેં ઐસા કૌન હૈ કે જિસકો ગ઼મ મિલા નહીં - હમ દોનો (૧૯૬૧) - સંગીતકાર જયદેવ - ગીતકાર સાહિર લુધ્યાનવી

મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં ગવાયેલું યુગલ ગીત, પ્રેમી યુગલને મિલનની ઘડીઓ હંમેશાં કેટલી ટૂંકી લાગતી હોય છે તેનું સાહિરે કરેલું ખૂબ રોમેન્ટિક સંવાદ નિરૂપણ છે.

ફિલ્મમાં બન્ને પ્રેમીઓને અલગ થવાના સંજોગો આવે છે, ત્યારે આશા ભોસલેના સ્વરમાં ગવાયેલ સૉલો દ્વારા નાયિકા નાયકનાં મનોબળને સંવારે છે.

મૈં ખુશનસીબ હું મુઝકો કીસીકા પ્યાર મિલા - ટાવર હાઉસ (૧૯૬૨) - સંગીતકાર: રવિ - ગીતકાર અસદ ભોપાલી

પાર્ટીમાં હીરો પિયાનો પર આંગળી ફેરવતો હોય, સામે હીરોઈન મંદ મંદ મુસ્કાનથી શરમાતી હોય એ સીચુએશન પર હિંદી ફિલ્મોમાં ઉત્તમ યુગલ ગીતો પણ બન્યાં છે અને સૉલો ગીતો પણ. પ્રસ્તુત ગીતમાં મુકેશના સ્વરને લતા મંગેશકરનો સાથ મળ્યો છે, અને હવે એ ઈઝહારને કારણે શરમથી મુસ્કરાઈ ઉઠવાનો વારો હીરોનો છે.

બીજાં વર્ઝનમાં નાયક ચશ્માંધારી આધેડવયનો બતાવાયો છે, તેની પડખે હવે કોઈ અન્ય સ્ત્રી પાત્ર છે અને તેમ છતાં નાયિકા ચહેરા પર મુસ્કરાહટ સાથે ગીતનો મુખડો ગાય છે અને તેની સાથે યુગલ ગીતમાં નાયકે ગાયેલ અંતરો 'કિસીને પૂરે કિયે આજ પ્યારકે વાદે' ગાઈને કશું યાદ કરાવડાવતી હોય તેવું જણાય છે.

ન તુમ હમેં જાનો ન હમ તુમ્હેં જાને મગર લગતા હૈ કુછ ઐસા મેરા હમદમ મિલ ગયા - બાત એક રાતકી (૧૯૬૨) – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

હેમંતકુમારના સ્વરનો દેવ આનંદ માટે એસ ડી બર્મને અદ્‍ભૂત પ્રયોગ કર્યો હોય તેવાં આ છેલ્લાં ગીત તરીકે ગીતના પહેલા અંતરામાં સુમન કલ્યાણપુર આલાપ દ્વારા જોડાય છે,અને ગીતના અંતમાં હેમતકુમારની સથે અંતિમ પંક્તિ ગાવામાં જોડાય છે. મોટા ભાગે આ વર્ઝન હેમંત કુમારનાં સૉલો તરીકે યાદ કરાતું હોય છે.

સુમન કલ્યાણપુરના સ્વરનું સૉલો વર્ઝન તો નાયિકાના ભૂતકાળની એક એવી યાદ છે જે 'બાત એક રાતકી'નાં રહસ્ય જોડે સંકળાયેલી છે.

બોલ મેરી તક઼દીર મૈં ક્યા હૈ મેરે હમસફર મુઝકો બતા જીવન કે દો પહલૂં હૈ હરિયાલી ઔર રાસ્તા - હરિયાલી ઔર રાસ્તા (૧૯૬૨) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

ગીતનાં બન્ને વર્ઝન શંકર જયકિશનની ગીત રચનામાં પ્રલંબ પૂર્વાલાપ, વાદ્ય રચનામાં પિયાનો એકોર્ડીયનનો પ્રમુખ ઉપયોગ અને તેના સંગાથમાં ફ્લ્યુટના ટુકડા અને સમૂહ વાયોલિનના પ્રયોગ જેવી આગવી શૈલીનો એક સ-રસ નમૂનો છે.યુગલ ગીત લતા મંગેશકર અને મૂકેશના સ્વરમાં ગવયેલું પરિણયના આનંદના રોમાંસનું યુગલ ગીત છે.
લતા મંગેશકરનું કરૂણ વર્ઝન ધીમી લયમાં રજૂ થયું છે, પણ શંકર જયકિશનની વાદ્યસજ્જાની આગવી છાંટ તો એમાં પણ સ્પષ્ટ જોવા મળે છે.

ફિલ્મનાં શીર્ષક પરથી ગીત લખવામાં શૈલેન્દ્ર માહેર ગણાતા હતા.આ ફિલ્મ માટે તો એક આગવું શીર્ષક ગીત શંકર જયકિશને ગીતનાં ટાઈટલ્સમાં તેમની વધુ એક આગવી શૈલી અનુસાર અનુપમ વાદ્યસજ્જા સાથે રજૂ કર્યું હતું. જોકે એ ગીતના શબ્દો હસરત જયપૂરીએ લખ્યા હતા
મૂઝે ગલે લગા લો બહુ ઉદાસ હૂં મૈં - આજ ઔર કલ (૧૯૬૩) – સંગીતકાર: રવિ – ગીતકાર: સાહિર લુધ્યાનવી

આશા ભોસલેના સ્વરનું સૉલો ગીત તેમણે ગાયેલાં સંવેદનાસભર ગીતો પૈકી શ્રેષ્ઠ ગીતોની હરોળમાં આવી શકે તે કક્ષાનું ગીત છે.

મોહમ્મદ રફી સાથેનાં યુગલ ગીતમાં નાયકના નાયિકાને સકારાત્મક આશાવાદ સાથે પ્રેરણા આપવાના ભાવને વ્યક્ત કરે છે.

રહે ના રહે હમ મહેકા કરેંગે બનકે કલી બનકે સબા બાગ-એ-વફામેં - મમતા (૧૯૬૬) - સંગીતકાર રોશન - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

લતા મંગેશકરના સ્વરમાં રચેલું સૉલો ગીત રોશનનાં તેમ જ લતા મંગેશકરનાં સદા કાળ શ્રેષ્ઠ ગીતોમાં ગણાતું રહ્યું છે,

વર્ષો પછી, એ જ ગીત નાયિકાની દીકરી તેમના પ્રિયતમ સાથે ગાય છે. આ યુગલ ગીત સુમન કલ્યાણપુર અને મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ છે.

આડવાતઃ

રોશને આ જ ધૂન આ પહેલાં ૧૯૫૪ની 'ચાદની ચોક' નામની બહુ ઓછી જાણીતી કહી શકાય એવી ફિલ્મનાં ગીત તેરા દિલ કહાં હૈમાં પણ પ્રયોજી હતી.એ સમયે આ ધૂનની પૂરી ખૂબી બહાર લાવવાનો રોશનનો આશય બર નહીં થયો હોય એટલે એમણે 'મમતા'માં આ ધૂનને નવાં સ્વરૂપે રજૂ કરી હશે?

જાણકારોના મત મુજબ આ ધૂનની પ્રેરણા એસ ડી બર્મનનાં 'નૌજવાન' (૧૯૫૧)નાં ગીત ઠંડી હવાયેં લહરા કે આયેમાં જોવા મળે છે. એસ ડી બર્મને એક વાર કહ્યું હતું કે તેમણે આ ધૂન એક વાર એક હૉટેલમાં ચાલી રહેલ સંગીતના કાર્યક્રમમાં પિયાનો પર સાંભળી હતી.

એસ ડી બર્મનના પુત્ર આર ડી બર્મને પણ આ ધૂનમાંથી પ્રેરાઈને 'સાગર' (૧૯૮૫ )નાં ગીત સાગર કિનારે દિલ યે પુકારેની રચના કરી હતી.
આજ કલ મેં ઢલ ગયા દિન હુઆ તમામ તૂ ભી સોજા સો ગયી રંગભરી શામ- બેટી બેટે (૧૯૬૪) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

લતા મંગેશકરના સ્વરનું સૉલો ગીત ફિલ્મમાં નાની એવી મોટી બેનના સ્વરમાં તેનાં ઘોડીયાંભર ભાઈ માટે હાલરડું છે. જો કે શંકર જયકિશને ગીતની વાદ્ય સજજા તેમની આગવી શૈલીમાં કરીને ગીતને એક જૂદી આભા આપી છે.

ભાઈ બહેનના મનમાં ગીત કોરાઈ ગયું છે, એટલે મોટાં થઈ ગયાં પછી પણ પોતાનાં બાળકને સૂવરવાતી વખતે આ ગીત નાયિકા અને નાયક અલગ અલગરીતે યુગલ ગીતના અંદાજમાં ગીતને દોહરાવતાં રહે છે. યુગલ ગીતમાં લતા મંગેશકર સાથે મોહમ્મદ રફી છે.

હમ દિલકા કંવલ દેંગે ઉસકો હોગા કોઈ એક હજારોંમેં - ઝિંદગી (૧૯૬૪)- સંગીતકાર શંકર જયકિશન ગીતકાર: શૈલેન્દ્ર

રેકોર્ડ ઉપર તો આ ગીત માત્ર લતા મંગેશકરનાં સૉલો ગીત તરીકે જ પ્રકાશિત થયું હતું.

પરંતુ ફિલ્મમાં રાજકુમાર વૈજયંતિમાલાને તેમની સહનર્તકીઓને નૃત્યગીતનું રીહર્સલ કરાવે છે, એ ટૂકડો મન્ના ડે એ ગાયો છે-
આડવાતઃ

આવાં બીજાં પણ ગીતો છે જે રેકોર્ડ પર તો સૉલો ગીત તરીકે જ દસ્તાવેજ થયાં છે, પણ ફિલ્મમાં મુખ્ય ગાયક ઉપરાંત કોઈ અન્ય ગાયકે પણ તેમાં યુગ સૂર પૂરાવ્યો હોય, જેમ કે યે મેરા પ્રેમપત્ર પઢકર કે તુમ નારાઝ ના હોના ગણાય છે તો રફીના સ્વરનું સૉલો ગીત, પણ ફિલ્મમાં લતા મંગેશકર પણ સાથ પૂરાવે છે.

ઝિંદગી ઇત્તફાક઼ હૈ કલ ભી ઈત્તફાક઼ થી આજભી ઈત્તફાક઼ હૈ - આદમી ઔર ઈન્સાન (૧૯૬૯) સંગીતકાર રવિ - ગીતકાર સાહિર લુધ્યાનવી

આશા ભોસલેના સ્વરનું સૉલો ગીત ક્લબના નૂત્ય મંચ પર ગવાતું એક બહુ ટિપીકલ નશીલું - કેબ્રે- ગીત છે.

આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં રેકોર્ડ થયેલ યુગલ ગીત પણ હિંદી ફિલ્મોની બહુધા વપરાતી સીચ્યુએશન - પાર્ટીમાં ગવાતું ગીત – છે.

વર્ઝન ગીતોના આ પ્રકારમાં હજૂ બીજાં પણ ગીતો હશે જે ક્યાં તો મને ખબર જ નથી, અથવા તો હાલ પૂરતાં યાદ નથી આવ્યાં. જો કે આપણો આશય પણ બધાં ગીતોને દસ્તાવેજ કરવાનો છે પણ નહીં.
તમને જો કોઈ ગીત ધ્યાનમાં આવ્યું હોય તો જરૂરથી અહીં જણાવશો.
હવે પછીના અંકમાં આ શ્રેણીની સફર આગળ ધપશે ‘પુરુષ / સ્ત્રી સ્વરનાં સૉલો / યુગલ કે કોરસ ગીતના ત્રણ કે વધારે વર્ઝન’ના મણકાનાં સ્વરૂપે.

No comments: