Saturday, June 4, 2016

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૩)



આપણે ૧૬-૪-૨૦૧૬ના મણકામાં આપણે પ્રસ્તુત વિષયનો પરિચય કર્યો હતો. તે પછી -૫-૨૦૧૬ના અંકમાં આપણે આપણી સફરને આગળ ધપાવી હતી.
આ બે અંકનાં અનુસંધાનમાં આજનાં ગીતો આપણને શ્રી હરીશ રઘુવંશીએ ખાસ પસંદ કરીને મોકલ્યાં છે. હરીશભાઈના ફિલ્મ સંગીત પ્રત્યેના શોખ અને જ્ઞાનનો લાભ આપણને 'ઈન્હેં ના ભૂલાના' શ્રેણી દ્વારા આપણને મળી જ રહ્યો છે. આપ સૌને એ તો વિદિત હશે કે હરીશભાઈએ મુકેશનાં ગીતોને એક સંપૂર્ણ ગીતકોશ તો છેક ૧૯૮૫માં સંપાદિત કરેલ છે.
તો ચાલો, આજે આપણે હરીશભાઈ રઘુવંશીની પસંદના મુકેશનાં ગીતોને પર્દા પર રજૂ કરતાં અજાણ કળાકારો સાથેની સફર આગળ  ધપાવીએ

મૈં જાનતી હૂં, તુમ જૂઠ બોલતે હો - મેમ દીદી (૧૯૬૧) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: શૈલેન્દ્ર

ગીતમાં જ્યારે જ્યારે પણ મુકેશના સ્વરમાં 'મૈં સચ બોલત હું" કહેવાય છે ત્યારે "સચ્ચ' પર કેટલો ચોક્કસ ભાર મૂકાયો છે તે ધ્યાન પર આવ્યું? પર્દા પર ગીતને રજૂ કરનાર કળાકારોમાં અભિનેત્રી તો તનુજા છે એમ લગભગ બધાંને ખ્યાલ આવી જ ગયો હશે ! અભિનેતા કોણ છે? આગળ જતાં અંતરામાં બીજા બે કળાકારો પણ ગીત વિષે પોતાના મત નોંધાવે છે... જો કે એ કળાકારોને પણ આપણે ઓળખીયે તો છીએ જ...


હમ તુમ યે ખોયી રાહેં ચંચલ ઈશારોંસે બુલાયે, આ જા આ જા મૌસમ હૈ પ્યાર કા -રંગોલી (૧૯૬૨) – - લતા મંગેશકર સાથે  - સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: શૈલેન્દ્ર

ફિલ્મમાં મુખ્ય અભિનય તો કિશોર કુમાર અને વૈજયંતિમાલાને નામે છે. વાર્તાના ભાગ રૂપે આ ગીત બે અજાણ કળાકારોને ફાળે આવી ગયું છે.

પહેલે સે ક્યું હાં ન કી બોલો મેરી જાં - દારા સિંગ (૧૯૬૪)- સુમનકલ્યાણપુર સાથે - સંગીતકાર હંસરાજ બહલ

૧૯૫૪ની આસપાસ દારા સિંગને હીરો તરીકે લઈને બહુ બધી ફિલ્મો બની. તેમાંની ઘણી ફિલ્મોમાં આ ગીતને પર્દા પર રજૂ કરનાર અભિનેત્રી મુખ્ય નાયિકા પણ રહી હતી. જેની કારકીર્દીને તો જો કે આનાથી આગળ બહુ તક ન મળી, પણ એવી બીજી અભિનેત્રી હતી જેને દારા સિંગ સાથેની ફિલ્મોની ભૂમિકાઓએ આગળ જતાં બહુ સફળ કારકીર્દીના દરવાજા ખોલી આપ્યા. હા, એ અભિનેત્રી હતી - મુમતાઝ


ઈતના હુસ્ન પે હુજ઼ૂર ના ગુરૂર કીજિયે, દિલ પે મારોંકા ખયાલ કુછ જુરૂર કીજિયે - મોહબ્બત ઈસકો કહતે હૈં (૧૯૬૫) - મુકેશ – સંગીતકાર: ખય્યામ ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ગામડાંની 'ગોરી" (ટુન ટુન)ને જોઈને કોઈ છેલ છબીલો લાઈન મારવા લાગી જાય ત્યારે 'પ્યાર કિયા નહીં જાતા હો જાતા હૈ'નો ખરો અર્થ સમજાય?


સપનોંમેં મેરે કોઈ આયે જાય, ઝલકી દિખાયે ઔર છૂપ જાયે - પૂનમકી રાત (૧૯૬૫) - લતા મંગેશકર અને ઉષા મંગેશકર સાથે - સંગીતકાર સલીલ ચૌધરી ગીતકાર શૈલેન્દ્ર

મુખડામાં મુકેશની પંક્તિ પછી જે સ્ત્રી ગાયિકાઓના સ્વરમાં પંક્તિ છે તેમાં સ્પષ્ટ પણે બે ગાયિકાઓના અવાજ તો સાંભળવા મળે જ છે, જ્યારે દૄશ્યમાં તો એક જ અભિનેત્રી દેખાય છે.. આપણને એમ થાય કે સલિલ ચૌધરીએ તેમનો કોઈ અનોખો પ્રયોગ કર્યો કે શું? પણ અંતરા સુધી પહોંચતાં બીજી અભિનેત્રી પણ હવે જોવા મળે છે અને તેથી બે ગાયિકાઓનો સ્વરને કેમ વાપરવામાં આવ્યા તે સમજાઈ જાય છે.. 

ઝિંદગી હૈ ક્યા ...બોલો ઝિંદગી હૈ ક્યા - સત્યકામ (૧૯૬૯) - કિશોર કુમાર, મહેન્દ્ર કપુર અને સાથીઓ સાથે – સંગીતકાર : લક્ષ્મીકાંત પ્યારેલાલ ગીતકાર: કૈફી આઝમી

કૉલેજનું ભણવાનું પૂરું થયા પછી જીવનના માર્ગ પર નીકળી પડતાં પહેલાં યુવાનો પિકનિક પર જવાની મજા માણી લે છે અને સાથે પોતપોતાની જીવન પ્રત્યેની દૃષ્ટિ પણ આપણને કહી જાય છે.


મેરી તમન્નાઓંકી તક઼દીર તુમ સંવાર દો, પ્યાસી હૈ જ઼િદગી ઔર ઉસે પ્યાર દો - હોલી આયી રે (૧૯૭૦) - મુકેશ – સંગીતકાર : કલ્યાણજી આણંદજી ગીતકાર: ઈન્દીવર

ફિલ્મોમાં એક બહુ જ સફળ કળાકાર સામે બીજા નવોદીતને મૂકવાના પરયોગ નવી વાત નથી. કેટલાક પ્રયોગો એટલા સફળ થયા કે આગળ જતાં એ નવોદીત કળાકાર એક પ્રસ્થાપિત સીતારારૂપે પણ પોતાની આગવી કારકીર્દી બનાવી ગયાં. તો બહુ બધા કિસ્સા એવા પણ થયા જેમાં એ નવોદિત કળાકાર ક્યાંક ગુમ જ થઈ ગયાં...

ચલ ચલ બહતી ધારા... માઝી નૈયા ઢૂંઢે કિનારા, કિસી ન કિસીકો ખોજતા હૈ યે જગ સારા - ઉપહાર(૧૯૭૧) – સંગીતકાર: લક્ષ્મી કાંત પ્યારેલાલ ગીતકાર: આનંદ બક્ષી

બંગાળી સમાજની પ્રૂષ્ઠભૂમિ પર ફિલ્માયેલ આ ફિલ્મ સમયે જયા ભાદુરી ખુદ એક નવું જ નામ હતાં. ફિલ્મમાં નાયક બંગાળના અભિનેતા સ્વરૂપ દત્ત છે. ૧૯૭૦ના દાયકામાં મુખ્ય વાણિજ્યિક ધારામાંથી જ અળગી જગ્યા બનાવીને કળાત્મક ફિલ્મો બનાવવાના બહુ જ આગવા પ્રયોગો થયા હતા. એ ફિલ્મોમાં રજૂ થયેલાં કળાકારોની એક આગવી પહેચાન થઈ, જેને કારણે એમની કારકીર્દી દરમિયાન કેટલાંય બહુ જ દર્શનીય ફિલ્મો બનતી રહી.

હાલ ચાલ ઠીક ઠાક હૈ, સબ કુછ ઠીક ઠાક હૈ - મેરે અપને (૧૯૭૧) - કિશોર કુમાર અને સાથીઓ સાથે - સંગીતકાર સલીલ ચૌધરી ગીતકાર ગુલઝાર

૧૯૬૦ના દાયકાના અંતમાં શિક્ષિત યુવાનોને અર્થપૂર્ણ રોજગાર ન મળવાને કારણે પેદા થતી નિરાશામાંથી જન્મતાં સામાજિક વમળોની વાતને ગુલઝારે બહુ જ સંવેદનશીલ શૈલીમાં રજૂ કરી છે. પ્રસ્તુત ગીત આ યુવાન બેકારોનાં દિલની જુબાનને વાચા આપે છે.   

ઈન્સાન હસે યા રોયે જો હોના હૈ વોહ હોકે રહેગા..કહાની કિસ્મત કી - કહાની કિસ્મત કી (૧૯૭૩) – સંગીતકાર: કલ્યાણજી આણંદજી ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

આપણી ફિલ્મોમાં ફિલ્મનાં ટાઈટલ્સમાં જ ગીત મૂકવાની એક આગવી પ્રથા છે. કોઈ વાર આવાં ગીત માત્ર બેકગ્રાઉન્ડમાં જ સાંભળવા મળે કે કોઈ વાર પ્રસ્તુત ગીતની જેમ તેને પર્દા પર ભજવવામાં પણ આવે. ત્રીજો એક પ્રકાર છે કોઈ એક શીર્ષગીતને માત્ર વાદ્યસજ્જામાં જ મૂકવું. આ ત્રણે પ્રકાર અલગ અલગ વિષય  તરીકે ખેડાયા છે. આપણે તેની વાત ક્યારેક અલગથી કરીશું.


આ ઉપરાંત હવે પછી જે ગીતો છે તેની દૃશ્ય ક્લિપ અપલોડ નથી થઇ તેથી એ ગીતના અજાણ કળાકારને આપણે હજૂ પણ જોઈ શકતાં નથી. હા, ગીત જ થોડાં ઓછાં જાણીતાં હોવા છતાં સાંભળવાં બહુ જ ગમે તેવાં છે....

ડાલેંગે રંગ ડાલેંગે, અપના તુમ્હેં બનાયેંગે - મેરા દોસ્ત (૧૯૬૯)સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ ગીતકાર : આનંદ બક્ષી - પર્દા પર કળાકાર: એ. રાજન



દિલને તો દિયા - બેદર્દી (૧૯૫૧) - સંગીતકાર: રોશન - ગીતકાર : કિદાર શર્મા - પર્દા પર કળાકાર: જશવંત


આજ પૂરતો અહીં વિરામ લેતાં પહેલાં, ૬-૫-૨૦૧૬ના મણકામાં રજૂ થયેલ ગીતોમાના જે કળાકારોને ઓળખી શકાયા છે તે આ મુજબ છે-


હવે પછીના અંકમાં બહુ જાણીતાં / ઓછાં જાણીતાં ગીતોના સાવ જ અજાણ બની રહેલ કળાકરો સાથેની સફર ચાલુ રાખીશું.

No comments: