Saturday, October 3, 2015

સચિન દેવ બર્મનનાં મોહમ્મદ રફી - ગીતા દત્તનાં યુગલ ગીતો

સચિન દેવ બર્મન અને મોહમ્મદ રફી - યુગલ ગીતો
સચિન દેવ બર્મન એક સંગીતકારનાં રૂપમાં જેટલી સ્વાભાવિકતાથી કરૂણ કે ગંભીર ભાવનાં ગીતો બનાવી શકતા એટલી જ સ્વાભાવિકતાથી હળવાં, ચટપટાં અને રૉમેન્ટીક ગીતો પણ સર્જતા રહ્યા છે. તેમની શૈલીની આ બાજૂની બહુ જ નોંધપાત્ર ઝલક આપણને જોવા મળે છે તેમનાં યુગલ ગીતોમાં. તેમની સમગ્ર કારકીર્દી દરમ્યાન તેમણે પુરુષ ગાયકોનાં, બધું મળીને ૩૪૦ જેટલાં ગીતો રચ્યાં, જેમાંથી પુરુષ-સ્ત્રી યુગલ ગીતોની સંખ્યા ૧૩૧ જેટલી છે, પુરુષ-પુરુષ યુગલ ગીતોની સંખ્યા ૨૨ જેટલી છે. આમ તેમનાં યુગલ ગીતો અને પુરુષ સૉલો ગીતો -(૧૬૯ ગીતો- નો હિસ્સો લગભગ બરાબરનો જ રહ્યો છે એમ કહી શકાય. સચિન દેવ બર્મનનાં સ્ત્રી ગાયકોના સૉલો ગીતોના દૃષ્ટિકોણથી પુરુષ-સ્ત્રી યુગલ ગીતોની સંખ્યા (અને ગીતોના મૂડ તેમ જ ધૂન) પ્રમાણમાં અલગ ચિત્ર રજૂ કરે છે. પણ તેની વાત કોઈ યોગ્ય સમયે.

જે પુરુષ ગાયકો સાથે સૌથી તેમણે વધારે કામ કર્યું તેવા કિશોર કુમાર અને મોહમ્મદ રફી એમ બંને ગાયકો સાથે મળીને કુલ ૨૦૫ જેટલાં ગીતોની રચના કરી, જેમાં પણ પુરુષ -સ્ત્રી યુગલ ગીતો (૮૯) અને પુરુષ-પુરુષ યુગલ ગીતો (૧૧) મળીને યુગલ ગીતો અને સૉલો ગીતોનું પ્રમાણ લગભગ સરખું જ રહ્યું છે.

મોહમ્મદ રફી સાથે તેમણે કુલ્લ ૯૦ ગીતો રચ્યાં, જેમાંથી મોહમ્મદ રફીનાં ૪૫ સૉલો ગીતોની સરખામણીમાં પુરુષ-સ્ત્રી યુગલ ગીતો ૩૮ અને પુરુષ-પુરુષ યુગલ ગીતો ૩ અને ત્રિપુટી કે ત્રિપુટી + કે સમૂહ ગીતો જેવાં અન્ય ગીતો ૪ રચાયાં છે.

સચિન દેવ બર્મન - મોહમ્મદ રફીનાં પુરુષ-સ્ત્રી યુગલ ગીતોની આપણે પણ ચર્ચા ગીતા દત્ત, લતા મંગેશકર અને આશા ભોસલે એ ત્રણ ગાયિકાને કેન્દ્રમાં રાખીને કરીશું. આ ઉપરાંત ૧ ગીત ‘ મિયાં બીબી રાઝી’ (૧૯૬૦) માટે મોહમ્મદ રફી-કમલા સીસ્તના, અને ૧ ગીત 'બેનઝીર' (૧૯૬૪)માટે મોહમ્મદ રફી-સુમન કલ્યાણપુરના, યુગલ સ્વરોમાં રેકોર્ડ થયું છે. તો, તેમની ફિલ્મ 'સઝા'નું શમશાદ બેગમ સાથેનું રજૂ ન થયેલ એક યુગલ ગીત કોઈ રેકોર્ડ પર નથી લેવાયું.

સચિન દેવ બર્મનનાં સંગીત વિશ્વમાં ગીતા દત્તનો પ્રવેશ સહુથી પહેલો થયેલો જોવા માળે છે. ૧૯૪૭માં 'દો ભાઈ'માં તો સચિન દેવ બર્મન અને ગીતા દત્ત વાણિજ્યિક સફળતાનાં કિર્તિમાન પણ સ્થાપી ચૂક્યાં હતાં. પણ સચિન દેવ બર્મનનું મોહમ્મદ રફી સાથે ગીતા દત્તનું ‘ નૌજવાન’ (૧૯૫૧) માં તેમ જ મોહમ્મદ રફી સાથે લતા મંગેશકરસાથેનું પહેલું યુગલ ગીત 'એક નઝર' ( ૧૯૫૧)માં રજૂ થયેલ જોવા મળે છે. જ્યારે મોહમ્મદ રફી અને આશા ભોસલેનું પહેલું યુગલ ગીત તો છેક ૧૯૫૭માં ‘નૌ દો ગ્યારહ’માં સાંભળવા મળે છે.

સચિન દેવ બર્મનનાં મોહમ્મદ રફી - ગીતા દત્તનાં યુગલ ગીતો

ઝરા ઝૂમલે...ઝૂમલે...જવાની કા જમાના પનઘટ પે દેખો આયી મિલનકી બેલા - નૌજવાન (૧૯૫૧) - પર્દા પર કલાકારો : મુખ્યત્ત્વે કમલ મેહરા, જ્યોત્સના કાત્જૂ , નલિની જયંવત, પ્રેમનાથ અને અન્ય સાથી કલાકારો| ગીતકાર : સાહિર લુધ્યાનવી

સચિન દેવ બર્મનનું મોહમ્મદ રફી અને ગીતા દત્તનું સૌથી પહેલું યુગલ ગીત

પનઘટ પે દેખો આયી મિલનકી બેલા - નૌજવાન (૧૯૫૧) - પર્દા પર કલાકારો : નલીની જયવંત, પ્રેમનાથ, અને અન્ય સાથી કલાકારો | ગીતકાર : સાહિર લુધ્યાનવી

લગ ગયી અખિયાં તોસે મોરી - જીવન જ્યોતિ (૧૯૫૩) - પર્દા પર કલાકારો: શમ્મી કપુર, ચાંદ ઉસ્માની, શશીકલા અને અન્ય સાથી કલાકારો - ગીતકાર સાહિર લુધ્યાનવી

આ ત્રણે ગીતોમાં લોકગીતોની ધૂનોનો બહુ જ સહજતાથી પ્રયોગ કરાયો છે. વળી ગીતોના ભાવમાં મુખ્ય પાત્રોના માનસિક પ્રવેશનો પ્રયોગ પણ આ ત્રણેય ગીતોમાં કરાયો છે.

રહેમ કભી તો ફરમાઓ માનો મેરી લૈલા - સોસાયટી (૧૯૫૫)- પર્દા પર કલાકારો : જોહ્ની વૉકર. તેમની સાથેની નાયિકાની ઓળખાણ વિષે અવઢવ છે. - ગીતકાર સાહિર લુધ્યાનવી

હમ આપકી આંખોંમેં ઈસ દિલકો બસા લે તો, હમ મુંદકે પલકોંકો ઈસ દિલકો ગીરા દે તો - પ્યાસા (૧૯૫૭) - પર્દા પર કલાકારો : ગુરુ દત્ત, માલા સિંહા - ગીતકાર સાહિર લુધ્યાનવી

પ્રેમી'બિચારો' બનીને 'ગરૂરમય ઠસ્સાદાર' પ્રેમિકાને મનાવી લેવા 'આકાશ પાતાળ એક કરતો હોય', અને વળી બંને જણાંને એ પળો ખુબ જ ગમતી હોય એવી પરિસ્થિતિઓ હિંદી ફિલ્મોમાં તો અવનવી રીતે સજાવવામાં અને રજૂ કરવામાં આવતી રહી જ છે. પ્રસ્તુત ગીતનાં દરેક અંગની ખૂબી તેમાં માધુર્ય છલાકવી દઈને આ યાદને ચિરસ્મરણીય બનાવી મૂકે છે.

હો લાખ મુસીબત - પ્યાસા (૧૯૫૭) - પર્દા પર કલાકારો ગુરૂ દત્ત, માલા સિંહા

કૉલેજિયન યુવાનો અને યુવતી પિકનીક પર નીકળી પડ્યાં છે...

ફિલ્મમાંથી આ ગીત પડતું મુકાયું હતું.

ચુપકે સે મિલે પ્યાસે પ્યાસે કુછ હમ કુછ તુમ - મંઝિલ (૧૯૬૦) - પર્દા પર કલાકારો દેવ આનંદ, નુતન- ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

ફરી એક અનોખો પ્રયોગ.. જાણે બહુ ખાનગીમાં કહેતી હોય તેવા ધીમા, અંતરંગ અવાજમાં મુખડાની શરૂઆત .. અને પછી મિલનની પરિતૃતિને સહેલાવતું મધુર સ્વરમાં ફેલાતું સંગીત....ગાયકોના સ્વર અને વાદ્યોના સૂરને નવા જ આયામ વડે મદહોશ વાતાવરણ ખડું કરતી એક અનોખી રચના

બતાઓ ક્યા કરૂંગી મૈં, જો ગ઼મકી રાત આ ગયી - એક કે બાદ એક (૧૯૬૦) - પર્દા પર કલાકારો ગીતકાર કૈફી આઝમી

રિમ ઝિમ કે તરાને લે કર આયી બરસાત, યાદ આયે વો કિસીસે મુલાક઼ાત - કાલા બાઝાર (૧૯૬૦) - પર્દા પર કલાકારો : દેવ આનંદ, વહીદા રહેમાન - ગીતકાર : શૈલેન્દ્ર

વરસતા વરસાદની મજાનો આસ્વાદ કેમ માણવો તેની બારાખડી કોઈ પણ વયનાં બે પ્રેમીજનોને શીખવાડવા માટેનું ગીત.
આડવાત:

શૈલેન્દ્રને 'બરસાત' માટે એક ખાસ લાગણી હોય તે તો સમજી શકાય, પણ એ કવિ હૃદયને 'રિમઝિમ' માટે પણ એવી ચાહત હતી કે તેમણે પોતાના બંગલાનું નામ પણ 'રિમઝિમ' જ પાડ્યું હતું.
તુને લે લિયા દિલ અબ ક્યા હોગા - મિયાં બીબી રાજી (૧૯૬૦)- પર્દા પર કલાકારો: મહેમુદ, સીમા દેવ (?) - ગીતકાર : શૈલેન્દ્ર


મોહમ્મદ રફી અને લતા મંગેશકરનાં સચિન દેવ બર્મને રચેલાં યુગલ ગીતો હવે પછી…….

No comments: