Tuesday, July 14, 2015

અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ' સુરેન્દ્ર(નાથ) - સોલો ગીતો - પૂર્વાર્ધ


Anil_BiswasSurendra(nath)

અનિલ બિશ્વાસે પારૂલ ઘોષ, સુરૈયા, તલત મહમૂદ, મુકેશ જેવાં ગાયકો માટે રચેલાં ગીતોને આપણે યાદ કરી ચૂક્યાં છીએ. સંખ્યાની દૃષ્ટિએ આ બધાં ગાયકોની સાથે તેમનાં ગીતોની સંખ્યા બહુ મોટી નહોતી એ આ ગીતોની વચ્ચેનું એક આગવું સામ્ય ગણવું હોય તો ગણી શકાય! લતા મંગેશકર સાથેનાં તેમનાં ગીતોની સંખ્યા આ બધાંની સરખામણીમાં ગણી વધારે રહી. પણ આ બધી બાબતો કરતાં સર્વતોમુખી જે બાબત રહી છે તે આ બધાં ગીતોની અપ્રતિમ ગુણવત્તા. મોટા ભાગનાં ગીતો એ તેમના સમયમાં નવી કેડી પાડવાનું કામ પણ કર્યું.

સંખ્યાની દષ્ટિએ પુરુષ ગાયકોમાં અનિલ બિશ્વાસે સ્વરબધ્ધ કરેલાં ગીતોમાં સહુથી વધારે આંકડો અનિલ બિશ્વાસના પોતાના જ સ્વરમાં ગવાયેલ ગીતોનો કહી શકાય. પણ તે પછી બહુ જ નજદીકના ક્રમે તેમણે રચેલાં સુરેન્દ્ર(નાથ)નાં સ્વરમાં ગવાયેલાં ગીતોનો રહ્યો છે.

સુરેન્દ્રનાથ શર્મા BA, LL.B. થયેલા હતા, એટલે વકીલાતની કારકીર્દી તરફ કદમ ઉઠાવવા આગળ વધી રહ્યા હતા, તો બીજી બાજુ લાહોરમાં નાની મોટી અંગત મહેફિલોમાં ગાયક તરીકે તેમનું નામ ગજું કાઢવાપણ લાગ્યું હતું. આવી જ એક મહેફિલમાં લાલા અલોપીપ્રસાદ હાજર હતા અને સુરેન્‍દ્રની ગાયકી ઉપરાંત તેમના વ્યક્તિત્ત્વથી તે ખાસા પ્રભાવિત થયા. લાલા અલોપીપ્રસાદ ફિલ્મ વિતરક હતા. મુંબઇને તે સમયે કુંદનલાલ સાયગલની કલકત્તામાં બનતી ફિલ્મોની સામે કાંટેકી ટક્કર લઈ શકે તેવા દેખાવડા, ગાયક-હીરોની બેપનાહ તલાશ હતી. અનેક નિર્માતાઓએ પોતાના વિતરકોને એવા ગાયક-અભિનેતાની તલાશ કરતા રહેવાની સૂચના આપી હતી. લાલા અલોપીપ્રસાદને લાગ્યું કે આ જુવાનિયાને પોતાની સાથે મુંબઈ લઈ જવા જેવો છે. સુરેન્‍દ્રને લઈને લાલાજી મુંબઈ આવ્યા. મુંબઈ આવ્યા પછી અનેક સ્ટુડિયોની મુલાકાત લીધા પછી સુરેન્‍દ્રને ‘સાગર સ્ટુડિયો’નું વાતાવરણ પસંદ આવ્યું. ‘સાગર સ્ટુડિયો’ના માલિક ચીમનલાલ દેસાઈ શિક્ષિત વ્યક્તિઓને તક આપવાની તરફેણમાં હતા. આમ, સુરેન્‍દ્ર ‘સાગર’ સાથે કરારબદ્ધ થયા અને તેમને ‘મુંબઈના સાયગલ’ તરીકે રજૂ કરાયા. તેમની પહેલી ફિલ્મ હતી ‘ડેક્કન ક્વીન’. ૧૯૩૬માં રજૂઆત પામેલી આ ફિલ્મમાં

પ્રાણસુખ નાયકનાં સ્વરનિયોજનમાં સુરેન્દ્રએ સાયગલનાં બાલમ આયે બસો મેરે મનમેંની તર્જની સીધી નકલ જેવું ગીત બિરહાકી આગ લગી મોરે મનમેં ગાયું. આ ફિલ્મમાં તેમની નાયિકા અરુણાદેવી હતાં. એ જ વર્ષમાં એ સમયનાં બહુ જ જાણીતાં ગાયિકા - હીરોઈન બીબ્બો (મૂળ નામ - ઈશરત સુલ્તાના)સાથે દેવદાસ જેવાં જ પ્રેમભગ્ન પાત્રવાળી ‘સાગર’ની બીજી ફિલ્મ 'મનમોહન'માં તેમને કામ મળ્યું. ફિલ્મમાં સંગીત આમ તો અશોક ઘોષનું હતું એમ રેકર્ડ્સ બોલે છે, પણ મદદનીશ તરીકે અનિલ બિશ્વાસનો આ બંનેનાં યુગલ ગીત - તુમ્હીંને મુઝકો પ્રેમ સિખાયા-નાં સ્વરનિયોજનમાં સિંહફાળો હતો એમ જાણકારોનું કહેવું છે. અનિલ બિશ્વાસની કારકીર્દીના ચડતા સૂરજની સાથે સાથે સુરેન્દ્રની કારકીર્દી પણ પોતાનાં અજવાળાં પ્રસરાવવા લાગી..

નવી પેઢીના સંગીતકાર, સંગીતના પ્રચંડ જાણકાર અને અનિલ બિશ્વાસ સાથે અત્યંત નિકટતા ધરાવનાર તુષાર ભાટિયા સાથેની અનિલ બિશ્વાસની દીર્ઘ વાતચીત ‘ઑલ ઈન્‍ડીયા રેડીયો’ પરથી પ્રસારિત થઈ હતી. આ વાતચીતમાં અનિલદાએ નિખાલસતાપૂર્વક જણાવેલું; ‘સાગર મુવીટોનનો સમયગાળો મારી કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સમયગાળો હતો, કેમ કે અહીં મને તમામ પ્રયોગો કરવાની છૂટ હતી. અહીં જે પડકારજનક કામ કરવાનો અનુભવ મળ્યો તે મને આગળ ઘણો કામ લાગ્યો. સબીતા દેવી જેવી યહૂદી યુવતીનાં બિનહિન્‍દી ઉચ્ચારણોને સુધારવાનો હું પ્રયત્ન કરતો. સુરેન્‍દ્ર ગાયક તરીકે સુંદર હતા, પણ સૂરની બારીકીઓ તેમને સમજાવવી પડતી. આ બધાનો મને એવો મહાવરો થઈ ગયો કે મુકેશ, તલત મહેમૂદ જેવા તાલિમબદ્ધ ગાયકોના સૂરને ઢાળવું તદ્દન આસાન થઈ ગયું.’

જો કે તેઓ સાયગલની આ છાયામાં બહુ લાંબો સમય ન રહ્યા. તેમણે તેમની પોતાની આગવી શૈલીના જોરે એક્ટીંગ અને ગાયકી એમ બંને ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન બનાવી લીધું. સાગર મુવિટોનના બૅનર હેઠળ મહેબુબ ખાન, અનિલ બિશ્વાસ અને સુરેન્દ્રની નિર્દેશક, સંગીતકાર અને ગાયક-હીરોની ત્રિપુટી અત્યંત લોકપ્રિય થઈ હતી. મહેબુબ ખાને જ્યારે પોતાના બૅનરમાં અનમોલ ઘડી (૧૯૪૬), એલાન (૧૯૪૭) અને અનોખી અદા (૧૯૪૮) જેવી ફિલ્મો બનાવી ત્યારે પણ સુરેન્દ્રનું સ્થાન અને માન બની રહ્યું, જો કે તે સમયે સંગીતકાર તરીકેનું સ્થાન મહેબુબ ખાનના મિત્ર નૌશાદે લઇ લીધું હતું. મહેબુબ અને અનિલ બિશ્વાસના સંબંધવિચ્છેદની અલગ કહાણી છે, જે ફરી ક્યારેક.

ફિલ્મોમાં અદાકારો જ ગીતો ગાતાં, પણ ધીમે ધીમે પાર્શ્વગાયનની પ્રથાનો આરંભ થઈ રહ્યો હતો અને તેને પગલે નવાબહુ જ આશાસ્પદ કેળવાયેલા પાર્શ્વગાયકો પણ ઉભરવાનું શરૂ થઇ ગયું હતું. એટલે અદાકારી અને ગીતોનું ગાયન એ બંને અલગ વિશિષ્ટ કળા તરીકે વિકસવાના પ્રવાહને વેગ મળ્યો.

સુરેન્દ્રને હવે ફિલ્મોમાં હીરો તરીકેની ભૂમિકાઓને બદલે ચરિત્ર અભિનેતા તરીકેની ભૂમિકાઓ વધારે મળવા લાગી હતી. ૧૯૫૪ની ગવૈયા (સંગીતકાર - રામ ગાંગુલી)નાં તેરી યાદકા દીપક જલતા હૈ અને હમારી આંખોસે દિલકે ટુકડે સાથે તેમની અદાકાર- ગાયક તરીકેની કારકીર્દીનો અધ્યાય પૂર્ણ થયો..પડદા પરની તેમની સફર ચરિત્ર અભિનેતા તરીકે ચાલુ રહી. ચરિત્ર અભિનેતા તરીકે તેમની છેલ્લી ફિલ્મ ૧૯૮૧ની ખુદા કસમ હતી.

તેમણે અનિલ બિશ્વાસનાં સંગીતમાં ૪૬ જેટલાં ગીતો ગાયાં છે, જેમાં તેમનાં સૉલો તેમજ યુગલ + ગીતોની સંખ્યા લગભગ સરખી કહી શકાય.

આજે આપણે હિંદી ફિલ્મ સંગીતના ૧૯૩૦ના દાયકાની ફિલ્મોમાં રેકોર્ડ થયેલાં, ગાયક સુરેન્દ્ર(નાથ)નાં અનિલ બિશ્વાસે સ્વરબધ્ધ કરેલ, સૉલો ગીતો માણીશું.અગર દેની થી હમકો - જાગીરદાર (૧૯૩૭) - ગીતકાર - ઝીયા સરહદી
સ્વતંત્ર સંગીતકાર તરીકે અનિલ બિશ્વાસની પહેલી સફળ ફિલ્મ, ‘સાગર મુવીટોન’ની, ‘જાગીરદાર’(૧૯૩૭) હતી એમ કહી શકાય. આ ફિલ્મમાં સુરેન્‍દ્રની સાથે મોતીલાલ પણ હતા.
મુખડા અને અંતરામાંની સ્વરબાંધણીમાં થતા ફેરફારો ગીતને અનોખી આભા બક્ષે છે.
  
જીનકે મનમેં રહતે થે તારે - જાગીરદાર (૧૯૩૭)- ગીતકાર - ઝીયા સરહદી
અનિલ બિશ્વાસની ગીતોની સ્વરબાંધણી અને સાજ સજાવટમાંની પ્રયોગાત્મકતા એમનાં શરૂઆતનાં ગીતોથી જ જોવા મળે છે, જેના માટે ગાયકે પણ કમર કસવી પડતી જ હશે.

ક્યું રોવત હૈ નીત મુરખ, મન ક્યા ચીઝ હૈ - મહા ગીત (૧૯૩૭) - ઝીયા સરહદી
કલકત્તામાં ૧૯૩૫માં બનેલ 'ધૂપ છાંવ'થી શરૂ થયેલ પ્લેબેક પધ્ધતિની શરૂઆત મુબઇમાં 'મહાગીત'થી થઇ હોવાનું મનાય છે. શાસ્ત્રીય રાગ પર આધારીત આ ગીત વાતાવરણમાં ગમગીની ફેલાવી દે છે.

બીજલી સી બીજલી સી ચમકે, હો મેરી ચંદ્રમુખી - ડાયનેમાઈટ (૧૯૩૮) - પંડિત ઇન્દ્ર ચંદ્ર
મુખડામાં બીજલી શબ્દની સાથે સંગીતમાં પણ વીજળી થતી હોય તેવો આભાસ કરવાનો પ્રયાસ સંગીતકારની પ્રયોગલક્ષીતાની નિષ્ઠાની દ્યોતક છે.

મુઝકો મેરી ખબર સુના જાતે - ગ્રામોફોન સિંગર (૧૯૩૮) - ગીતકાર - ઝીયા સરહદી
આ ફિલ્મમાં સુરેન્દ્રનાં પાંચ સોલો ગીતો છે.
ઓરકેસ્ટ્રેશનની દૃષ્ટિએ સરળ પણ ધુનની દૃષ્ટિએ ખાસ્સું અઘરું છે આ ગીત.

કાહે અકેલા ડોલત બાદલ, મોહે ભી સંગ લે જા - ગ્રામોફોન સિંગર (૧૯૩૮) - ગીતકાર - ઝીયા સરહદી
દ્રુત લયમાં પ્રીલ્યુડ પછી ગીત મધ્ય લયમાં આગળ વધે છે.
આ ગીતની સાવેસાવ લગોલગ જ એક છોટા સા મંદિર બનાયેંગે પણ રેકોર્ડ કરવાનો અનોખો પ્રયોગ પણ અનિલ બિશ્વાસે અહીં કરેલ છે.

એક છોટા સા મંદિર બનાયેંગે, અપની દેવીકો ઉસમેં બીઠાયેંગે - ગ્રામોફોન સિંગર (૧૯૩૮) - ગીતકાર - ઝીયા સરહદી
પ્રેમીકાની યાદનું મંદિર બનાવવાની કલ્પનામાં રાચતા પ્રેમીની ભાવનાને વાચા આપતી ધુનમાં રચાયેલાં ગીતને સુરેન્દ્ર પણ પૂરતો ન્યાય આપી શક્યા છે.

વો દિલ કે જિસ કો ખુદ પર ન ઐતબાર આયે - ગ્રામોફોન સિંગર (૧૯૩૮) - ગીતકાર - ઝીયા સરહદી
સ્વર અને સુરની બાંધણીમાં મુખડામાં અને અંતરામાં જૂદાં જૂદાં સ્વરૂપોને એક ગીતમાં સાંકળી લેવામાં આવેલ છે.

જગમેં રામ નામ હી સહારા - ગ્રામોફોન સિંગર (૧૯૩૮) - ગીતકાર - બાલકૃષ્ણ બોહરા
ભજનના ઢાળમાં ગવાયેલ ગીતમાં સુરના ચડાવ ઉતારની ગુંથણી રસપ્રદ બની રહે છે.


હમેં હુઆ હૈ દેશ નિકાલા - કૉમરૅડ્સ (ઉર્ફ- જીવનસાથી) (૧૯૩૯) - ગીતકાર - ઝીયા સરહદી
સાજ સજ્જામાં અવનવાં વાદ્યોના ઉપયોગની મદદથી ગીતના પ્રીલ્યુડને સજાવાયેલ છે.

ચલો સુન તો લી તુમને મેરી કહાની - ડૉ. સફદર 'આહ' સીતાપૂરીએ લખેલ ગૈરફિલ્મી ગીત



આટલાં ગીત માટેની ઇન્ટરનેટ કડી મળી નથી. આ લેખના જે કોઇ વાચક પાસે જો તે પ્રાપ્ય હોય તો અમને જણાવવા વિનંતિ છે. આ લેખના ઉત્તરાર્ધ આપણે એવાં ગીતોને હૃદયપૂર્વકના આભાર સાથે રજૂ કરીશું.


સુખ કી મૂરત બીત ગયી, દુઃખ ભયા જીવન સાથી - મહા ગીત (૧૯૩૭) - ઝીયા સરહદી

સોઝ-એ-ફુરકત હૈ યહી, દરદ-એ-ઉલ્ફત હૈ યહી, ક્યા મોહબ્બત હૈ યહી - અલી બાબા (૧૯૪૦) - ડૉ. આહ સીતાપુરી - 'અલીબાબા’ હિન્‍દી અને પંજાબી બન્ને ભાષામાં બનેલી ફિલ્મ છે.

આ ઉપરાંત ડૉ. સફદર 'આહ' સીતાપૂરીએ લખેલ આ ગૈરફિલ્મી ગીતોની પણ ઇન્ટરનૅટ કડીઓ મળી નથી શકીઃ
તુહમાતે ચાંદ અપને

યે ભેજા હૈ હમને
લેખ માટે Songs of Yoreના Anil Biswas’s songs for Bombay Saigal: Surendra લેખનો બહુધા આધાર લીધો છે. ઘણાં ગીતો ખોળી આપવામાંબીરેન કોઠારી નાં યોગદાનનો ફાળો પણ મહત્ત્વનો રહ્યો છે. એ ઉપરાંત ઘણી પૂરક માહિતી માટે તેમના દ્વારા લિખીત ‘સાગર મુવીટોન’ નો આધાર લીધો છે. આ તબક્કે એ બંનેનો સપ્રેમ આભાર માનવાની તક પણ ઝડપી જ લઉં છું.
વીસરાતા જતા ખજાનાનાં આ ગીતોને માણવા માટે એ સમયનાં ગીતોથી ભલીભાંતિ પરિચિત ચાહકોને તેમ જ નવી પેઢીનેપણ આ ગીતો ફરી ફરી સાંભળી શકવાનો સમય મળી રહે એટલા સારુ આપણે અહીં મધ્યાંતર વિરામ લઇશું.
 અનિલ બિશ્વાસ - સુરેન્દ્ર(નાથ)નાં સોલો ગીતોનો ઉત્તરાર્ધ આપણે
૨૯ ઓગસ્ટ, ૨૦૧૫ ના રોજ, આ જ મંચપર, માણીશું.

No comments: